ક્રિકેટ બૅટલ બની ફૅમિલી બૅટલ

07 December, 2021 01:55 PM IST  |  Mumbai | Harsh Desai

હાર્ડકોર ક્રિકેટની જગ્યાએ ફૅમિલી ડ્રામાનો વધુ સમાવેશ કરવામાં આવ્યો છે : પૈસા હોય તો પાવર અને પાવર હોય તો જેન્ટલમૅનની ગેમ પર કેવી અસર થાય એ અહીં દેખાડવામાં આવ્યું છે

ક્રિકેટ બૅટલ બની ફૅમિલી બૅટલ

ઇનસાઇડ એજ 3  

કાસ્ટ : રિચા ચઢ્ઢા, વિવેક ઑબેરૉય, આમિર બશીર, તનુજ વિરવાણી, અક્ષય ઑબેરૉય
ડિરેક્ટર : કનિષ્ક વર્મા

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ‘ઇનસાઇડ એજ 3’ને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. ક્રિકેટના અને ખાસ કરીને પીપીએલ ટી20ના બૅકગ્રાઉન્ડ હેઠળ બનેલી આ સિરીઝની ત્રીજી સીઝનમાં સટ્ટાબાજી પર ફોકસ કરવામાં આવ્યું છે. ફૅમિલી ડ્રામાનું નામ અહીં કોણે લીધું? ત્રીજી સીઝનમાં ક્રિકેટની થ્રિલ, ગ્લૅમર અને ડ્રગ્સ પર નહીં પરંતુ ફૅમિલી પર વધુ ફોકસ કરવામાં આવ્યું હોય એવું લાગે છે. પહેલી સીઝનમાં ક્રિકેટર્સમાં કેવી રીતે પૉલિટિક્સ ચાલે છે એની વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્પોર્ટ્સમાં કેવી રીતે પૉલિટિક્સ આવે છે એની વાત કરવામાં આવી હતી. જોકે ત્રીજી સીઝનમાં પૈસા કેવી રીતે તમામ રમત બદલી શકે છે એ વાત કરવામાં આવી છે.
વિવેક ઑબેરૉયે વિક્રાન્ત પાટીલનું પાત્ર ભજવ્યું છે અને આમિર બશીરે ભાઈસાબ એટલે કે યશવર્ધન પાટીલનું પાત્ર ભજવ્યું છે. બન્ને સાવકા ભાઈ હોય છે. વિક્રાન્તને મારવા માટે ભાઈસાબે માણસ મોકલ્યા હોવાથી તે બદલો લેવા માગતો હોય છે. ઝરીના મલિક એટલે કે રિચા ચઢ્ઢાની ફિલ્મી કરીઅર ડામાડોળ હોય છે. તેની ટીમ મુંબઈ મેવરિકની શૅર હોલ્ડર હોવાથી તેનું નામ પણ મૅચ-ફિક્સિંગમાં આવે છે. 
આ દરમ્યાન વાયુ રાઘવનનું પાત્ર ભજવનાર તનુજ વિરવાણી અને રોહિત શાનબાગનું પાત્ર ભજવનાર અક્ષય ઑબેરૉય વચ્ચે હરીફાઈ ચાલતી હોય છે. તેમ જ વાયુ અને તેની બહેન રોહિણીના પિતા કોણ હોય છે એની પણ એક સ્ટોરી ચાલે છે. આ બધા બાદ ઇન્ડિયા અને પાકિસ્તાન ૧૩ વર્ષ બાદ ટેસ્ટ મૅચ રમવાના હોય છે એની વાત પણ કરવામાં આવી છે. આ તમામ સ્ટોરી એક પ્લૉટની આસપાસ ફરે છે અને એ છે પૈસા એટલે કે સટ્ટાબાજી.
કનિષ્ક વર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સિરીઝમાં પૉલિટિક્સ, પૈસા, સટ્ટાબાજી, ફિક્સિંગ, મર્ડર, કાશ્મીર મુદ્દા જેવી તમામ બાબતનો સમાવેશ કર્યો છે પરંતુ હાર્ડકોર ક્રિકેટથી દૂર રહી છે. ક્રિકેટ મૅચ માટે દર્શકોએ છેક છઠ્ઠા એપિસોડ સુધી રાહ જોવી રહી. ત્યાં સુધી દરેક પાત્રની બૅક સ્ટોરીને જ દેખાડવામાં આવી છે. ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટોરી’ની જેમ ‘ઇનસાઇડ એજ 3’ બનાવવામાં આવી હોય એવું વધુ લાગે છે. કનિષ્કે રાઇટરે આપેલી સ્ક્રિપ્ટને સ્ક્રીન પર રજૂ કરવાનું સારું કામ કર્યું છે, પરંતુ તેણે થોડી ખેંચી હોય એવું લાગે છે. તેમ જ રાઇટરે સ્ક્રિપ્ટમાં દરેકની બૅક સ્ટોરી કરવામાં એને ફૅમિલી ડ્રામા બનાવી દીધી હોય એવું લાગે છે.
વિવેક ઑબેરૉય તેના પાત્રમાં એકદમ ઢાંસૂ લાગે છે. આ પ્રકારના પાત્ર ભજવવામાં તેની મહારત છે. આ સાથે આમિર બશીરે પણ સારું કામ કર્યું છે. રિચા જેવી ઍક્ટ્રેસ પાસે સારું કામ કઢાવી શકાય એમ હતું, પરંતુ તેને લિમિટેડ ટાઇમ માટે રાખવામાં આવી છે. મન્ત્રા પાટીલનું પાત્ર ભજવતી સપના પાબ્બીની ઍક્ટિંગ દરેક પ્રકારનાં દૃશ્યોમાં એકસરખી લાગે છે. તેના એક્સપ્રેશન ઘણી વાર ફ્લૅટ હોય છે. તનુજ વિરવાણીએ એક અગ્રેસિવ પ્લેયરનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેની હાજરી સ્ટોરીમાં થોડી થ્રિલ લાવે છે. અક્ષય ઑબેરૉયમાં કૅપ્ટન તરીકેની એક પર્સનાલિટી હોવી જોઈએ એ જોવા નથી મળી. તેમ જ તેની સ્ક્રીન પ્રેઝન્સ પણ જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી છે. અમિત સિયાલ, સયાની ગુપ્તા અને સિદ્ધાંત ગુપ્તાએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે.
આ શોમાં ઘણાં એવાં દૃશ્યો છે જે માનવામાં નથી આવતાં. પ્રાઇમ મિનિસ્ટર મોટા ભાગે સિક્યૉરિટી વગર દેખાય છે. તેમ જ તેની રૂમમાં મંત્રા પ્રાઇમ મિનિસ્ટરને જણાવ્યા વગર ઝરીના મલિકને લઈ જાય છે. રોહિતના બૉયફ્રેન્ડનું પાત્ર ભજવતા ઍલનનું પાત્ર અંકુર રાઠીએ ભજવ્યું છે. ઍલન ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિતની રૂમમાં તેની જાણ બહાર આવી જાય છે. રોહિત જ્યારે તેની રિલેશનશિપને દુનિયા અને તેની ટીમથી છુપાવીને રાખતો હોય ત્યારે ઍલનને રૂમમાં હાજરી કેવી રીતે મળી? તેમ જ છેલ્લે ઍલન ગ્રાઉન્ડ પર પહોંચી જાય છે અને રોહિત સિક્યૉરિટીને કહે છે કે તેને આવવા દો. જોકે ગ્રાઉન્ડ પર કોઈ દિવસ પણ પાર્ટનરને મૅચ દરમ્યાન હાજરી નથી હોતી. એક વાર ઇવેન્ટ પૂરી થઈ ગયા બાદ ગ્રાઉન્ડ પર આવી શકાય છે, પરંતુ ચાલુ ઇવેન્ટે નહીં.
આખરી સલામ
ક્રિકેટપ્રેમીઓને હાર્ડકોર ક્રિકેટ જોવા નહીં મળે, પરંતુ ફૅમિલી ડ્રામાની સાથે પૈસા હોય તો કેવી રીતે પાવર આવે છે અને પાવર કેવી રીતે જેન્ટલમૅનની ગેમ પર અસર કરી શકે છે એ અહીં ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે.

Web Series web series entertainment news richa chadha richa chadda bollywood news harsh desai