17 August, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદર્શ બાલ વિદ્યાલયની બીજી અને ત્રીજી સીઝનનું કામ થઈ ગયું શરૂ
OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’ને સારી એવી સફળતા મળી છે. સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મના જણાવ્યા અનુસાર આ સિરીઝે વૈશ્વિક સ્તરે નૉન-ઇંગ્લિશ સિરીઝ કૅટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ સફળતાના પગલે ‘આદર્શ બાલ વિદ્યાલય’ના નિર્માતાઓએ એની બીજી અને ત્રીજી સીઝનની જાહેરાત કરી છે અને બન્ને સીઝન પર કામ પણ શરૂ થઈ ગયું છે.
‘આદર્શ બાલ વિદ્યાલય’ની વાર્તા એક ગામની સરકારી શાળાની આસપાસ ફરે છે, જ્યાં બાળકોનું મન ભણવા કરતાં રમતમાં અને તોફાનમાં વધુ લાગે છે. શાળાના હેડમાસ્ટર જ્ઞાનેશ્વર ત્રિપાઠી પણ બાળકો સાથે ક્રિકેટ રમવામાં વધારે રસ ધરાવે છે, પણ જ્યારે તેમને ખબર પડે છે કે જો આ વખતે દસમા ધોરણનું પરિણામ સારું આવશે તો તેમને પત્ની સાથે વિદેશપ્રવાસ કરવાની તક મળશે ત્યારે તે બાળકોને ભણાવવામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે શાળામાં સંસાધનોની અછત અને અનેક પડકારો તેમના માર્ગમાં અવરોધ બનીને ઊભાં રહે છે. આ આખી પરિસ્થિતિને સિરીઝમાં બહુ હળવાશથી સારી રીતે રજૂ કરવામાં આવી છે.