‘ટકેશીઝ કાસલ’ની યાદ અપાવતો નેટફ્લિક્સનો શો ‘લાવા કા ધાવા’

30 April, 2021 11:59 AM IST  |  Mumbai | Nirali Dave

આમાં જાવેદ જાફરી ફરી કરશે કોમિક કૉમેન્ટરી

જાવેદ જાફરી

નાઇન્ટીઝના દોરમાં જૅપનીઝ ઍક્ટર અને કૉમેડિયન ટકેશી કિટાનોનો ‘ટકેશીઝ કાસલ’ નામનો શો આવતો, જેમાં સ્પર્ધકને જુદી-જુદી ચૅલેન્જ આપવામાં આવતી. આ કલ્ટ ટોક્યોમાં પ્રસારિત થતો, પરંતુ એનાં વર્ઝન અઢળક દેશોમાં પ્રસારિત થયાં. ભારતમાં પોગો ટીવી પર એનું ડબ્ડ વર્ઝન આવ્યું જેમાં આ જ જૅપનીઝ પ્લેયર્સ પોતાના ટાસ્ક પૂરા કરે, પણ આ ભારતીય વર્ઝનની ખાસિયત બન્યો બૅકગ્રાઉન્ડમાં સંભળાતો અવાજ. જે ઍક્ટર-ડાન્સર જાવેદ જાફરીનો હતો.

આ જ તર્જ પર જાવેદ જાફરીને લઈને ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ લાવી રહ્યું છે ‘લાવા કા ધાવા’, જે નેટફ્લિક્સનો જ ઓરિજિનલ શો ‘ફ્લોર ઇઝ લાવા’નું એડપ્ટેશન છે. મેગન મૅકગ્રેથ અને ઇરાદ ઇયલે ક્રીએટ કરેલો આ ગેમ-શો બાળકો માટેનો છે. સ્પર્ધકો નીચે લાવાથી ભરેલા ફ્લોરને અડી ન જાય એ રીતે પોતાનો ટાસ્ક પૂરો કરે છે.

બીજું, સ્પર્ધકો જે વસ્તુ પર ઊભા રહીને ટાસ્ક પૂરો કરે છે એ ફર્નિચર પર વધુ વજન આવતાં લાવામાં ડૂબી જાય છે. એટલે એનાથી પણ બચવાનું છે. જાવેદ જાફરી ‘ટકેશીઝ કાસલ’ની જેમ જ અહીં પણ રમૂજી અને સર્કાઝમથી ભરેલી કૉમેન્ટરી આપશે. પાંચમી મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થનારો આ શો નાઇન્ટીઝનાં બાળકો માટે નૉસ્ટાલ્જિક બની રહેશે એ નક્કી.

entertainment news netflix javed jaffrey nirali dave