‘અનપોઝ્ડ’ને લઈને ડિપ્રેસ થયો હતો નાગરાજ મંજુલે

24 January, 2022 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘વૈકુંઠ’માં નાગરાજ મંજુલેએ સ્મશાનમાં કામ કરતા વિકાસનું પાત્ર ભજવ્યું છે

નાગરાજ મંજુલે

‘અનપોઝ્ડ નયા સફર’ની ઍન્થોલૉજીમાં ‘વૈકુંઠ’ની સ્ટોરીનું શૂટિંગ કરતી વખતે નાગરાજ મંજુલેને ખૂબ દુઃખ થયું હતું. આ ઍન્થોલૉજીમાં કોરોનાકાળમાં લોકો પર કેવા પ્રકારની અસર થઈ છે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ ઍન્થોલૉજીને હાલમાં જ રિલીઝ કરવામાં આવી છે. ‘વૈકુંઠ’માં નાગરાજ મંજુલેએ સ્મશાનમાં કામ કરતા વિકાસનું પાત્ર ભજવ્યું છે. કોરોનાને કારણે જગભરમાં અસંખ્ય લોકોનાં અવસાન થયાં છે. એવામાં સ્મશાનમાં કામ કરતા માણસના જીવનને ‘વૈકુંઠ’માં ઉતારવા વિશે નાગરાજ મંજુલેએ કહ્યું કે ‘હું એવી સ્ટોરી કહેવા માગતો હતો જે કોઈએ ન કહી હોય. આપણે બધા ડૉક્ટર્સ, પોલીસ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સની સ્ટોરી વિશે સાંભળ્યું છે. જોકે જે લોકો સ્મશાનમાં દિવસ-રાત કામ કરે છે તેમના વિશે નથી સાંભળ્યું. સમાચારોમાં પણ તેમના વિશે નહોતું સાંભળ્યું. એથી મારે તેમની સ્ટોરી કહેવી હતી.’
આ શૉર્ટ ફિલ્મ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરીને અનુભવ વિશે નાગરાજે કહ્યું કે ‘આખું વિશ્વ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. હું એને સંવેદનશીલતાથી જોઉં છું. હું લીડ રોલમાં ઍક્ટિંગ કરી રહ્યો હતો અને હું જ્યારે ઍક્ટિંગ કરી રહ્યો હતો ત્યારે મને ડિરેક્શન કરવા કરતાં પણ એ ખૂબ અઘરું લાગ્યું હતું. એથી એ મારા માટે ખૂબ અઘરરું હતું. અમે સળગતી ચિતાઓ અને ઉદાસ વાતાવરણની વચ્ચે શૂટિંગ કરતા હતા. આ બધી વસ્તુએ મને ખૂબ ઉદાસ કરી દીધો હતો. જે લોકો અહીં કામ કરે છે તેમને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે એ બધાનો મેં ખૂબ નજીકથી અનુભવ લીધો હતો. સુખ અને દુઃખમાં હિન્દી અને મરાઠી જેવું કંઈ નથી હોતું. ભાષાઓ કોઈ પણ હોય, પરંતુ કન્ટેન્ટ અને જે પ્રકારે સ્ટોરી કહેવામાં આવે છે એ જ અગત્યનું હોય છે. એ તો એકસમાન જ રહેશે.’

entertainment news Web Series web series