ઇશ્કબાઝ ફેમ મંજરી પુપાલા આદિવાસી મહિલાના રોલમાં

14 May, 2020 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇશ્કબાઝ ફેમ મંજરી પુપાલા આદિવાસી મહિલાના રોલમાં

સ્ટાર પ્લસની જાણીતી સિરિયલ ‘ઇશ્કબાઝ’માં એસીપી અદિતિ દેશમુખનો રોલ કરનારી અભિનેત્રી મંજરી પુપાલા હવે નેટફ્લિક્સની આગામી વેબ-સિરીઝ ‘બેતાલ’માં જોવા મળશે. ૨૪ મેએ રિલીઝ થઈ રહેલી આ હૉરર-થ્રિલર સિરીઝ શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બની છે જેમાં વિનીતકુમાર સિંહ, આહના કુમરા સીઆઇપીડી (કાઉન્ટર-ઇન્સર્જન્સી પોલીસ ડિવિઝન) ઑફિસરના રોલમાં અને મંજરી પુપાલા આદિવાસી મહિલાના રોલમાં જોવા મળશે. એક અભિનેત્રી ઉપરાંત રાઇટર અને ડિરેક્ટર એવી મંજરી પુપાલાએ ‘બેતાલ’માં પોતાના રોલ વિશે જણાવ્યું કે ‘નેટફ્લિક્સ સાથે આ મારો પહેલો પ્રોજેક્ટ છે અને એનું શૂટિંગ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. હું એક આદિવાસી મહિલાના રોલમાં છું જે સીઆઇપીડીને ધુત્કારે છે અને આખી લડાઈમાં તેને લીધે રસપ્રદ વળાંકો સર્જાય છે. આ સિરીઝ બેતાલ અને આપણામાં રહેલા રાક્ષસની વાત કરે છે.’

શોની વાર્તા મુજબ એક નિર્જન ગામડામાં આશરે બે સદી પહેલાં મૃત્યુ પામેલો બ્રિટિશ ભારતીય આર્મી ઑફિસર બેતાલ અને ઝોમ્બી બની ગયેલી તેની પલટન ગામના લોકો પર હુમલો કરે છે અને દહેશત ફેલાવે છે. સીઆઇપીડી એ લોહીની પ્યાસી આર્મી સામે લડાઈ કરે છે ત્યારે કેવી ડરામણી પરિસ્થિતિ સર્જાય છે એ આ સિરીઝમાં જોવા મળશે.

entertainment news web series netflix