પંચાયત’માં ‘વિકાસ’નું પાત્ર ભજવનાર ઍૅક્ટર ચંદન રૉયનો ઇન્ટરવ્યુ

07 May, 2020 08:14 PM IST  |  Mumbai | Nirali Dave

પંચાયત’માં ‘વિકાસ’નું પાત્ર ભજવનાર ઍૅક્ટર ચંદન રૉયનો ઇન્ટરવ્યુ

ઇલેક્ટ્રિશ્યનનો એ રોલ ત્યાર પછી સિરીઝના ડિરેક્ટર દીપક કુમાર મિશ્રાએ ભજવ્યોઃ અભિનેતા ચંદન રૉયે પોતાના પાત્ર, સિરીઝનું કાલ્પનિક ગામ ફુલેરા તથા પોતાનું મૂળ ગામ અને અભિનય-સફર વિશે ‘મિડ-ડે’ સાથે માંડીને વાત કરી

ઍમેઝૉન પ્રાઇમ પર ત્રીજી એપ્રિલે રિલીઝ થયેલી સિરીઝ ‘પંચાયત’ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. નીના ગુપ્તા, રઘુવીર યાદવ, જિતેન્દ્ર કુમાર એ ત્રણેય જાણીતા કલાકારો છે. સિરીઝમાં આ ઉપરાંત બીજા બે કલાકારોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે એ છે ફૈશલ મલિક અને ચંદન રૉય. ગામની પંચાયતના ક્લર્ક અભિષેક (મુખ્ય પાત્ર)ના સહાયક બનતા વિકાસના પાત્રમાં દેખાયેલા ચંદન રૉય મૂળ બિહારના વૈશાલી જિલ્લાના બહનાર ગામના છે. આ ગામ પંચાયતમાં દર્શાવેલા ફુલેરા ગામ જેવું જ છે!

અત્યારે લૉકડાઉન હોવાથી ચંદન પોતાના ગામડે જ છે. તેમણે પોતાના ગામ, ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત તથા ‘પંચાયત’ના ઑડિશન સહિતની ખાસ વાતો ‘મિડ-ડે’ સાથે કરી એ તેના જ શબ્દોમાં વાંચો.

નાનપણથી જ ‘ફિલ્મી ટાઇપ’ હતો

દસમા સુધી હું મારા ગામ બહનારમાં જ ભણ્યો છું. ત્યાર પછી માસ કમ્યુનિકેશન કરવા પટના-કૉલેજમાં ઍડ્‍મિશન લીધું. દિલ્હીની આઇઆઇએનટીમાં રેડિયો અને ટેલિવિઝનમાં ડિપ્લોમા પણ કર્યું, પરંતુ આ દરમ્યાન હું કોઈ ને કોઈ રીતે અભિનયની નજીક રહ્યો. ગામમાં હતો ત્યારે સોશ્યલ ઇશ્યુ આધારિત નાટકો કરતો. હું પહેલાંથી જ ‘ફિલ્મી ટાઇપ’ હતો! કિકિટ લઈને થિયેટરમાં સૌથી આગળ બેસીને ખૂબ ફિલ્મો જોઈ છે. દિલ્હી આવીને પણ જેએનયુના ‘બહેરૂપ ગ્રુપ’ સાથે નાટકો કર્યાં. સમય જતાં એનએસડીના સ્વતંત્ર ડિરેક્ટરો સાથે કામ કરવા માંડ્યું.

અઢી વર્ષ પત્રકાર તરીકે કામ કર્યું

દિલ્હીમાં મેં ‘દૈનિક જાગરણ’માં પત્રકાર તરીકે અઢી વર્ષ નોકરી કરી. જોકે મને રસ પહેલાંથી જ ઍક્ટિંગમાં હતો. પૂરતા પૈસા ભેગા થઈ ગયા એટલે નીકળી ગયો મુંબઈ તરફ! હવે સ્ટ્રગલ શરૂ થઈ. મુંબઈમાં ઘણા મહિના એમ જ પસાર થયા. ત્યાં નવી શરૂ થયેલી ‘જીત ડિસ્કવરી’ ચૅનલની ‘બાબા રામદેવ’ નામની સિરિયલમાં એક દિવસનું કામ મળ્યું એ કર્યું. એ પછી ડેઇલી શૉપમાં નાનાં-મોટાં કામ કરતો રહ્યો જેથી મુંબઈમાં રહેવાનો ખર્ચ નીકળી જાય.

રઘુવીર યાદવ સાથે ‘પંચાયત’ પહેલાં ‘જામુન’ કરી

આ દિવસોમાં મને શ્વેતા બાસુ પ્રસાદ અને રઘુબીર યાદવની ‘જામુન’ નામની ફીચર ફિલ્મ મળી. જોકે હજી સુધી એ ફિલ્મ રિલીઝ નથી થઈ શકી અને એમાં મારો રોલ પણ  સાવ નાનો હતો, પરંતુ મારો આત્મવિશ્વાસ વધ્યો હતો એ ફિલ્મ કર્યા બાદ.

‘પંચાયત’ સિરીઝ કેવી રીતે મળી

મુંબઈનો સ્ટ્રગલર દરરોજ સવારે જોશ સાથે ઊઠે, રેન્ડમલી કામ માટે અભ્યાસ કરે અને રાતે પાછો ઘરે આવીને સૂઈ જાય! આવી જ એક સવારે હું વર્સોવાના આરામનગરમાં ફરતો હતો ત્યાં કાસ્ટિંગ કંપની ‘કાસ્ટિંગ બે’ની ઑફિસ છે. હું પહેલાં ત્યાં ગયેલો. ખબર પડી કે ‘પંચાયત’ નામની વેબ-સિરીઝનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે. કહેવામાં આવ્યું કે ઇલેક્ટ્રિશ્યનનું પાત્ર છે, કરીશ? હું જે મળે એ કરવા તૈયાર હતો! મેં ઑડિશન આપ્યું. તેમણે ઑડિશન જોયું અને મને રોકીને કહ્યું કે બીજું એક પાત્ર છે, મહત્ત્વનું છે, એને માટે ફરીથી ઑડિશન આપ! એ પાત્ર એટલે ‘પંચાયત’ની ઑફિસમાં ગ્રામ-સહાયકની ફરજ બજાવતો ‘વિકાસ’ નામનો યુવાન!

રસપ્રદ વાત એ છે કે એ ઇલેક્ટ્રિશ્યનનું પાત્ર પછી ‘પંચાયત’ના ડિરેક્ટર દીપક કુમાર મિશ્રાએ પોતે ભજવ્યું.

‘વિકાસ’ બોલે છે એ ભાષા મારે ફરી શીખવી પડી...

‘પંચાયત’માં ચંદન રૉયનું પાત્ર પ્યૉર ગામડિયાનું છે. એના દ્વારા બોલાતી ભાષાને કારણે પણ રમૂજ ઉદ્ભવે છે. ચંદન કહે છે, ‘હું જ્યાં મોટો થયો છું ત્યાં આવી જ ભાષા બોલાય છે. પહેલાં તો ‘સ’, ‘શ’ અને ‘ષ’માં હું પણ ફરક નહોતો કરતો. પછી બહાર નીકળ્યો, દિલ્હી-મુંબઈમાં શીખ્યો. ‘પંચાયત’ની વર્કશૉપમાં મને કહેવામાં આવ્યું કે તારે ખોટું હિન્દી બોલવાનું છે! કૅરૅક્ટરની ડિમાન્ડ છે. ખરેખર કહું તો જેટલો સમય મને સાચું બોલતાં લાગ્યો એટલો જ સમય વળી મને ખોટું હિન્દી બોલતાં શીખવામાં લાગ્યો!

 

લૉકડાઉન ખૂલતાં પહેલું કામ આ કરવું છે...

‘પંચાયત’ પછી ઘણીબધી ઑફર્સ આવી છે, પણ અત્યારે તો બધી સ્ટૅન્ડ-બાય પર છે. જીવનમાં પણ બદલાવ આવ્યો છે, પણ એ બદલાવ હું અત્યારે છું એ મારા ગામ સુધી નથી પહોંચ્યો! અહીં કોઈ ઍમેઝૉન પ્રાઇમ કે નેટફ્લિક્સના આદિ નથી. અહીં તો લોકો ૧૦-૨૦ રૂપિયા લઈને માર્કેટ જાય ને ચિપમાં પાંચ-છ ભોજપુરી ને હિન્દી ફિલ્મો ભરાવીને લઈ આવે છે! મારી ઇચ્છા હતી કે પ્રોજેક્ટર પર હું ગામના લોકોને આ વેબ-સિરીઝ બતાવું. અત્યારે તો બધું બંધ છે, પણ લૉકડાઉન ખૂલતાં પહેલું કામ હું આ કરીશ.

entertainment news web series amazon prime