બૅટલ ગ્રાઉન્ડ બન્યું પૉલિટિકલ ગ્રાઉન્ડ

25 October, 2020 06:09 PM IST  |  Mumbai | Harsh Desai

બૅટલ ગ્રાઉન્ડ બન્યું પૉલિટિકલ ગ્રાઉન્ડ

‘મિર્ઝાપુર 2’

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ પર ‘મિર્ઝાપુર 2’ શો હાલમાં જ રિલીઝ થયો છે. આ શોની પહેલી સીઝન લોકોમાં ખૂબ લોકપ્રિય હતી અને પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિક્રાંત મેસી અને દિવ્યેન્દુ શર્મા રાતોરાત ચમકી ગયા હતા. જોકે આ બીજી સીઝનમાં વિક્રાંસ મેસીની ખોટ ખૂબ સાલી છે. પહેલી સીઝનમાં ‘બેલ (અલી ફઝલ) અને બુદ્ધિ (વિક્રાંત મેસી)’એ લોકોને ખૂબ એન્ટરટેઇન કર્યા હતા, પરંતુ આ શોમાં બેલને બુદ્ધિ આપનારની કમી છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા આ શોને મિહિર દેસાઈ અને ગુરમીત સિંહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

બહોત ટાઇમ લે લિયા રે

આ સીઝનમાં ૧૦ એપિસોડ છે અને અંદાજે એક વર્ષ કરતાં વધુનો સમયગાળો દેખાડવામાં આવ્યો છે. રસિકા દુગ્ગલ પ્રેગ્નન્ટ હોય છે અને તેને બાળક પણ આવે છે એથી એક વર્ષનો સમયગાળો હોવા છતાં ૬થી ૭મા એપિસોડ સુધી ખૂબ જ સ્લો ગાડી ચાલી રહી હોય એવું લાગે છે. પહેલી સીઝન જ્યાંથી શરૂ થઈ હતી ત્યાંથી બીજી સીઝનની શરૂઆત થાય છે, પરંતુ સ્ટોરીમાં પહેલી સીઝન જેવી સ્પીડ નથી. કૅમેરાવર્ક ખૂબ જ સારું છે, પરંતુ સ્ટોરીને એક નવી રીતે કહેવાની જરૂર હતી. મોટા ભાગના એપિસોડમાં આગળ શું થવાનું છે એની ખબર પડી જાય છે. ઘણાં પાત્રોને ઉમેરવામાં આવ્યાં છે. ઘણી બૅક સ્ટોરી છે. ઘણા સવાલના જવાબ આપવામાં આવ્યા છે, પરંતુ આમ છતાં પહેલાં જેવી મજા આમાં નથી. કેટલાંક દૃશ્યને ખૂબ સુંદર રીતે લેવામાં આવ્યાં છે, પરંતુ અંધારાનાં દૃશ્ય એટલાં જ કમજોર છે. શું થઈ રહ્યું છે એ માટે બ્રાઇટનેસ ફુલ કરવા છતાં તકલીફ પડી શકે છે.

પર્ફોર્મન્સ

દરેક ઍક્ટર્સનો પર્ફોર્મન્સ ખૂબ સારો છે, પરંતુ કેટલાંક પાત્રો પાસે જોઈએ એવું કામ આપવામાં નથી આવ્યું. ગોલુ એટલે કે શ્વેતા ત્રિપાઠીએ ખૂબ સારું કામ કર્યું છે. તેનું પહેલી સીઝનનું પાત્ર અને આ પાત્ર વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. જોકે ગોલુ જ નહીં, તેની સાથે રસિકા દુગ્ગલ, વિજય વર્મા, ઈશા તલવાર અને પ્રિયાંશુ પેઇનયુલીએ અદ્ભુત કામ કર્યું છે. પ્રિયાંશુએ રૉબિનનું પાત્ર ભજવ્યું છે અને એને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે લખવામાં આવ્યું છે. આ ડાર્ક શોમાં તે એટલું રંગીન પાત્ર છે કે તેને જોવાની વધુ ઇચ્છા થાય. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા અને રાજેશ તાઇલાન્ગ ખૂબ જ અદ્ભુત ઍક્ટર્સ છે અને એથી તેમનો પર્ફોર્મન્સ ટૉપનો હોય એમાં બેમત નથી તેમ જ પહેલી સીઝન કરતાં આ સીઝનમાં મુન્નાભૈયાનું પાત્ર પણ ઘણું ઇન્વૉલ્વ થતું જોવા મળે છે. અંજુમ શર્માએ શરદ શુક્લાનું પાત્ર ભજવ્યું છે. તેને જે પાત્ર આપવામાં આવ્યું હતું એને તેણે ખૂબ સારી રીતે ભજવ્યું છે, પરંતુ તેના પાત્રને સારી રીતે લખવાની જરૂર હતી. તે જેટલો દમદાર દેખાઈ છે એટલું દમદાર તેનું પાત્ર નથી.

માર ડાલા

ગુડ્ડુભૈયા પહેલી સીઝનમાં વધુ ગન ચલાવતો જોવા મળે છે, પરંતુ બીજી સીઝનમાં તે ગન કરતાં તેનું મગજ વધુ ચલવે છે. ઘાયલ શેર જ્યારે શિકાર કરવા નીકળે છે ત્યારે તે વધુ ખતરનાક બને છે, પરંતુ અહીં એવી કોઈ વાત જોવા નથી મળતી. આમ છતાં અલી ફઝલના પાત્ર માટે લખવામાં આવેલી નબળાઈને બાદ કરો તો તેણે ખૂબ સારું કામ કર્યું છે. ગોલુ અને ગુડ્ડુભૈયા વચ્ચે બદલો લેવાની જે કેમિસ્ટ્રી છે એ એટલી જોરદાર નથી. તેમને વધુ ભોચાલ મચાવતા દેખાડવાની જરૂર હતી. આ શોમાં ગન કરતાં વધુ મગજ ચાલવતા દેખાડવામાં આવ્યા છે એથી ઍક્શન પણ એટલી ઓછી થઈ ગઈ છે.

ત્રીજી સીઝન માટે તૈયાર

‘મિર્ઝાપુર 2’માં એકસાથે ઘણી સ્ટોરી દેખાડવામાં આવી છે. જોકે આ શોના એન્ડિંગ અને ‘હંગામા’ના એન્ડિંગમાં એક જ તફાવત છે. આ શોમાં મારધાડ થાય છે અને ‘હંગામા’માં કૉમેડી. શોનો જે રીતે એન્ડ કરવામાં આવ્યો છે એ જોઈને લાગે છે કે ત્રીજી સીઝન ચોક્કસ બનાવવામાં આવશે.

આખરી સલામ

આ શોમાં દરેક મહિલાનું પાત્ર ખૂબ સારી રીતે લખવામાં આવ્યું છે તેમ જ તેમના પાત્ર દ્વારા પિતૃપ્રધાન કુટુંબને લઈને પણ ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. દરેક મહિલા તેની લાઇફમાં આવેલી પરિસ્થિતિનો સામનો કરીને એનો ઉકેલ પોતે લાવતી જોવા મળે છે.

entertainment news web series harsh desai