હું હંમેશાંથી મૅચ્યોર લવ સ્ટોરી દેખાડવા માગતી હતી: એકતા કપૂર

08 June, 2020 08:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું હંમેશાંથી મૅચ્યોર લવ સ્ટોરી દેખાડવા માગતી હતી: એકતા કપૂર

એકતા કપૂરનું કહેવું છે કે તે પહેલેથી જ મૅચ્યોર લવ સ્ટોરી દેખાડવાની ઇચ્છા રાખતી હતી. તેની વેબ-સિરીઝ ‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સીઝન તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવી છે. એ સિરીઝમાં રોનિત રૉય, ગુરદીપ કોહલી પૂંજ, મોના સિંહ, અપૂર્વ અગ્નિહોત્રી, પૂજા બૅનરજી, પલક જૈન અને અદિતિ વાસુદેવ જોવા મળી રહ્યાં છે. આની ચોથી સિરીઝની પણ તૈયારી ચાલી રહી છે. આ શો વિશે એકતાએ કહ્યું હતું કે ‘મારા ફેવરિટ શો ‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સીઝન લૉન્ચ થતાં હું ખૂબ ખુશ છું. હું હંમેશાંથી મૅચ્યોર લવ સ્ટોરી દેખાડવા માગતી હતી. મને એ વાતની ખુશી છે કે મેં મારી આ ઇચ્છા ‘કહને કો હમસફર હૈ’ના માધ્યમથી પૂરી કરી છે. મૉડર્ન રિલેશનશિપને લઈને આ શોમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. બે સીઝનની અભૂતપૂર્વ સફળતા બાદ ત્રીજી સીઝન રિલેશનશિપના અનેક શેડ્સ પર પ્રકાશ પાડશે. આ સીઝનમાં જોવા મળશે કે જ્યારે પ્રેમ નફરતમાં બદલાઈ જાય છે તો શું થાય છે. દર્શકોના મનમાં પણ અનેક સવાલો ઊભા થશે. શો પ્રતિ તેમનો પ્રેમ દેખાડવો એ મારા માટે મોટી ગિફટ છે.’

એકતા કપૂરની વેબ-સિરીઝ ‘XXX 2’ના જે સીનને લઈને વિવાદ ચગ્યો હતો એને આખરે હટાવવામાં આવ્યો છે. એ સીનને કારણે દેશમાં ખાસ્સો હોબાળો મચી ગયો હતો. સિરીઝમાં દેખાડવામાં આવ્યું હતું કે એક આર્મી ઑફિસરની વાઇફ પોતાના પતિની ગેરહાજરીમાં તેના બૉયફ્રેન્ડને ઘરે બોલાવે છે અને તેને આર્મીનો યુનિફૉર્મ પહેરાવીને તેની સાથે સંબંધ બાંધે છે. ત્યાર બાદ તે મહિલા એ યુનિફૉર્મને ફાડી નાખે છે. આ સીનને જોયા બાદ લોકોની અને ખાસ કરીને સેનામાં ફરજ બજાવતા લોકોની લાગણી દુભાઈ છે. તેમના મુજબ આ સેનાનું અને સૈનિકોનું અપમાન છે. આ જ કારણસર આખરે આ સીન હટાવવો પડ્યો છે. એ વિશે એકતાએ કહ્યું હતું કે ‘એક વ્યક્તિ અને એક સેના તરીકે હું ભારતીય સેનાને ખૂબ માન આપું છું. તેઓ આપણા કલ્યાણ અને સલામતીમાં જે યોગદાન આપે છે એ અવર્ણનીય છે. જે સીનને લઈને વિવાદ નિર્માણ થયો છે એને અમે હટાવી દીધો છે. એથી અમારા તરફથી એ દિશામાં ઍક્શન લેવામાં આવી છે. જોકે જે પ્રકારે મને ટ્રોલર્સ દ્વારા રેપની ધમકીઓ આપવામાં આવી છે એને જરા પણ સાંખી લેવામાં નહીં આવે. એની વિરુદ્ધ અચૂક અવાજ ઉઠાવવામાં આવશે.’

entertainment news web series ekta kapoor