રિયલિટી મને સૌથી વધુ અપીલ કરે છે: જમીલ ખાન

19 January, 2021 04:16 PM IST  |  Mumbai | Nirali Dave

રિયલિટી મને સૌથી વધુ અપીલ કરે છે: જમીલ ખાન

જમીલ ખાન

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’, ‘બેબી’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા જમીલ ખાનનું કહેવું છે કે મને સ્ક્રીન પર રિલેટેબલ પાત્રો ભજવવાનું જ ગમે છે. ૨૦૧૯માં આવેલી ટીવીએફની સિરીઝ ‘ગુલ્લક’ની બીજી સીઝન તાજેતરમાં સોની લિવ પર રિલીઝ થઈ છે જેમાં જમીલ ખાન, ગીતાંજલિ કુલકર્ણી, સુનીતા રાજવર વગેરે કલાકારો છે. આ સિરીઝમાં નૉર્થ ઇન્ડિયન મધ્યમવર્ગીય મિશ્રા-પરિવાર રોજબરોજની ઘટના, મુશ્કેલીઓ સાથે કઈ રીતે ડીલ કરે છે એ હળવી શૈલીમાં બતાવવામાં આવ્યું છે. હાલ ઓટીટી પર હિંસક અને અશ્લીલ કન્ટેન્ટની બોલબાલા છે ત્યારે ‘ગુલ્લક’ ફૅમિલી ઑડિયન્સ માટે બનેલો શો છે જેમાં જમીલ ખાન વીજળી વિભાગમાં કામ કરતા સંતોષ મિશ્રાનું પાત્ર ભજવી રહ્યા છે.

જમીલ ખાન કહે છે, ‘બીજી સીઝનનું લખાણ સાહિત્યિક છે અને એમાં સંબંધની બારીકાઈ વધુ છે. આ શો ફીલ-ગુડ તો છે જ, પણ એની ખાસિયત એ છે કે એ બહુ રિલેટેબલ છે. હું પોતે નૉર્થ ઇન્ડિયાનો છું અને ત્યાં ‘મિશ્રા પરિવાર’માં હોય એવા લોકો જ છે. ‘ગુલ્લક’માં મોટા ભાગના સીન ભજવતી વખતે એવું લાગતું જાણે આ બધું પહેલાં થઈ ગયું છે એટલે એ બાબત ઑન-સ્ક્રીન રીક્રીએટ થવાથી એ વધુ વિશ્વસનીય લાગે છે.’ મૂળ થિયેટરના માણસ એવા જમીલ ખાનનું કહેવું છે કે તેમને રિયલિટી વધુ આકર્ષે છે એટલે જ તેમને દર્શકો પોતાનાથી રિલેટ કરી શકે એવાં પાત્રો ભજવવામાં મજા આવે છે. તેઓ કહે છે, ‘ઑડિયન્સને એમ થાય કે ભાઈ આ તો બધું ફક્ત ફિલ્મોમાં જ હોય, રિયલ નહીં એવા બનાવટી રોલ કરવામાં હું નથી માનતો.’

entertainment news indian television tv show