ઇન્ડિયન પોલીસ ફોર્સ રિવ્યુ: ટ્‍‍વિસ્ટ ઍન્ડ ટર્નલેસ

21 January, 2024 07:43 AM IST  |  Mumbai | Harsh Desai

રોહિત શેટ્ટી દ્વારા બનાવવામાં આવેલો આ શો એકદમ ઘીસીપીટી સ્ટોરીલાઇન પર છે અને એ પણ એકદમ ધીમી ગતિએ ચાલે છે : ડાયલૉગની સાથે ઍક્ટિંગ પણ નૅચરલ નથી લાગતી અને ઍક્શનમાં પણ દમ નથી

ઇન્ડિયન પોલીસ ફોર્સ

ઇન્ડિયન પોલીસ ફોર્સ
 
કાસ્ટ : સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઑબેરૉય, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, મયંક ટંડન, શરદ કેળકર, નિકિતિન ધીર
ડિરેક્ટર : રોહિત શેટ્ટી, સુશવંત પ્રકાશ
 રિવ્યુ: દોઢ

રોહિત શેટ્ટીએ એના કોપ યુનિવર્સ દ્વારા ઓટીટી પર ડેબ્યુ કર્યું છે. ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ બાદ રોહિતે ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ દ્વારા ઓટીટી પર ડેબ્યુ કર્યું છે. આ શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઑબેરૉય અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા જોવા મળી રહ્યાં છે. રોહિતની કોપ યુનિવર્સમાં શિલ્પા પહેલી હિરોઇન છે અને ફિલ્મોમાં તેની પહેલી હિરોઇન દીપિકા પાદુકોણ એન્ટ્રી કરવાની છે. આ શોને રોહિત અને સુશવંત પ્રકાશે ડિરેક્ટ કર્યો છે. શોની ઍક્શનને રોહિતે પોતે ડિઝાઇન કરી છે.

સ્ટોરી ટાઇમ
શોની શરૂઆત જ દિલ્હીમાં એક બૉમ્બધડાકાથી થાય છે. ત્યાર બાદ એક સિરીઝમાં બૉમ્બધડાકા થાય છે. એ દરમ્યાન આઇપીએસ કબીર મલિક એટલે કે સિદ્ધાર્થ મલ્હોત્રાને એ વિશે ઇન્ફૉર્મ કરવામાં આવે છે. તે તેના સિનિયર અને ફ્રેન્ડ જૉઇન્ટ સીપી વિક્રાન્ત બક્ષીને રિપોર્ટ કરે છે અને ત્યાર બાદ દિલ્હીને આ હાલતમાંથી બહાર કાઢવાનું બીડું ઉપાડે છે. આ બૉમ્બધડાકા કરનારને પકડવા માટે તેઓ દિવસ–રાત એક કરે છે. એ પહેલાં અમદાવાદમાં પણ એવા ધડાકા થયા હતા અને એથી ગુજરાતી ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડની ચીફ તારા શેટ્ટી એટલે કે શિલ્પા શેટ્ટી કુન્દ્રાને બોલાવવામાં આવે છે, પરંતુ બધા સાથે મળીને પણ તેમને નથી પકડી શકાતા. એ દરમ્યાન એક સિનિયર પોલીસ ઑફિસરનું મૃત્યુ થાય છે તેમ જ આતંકવાદીને પકડવામાં નિષ્ફળ જતા કબીરને અન્ય ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર આપી દેવામાં આવે છે. ત્યાર બાદ રાજસ્થાનમાં આ બૉમ્બધડાકા થાય છે. કબીર લીવ પર જઈને ઑફ-ડ્યુટી ઇન્સેસ્ટિગેશન કરે છે. જોકે રાજસ્થાનમાં પણ આતંકવાદી હાથ નથી લાગતો. ત્યાર બાદ અચાનક એક લીડ મળે છે અને આ ડિપાર્ટમેન્ટ ફરી કાર્યરત થાય છે. આ વખતે તેઓ ગોવામાં થનારા આતંકવાદી હુમલાને અટકાવતા જોવા મળે છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
રોહિતે આ શોની સ્ટોરી સંદીપ સાકેત, અનુષા નંદકુમાર, આયુષ ત્રિવેદી, વિધિ ઘોડગાવકર અને સંચિત બેદ્રે સાથે મળીને લખી છે. રોહિત શેટ્ટી જે સ્ટોરી અત્યાર સુધી તેના કોપ યુનિવર્સમાં અઢી કલાકમાં કહેતો આવ્યો છે એ જ સ્ટોરી કહેવા માટે તેણે અહીં સાત એપિસોડનો સમય લીધો છે. અત્યાર સુધી બૉલીવુડમાં જે આતંકવાદી પરથી ફિલ્મો કે વેબ-શો બન્યા છે એ જ વસ્તુ ફરી અહીં જોવા મળી છે. આ શોમાં કંઈ નવીનતા નથી. આંતકવાદી કેવી રીતે બચે છે અને કેવી રીતે પકડાય છે અને પોલીસ કેવી રીતે કામ કરે છે એ જ ઘીસીપીટી સ્ટોરી છે. આ શોમાં રોહિતની જે યુએસપી છે એ પણ જોવા નથી મળી. ઍક્શન પણ એટલી ગ્રૅન્ડ નથી જેટલી તેની ફિલ્મોમાં હોય છે. એક મુસ્લિમ આંતકવાદીને પકડવા માટે એક મુસ્લિમ પોલીસ-ઇન્સ્પેક્ટર દેખાડવામાં આવ્યો છે. રોહિતે અગાઉ તેની ફિલ્મ દ્વારા કમ્યુનિટીને જે મેસેજ આપવાની કોશિશ કરી છે એ અહીં ફરી કરી છે. રોહિતે આ શો બનાવતાં પહેલાં ઘણું રિસર્ચ કર્યું હોત તો શો અલગ બન્યો હોત. બૉમ્બ ડિફ્યુઝ કરવાથી લઈને આતંકવાદીઓ હજી પણ મોબાઇલ સિગ્નલ ટાવરથી પકડાય છે એથી લઈને પ્રેમમાં પડવા જેવી બાબતોથી પર થઈને એક શો બનાવાની જરૂર હતી. આ શોમાં ફક્ત હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બેક્ટ સારી હતી. તે જે કાર ઉડાડે છે અને કાર-ચેઝિંગનાં જે દૃશ્યો છે એમાં પણ ખાસ દમ નથી. દૃશ્યો વધુ થ્રિલર બનાવવા માટે કાર સીધા રસ્તા પર ચાલતી હોય તો પણ એને આમથી તેમ કરવામાં આવે છે અને એને ડબલ સ્પીડમાં દેખાડવામાં આવે છે, પરંતુ એમ છતાં ગોવાના ડોના પોલા પર જે રીતે અજય દેવગન તેની સ્કૉર્પિયોનો ટર્ન મારે છે એવી અસર અહીં જોવા નથી મળતી. ‘સૂર્યવંશી’માં જે રીતે અજય દેવગને એન્ટ્રી કરી હતી એવું જ દૃશ્ય એવી જ કારમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ કરે છે, પરંતુ એમાં પણ ફિલ્મ જેવો દમ નથી. રોહિતે આ શોમાં ઇમોશન્સ દેખાડવાની કોશિશ કરી છે. સિદ્ધાર્થનું તેની મમ્મી સાથેનું કનેક્શન તેમ જ વિવેક ઑબેરૉયનું તેની પત્ની શ્વેતા તિવારી સાથેનું ઇમોશનલ કનેક્શન દેખાડવાની કોશિશ કરી છે. એટલું જ નહીં, આતંકવાદીનું પાત્ર ભજવનાર મયંક ટંડન અને નફિશાનું પાત્ર ભજવતી વૈદેહી પરશુરામી વચ્ચેની પ્રેમકહાની પણ દેખાડી છે. તે આ લવસ્ટોરી તો દેખાડે છે, પરંતુ એક બાળક આંતકવાદી કેમ બને છે એને ડિટેલમાં નથી દેખાડતો, ફક્ત ઉપરછલ્લી સ્ટોરી દેખાડે છે. વેબ-શો જ્યારે બનાવતો હોય ત્યારે સ્ટોરી હંમેશાં ડિટેલમાં હોવી જરૂરી છે જે અહીં જોવા નથી મળી. વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સમાં પણ એટલો દમ નથી તેમ જ ડાયલૉગ ડિલિવરી પણ નૅચરલ નથી લાગતી. ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન પણ નહીંવત્ છે.

પર્ફોર્મન્સ
સિદ્ધાર્થ મલ્હોત્રા આ શોમાં કબીરના રોલમાં જોવા મળ્યો છે. તેણે અગાઉ આર્મી ઑફિસરનું પાત્ર ‘શેરશાહ’માં ભજવ્યું હતું. જોકે પોલીસના પાત્રમાં તે એટલો ખાસ નથી લાગતો. રોહિતના યુનિવર્સમાં પોલીસ ઑફિસરની એક ઇમેજ છે અને એ એક્સ્પેક્ટેશનને સિદ્ધાર્થ મૅચ નથી કરી શક્યો. બૉડી-લૅન્ગ્વેજથી લઈને ઍક્શનથી લઈને દરેક વસ્તુમાં તે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ‘દિલ્હી કા લૌંડા’ રૉકી રંધાવા જેવી વાઇબ આપે છે, જે કંઈ પણ વસ્તુ કોઈ પણ વિચાર્યા વગર કરે છે. વિવેક ઑબેરરૉય પાસે ખાસ કામ નથી. તે લિમિટેડ એપિસોડમાં છે. અમુક દૃશ્યમાં તેની પોલીસની પર્સનાલિટી બહાર આવે છે અને અમુક દૃશ્યમાં તે ઍક્ટિંગ કરતો હોય એવું દેખાઈ આવે છે. જોકે આ વાત તેની સાથે જ નહીં, શિલ્પા સાથે પણ છે. તે પણ ઘણાં દૃશ્યોમાં પ્રિટેન્ડ કરતી હોય એવું લાગે છે. તેની અને વિવેક વચ્ચેની તૂતૂમૈંમૈં સારી લાગે છે, પરંતુ પોલીસના પાત્રમાં તે થોડી અજીબ છે. તેને પણ ઍક્શન કરવાનો ચાન્સ મળ્યો છે અને એમાં તે સારી છે, કારણ કે આ દૃશ્યોને ખૂબ સારી રીતે શૂટ કરવામાં આવ્યાં છે. શરદ કેળકર, નિકિતિન ધીર અને મુકેશ રિશી સપોર્ટિંગ રોલમાં છે. ‘સિંઘમ રિટર્ન’માં દયાનંદ શેટ્ટીએ જેવું પાત્ર ભજવ્યું છે એવું પાત્ર આ શોમાં નિકિતિન ધીરે ભજવ્યું છે. શરદ કેળકરની એન્ટ્રી બાદ એક અલગ ચાર્મ આવે છે, પરંતુ એ બીજી સીઝનમાં જોવા મળશે. શ્વેતા તિવારી પણ આ શોમાં નામ પૂરતી છે. તેની પાસે ખાસ કામ નથી. વૈદેહી એકમાત્ર એવી ઍક્ટર છે જે ખૂબ નૅચરલ લાગી છે, બાકી તમામ ઍક્ટિંગ કરતા હોય એવું દેખાઈ આવે છે.

આખરી સલામ
‘સર્કસ’ બાદ ફરી રોહિત શેટ્ટી તેના પોતાના જોનરમાં એક કમજોર પ્રોજેક્ટ લઈને આવ્યો છે. તેની કૉમેડી ફિલ્મોના લિસ્ટમાં જે રીતે ‘સર્કસ’નું નામ લેવામાં આવે છે એ જ રીતે કોપ યુનિવર્સમાં ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’નું નામ લેવામાં આવશે

rohit shetty web series Web Series entertainment news