ચિત્રકૂટમાં શૂટ કરવામાં આવેલી પહેલી વેબ-સિરીઝ બની પાતાલ લોક

14 May, 2020 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચિત્રકૂટમાં શૂટ કરવામાં આવેલી પહેલી વેબ-સિરીઝ બની પાતાલ લોક

અનુષ્કા શર્માના પ્રોડક્શન-હાઉસ હેઠળ બનેલી ‘પાતાલ લોક’ પહેલી વેબ-સિરીઝ છે જેને ચિત્રકૂટમાં શૂટ કરવામાં આવી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટે બનાવવામાં આવેલો આ શો એની જાહેરાતથી જ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. આ શોને વાસ્તવિક બનાવવા માટે એને જુદા-જુદા શહેરોમાં શૂટ કરવામાં આવ્યો છે. દિલ્હી, ગુડગાંવ, રોહતક, ચિત્રકૂટ, મુંબઈ અને અમદાવાદની સાથે એને 110 લોકેશન પર શૂટ કરવામાં આવ્યો છે. દિલ્હીની આસપાસનાં ઘણાં ગામમાં આ શોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. બુંદેલખંડમાં આવેલા ચિત્રકૂટમાં પણ એનું શૂટિંગ કરવામાં આવ્યુ છે. બુંદેલખંડમાં જ ચંબલ પણ આવેલું છે. પંદર મેએ રિલીઝ થઈ રહેલા આ શોમાં ચિત્રકૂટની સ્ટોરી લાઇન છે અને એ માટેનું લોકેશન રીક્રીએટ ન કરતાં એને ત્યાં જ શૂટ કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં નિર્માતા સુદીપ શર્માએ કહ્યું હતું કે ‘ચિત્રકૂટમાં પહેલી વાર ફિલ્મ અથવા તો વેબ-શોનું શૂટિંગ કરવામાં આવ્યું હશે. અમે જ્યારે શૂટિંગ માટેના લોકેશનની રેકી માટે ગયા હતા ત્યારે અમને ત્યાંના લોકેશન વિશે માહિતી નહોતી. અમારે આ માટે ઇકો-સિસ્ટમની વ્યવસ્થા પહેલેથી જ કરવી પડી હતી. અમે શૂટિંગ કરવા ગયા ત્યારે જ ત્યાં એક હોટેલ ખૂલી હતી એથી અમને એને કારણે ઘણી રાહત મળી હતી. બનારસ જેવું આ એક શહેર છે પરંતુ અહીં એટલી ચહલપહલ નથી.’

entertainment news web series amazon prime madhya pradesh