midday

પ્રાઈમ વીડિયોની નવી હૉરર સસ્પેન્સ સિરીઝ ‘ખૌફ’, આ તારીખથી થશે સ્ટ્રીમ

10 April, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Amazon Prime set to release horror web series Khauf: ભારતના લોકપ્રિય મનોરંજન પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોએ પોતાની નવી સસ્પેન્સ અને હોરર વેબ સિરીઝ ‘ખૌફ’ના પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. આ સિરીઝ 18 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રજૂ થશે.
`ખૌફ` ફિલ્મનું પોસ્ટર

`ખૌફ` ફિલ્મનું પોસ્ટર

ભારતના લોકપ્રિય મનોરંજન પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોએ પોતાની નવી સસ્પેન્સ અને હોરર વેબ સિરીઝ ‘ખૌફ’ના પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. આ સિરીઝ 18 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રજૂ થશે. ‘ખૌફ’ એક હિન્દી હોરર સિરીઝ છે અને તે બંને હિન્દી અને અંગ્રેજી સબટાઈટલ્સ સાથે પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ રહેશે. આ સિરીઝ માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાના 240 કરતા વધુ દેશોમાં રિલીઝ થવાની છે.

વેબ સિરીઝનું નિર્માણ મેચબોક્સ શોટ્સ બેનર હેઠળ થયું છે અને તેનું દિગ્દર્શન સ્મિતા સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. પંકજ કુમાર અને સૂર્ય બાલકૃષ્ણન દ્વારા આ સિરીઝનું નિર્દેશન કરવામાં આવ્યું છે. આમાં મોનિકા પવાર, રજત કપૂર, અભિષેક ચૌહાણ, ગીતાંજલિ કુલકર્ણી અને શિલ્પા શુક્લા જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. સિરીઝમાં કુલ આઠ ઍપિસોડ હશે અને દરેક ઍપિસોડ રોમાંચથી ભરેલો હશે.

`ખૌફ’ની વાર્તા મધુ નામની યુવતીની છે, જે નવું જીવન શરૂ કરવા માટે એક નવા શહેરમાં રહેવા આવે છે અને એક હોસ્ટેલમાં રહેવા લાગે છે. તેની આશા હોય છે કે અહીંથી તેના જીવનને એક નવી શરૂઆત મળશે, પણ તેને ખબર નથી હોતી કે જ્યાં તે રહે છે, તે જગ્યાએ અનેક રહસ્યો છુપાયેલા છે. જેમ જેમ સમય પસાર થાય છે, મધુ આ રહસ્યોમાં ફસાઈ જાય છે અને અજાણી શક્તિઓ તેનો પીછો કરે છે જે તેની વાસ્તવિકતાને ભયાનક સપનામાં બદલી દે છે. અને એમાંથી બચવું મધુ માટે મુશ્કેલ બની જાય છે. પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના હેડ ઓફ ઑરિજિનલ્સ નિખિલ માધોકે જણાવ્યું કે, "હોરર અને સસ્પેન્સ ફિલ્મો લોકોને ખુબ જ આકર્ષે છે. ‘ખૌફ’ દર્શકોને એક અનોખો અનુભવ આપશે. સ્મિતા સિંહે ક્રિએટિવ દ્રષ્ટિથી આ વાર્તા કહી છે."

નિર્માતા અને લેખિકા સ્મિતા સિંહે કહ્યું, "ભયનું સાચું રૂપ લાગણીઓ અને વાતાવરણમાં છુપાયેલું હોય છે. ‘ખૌફ’માં અમે એવી વાર્તા પ્રસ્તુત કરી છે જે ફક્ત રોમાંચક જ નહીં, પરંતુ માનવ લાગણીઓ પણ વ્યક્ત કરે છે. મધુની વાર્તા ફક્ત બાહ્ય ભય સામે લડવાની નથી, પણ પોતાના આંતરિક યુદ્ધો સામે લડવાની અને ભૂતકાળના ભય પર કાબુ મેળવવાની પણ છે."

‘ખૌફ’ સાથે પ્રાઇમ વીડિયો ફરીવાર સાબિત કરે છે કે તે નવીન અને વિવિધ પ્રતિભાઓને તક આપે છે. આ પ્લેટફોર્મ એવી મૌલિક અને રોમાંચક વાર્તાઓ લાવે છે, જે ઘણી વાર કલ્પનાની હદોને ઓળંગે છે. ‘ખૌફ’ એક મોસ્ટ-અવેટેડ સિરીઝ છે, જેમાં માનવ લાગણીઓ અને ભયને ખૂબ સર્જનાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સિરીઝ દર્શકોને રોમાંચક અનુભવ આપશે જેનો અસર છેલ્લો એપિસોડ પૂરો થયા પછી પણ લોકોના દિલમાં રહેશે.

amazon prime web series social media entertainment news upcoming movie news