‘સ્કૅમ 2003’માં અબ્દુલ તેલગી કોણ બનશે?

30 April, 2021 11:57 AM IST  |  Mumbai | Rashmin Shah

હંસલ મહેતાની ઇચ્છા પ્રતીક ગાંધીને લેવાની હતી, પણ પ્રતીક બીજા પ્રોજેક્ટમાં બિઝી હોવાથી હવે નવેસરથી શોધ

પ્રતીક ગાંધી

સોની લિવની વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા સ્ટોરી’ પછી હવે ડિરેક્ટર હંસલ મહેતા ‘સ્કૅમ 2003 - ધી અબ્દુલ તેલગી સ્ટોરી’ લાવવાના છે, પણ હંસલ મહેતાને હજી સુધી અબ્દુલ તેલગીના લીડ કૅરૅક્ટરમાં કોઈ મળ્યું નથી. હંસલની ઇચ્છા ‘સ્કેમ-1992’ના પ્રતીક ગાંધીને લેવાની હતી, પણ પ્રતીક પાસે બીજા પ્રોજેક્ટ હોવાથી તે અત્યારે બૉડી પર કામ કરીને વજન વધારી શકે એમ નથી અને હંસલ મહેતા પણ વધારે રાહ જોઈ શકે એમ નથી, જેને લીધે હંસલ મહેતાએ હવે અબ્દુલ તેલગીના કૅરૅક્ટર માટે શોધખોળ શરૂ કરી છે. હંસલને જેટલી તકલીફ ‘સ્કૅમ-1992’ના કાસ્ટિંગમાં નહોતી પડી એટલે તકલીફ અત્યારે તેને આ સેકન્ડ સીઝનમાં પડી રહી છે. હંસલ મહેતાએ જે ઍક્ટર પસંદ કર્યા છે એ ઍક્ટરોમાં અનુપમ ખેર અને મનોજ જોષીનાં નામ આગળ છે, પણ હંસલ હજી પણ વધુ સારું કાસ્ટિંગ કરવા માગે છે અને એટલે ઓડિશન પણ ચાલુ રાખ્યાં છે.

કોણ છે આ તેલગી?

અબ્દુલ તેલગીએ નકલી સ્ટૅમ્પ-પેપરનું કૌભાંડ કરીને દેશની જનતાના અંદાજે ૨૦,૦૦૦ કરોડ ઓળવી લીધા હતા. તેલગી સ્કૅમ ૨૦૦૪માં ખુલ્લું પડ્યું અને ૨૦૦૬માં તેને ૩૦ વર્ષની જેલની સજા તથા ૨૦૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો દંડની રકમ ચૂકવે નહીં તો તેલગીને બીજાં ૨૦ વર્ષની સજા પણ જાહેર કરવામાં આવી હતી.

entertainment news Web Series web series sony entertainment television hansal mehta Pratik Gandhi Rashmin Shah