‘બૉબી દેઓલને મળ્યા ત્યારે અમારા મગજમાં નાઇન્ટીઝનાં ગીતો ચાલતાં હતાં’

04 September, 2020 07:40 PM IST  |  Mumbai | Nirali Dave

‘બૉબી દેઓલને મળ્યા ત્યારે અમારા મગજમાં નાઇન્ટીઝનાં ગીતો ચાલતાં હતાં’

હિતેશ ભોજરાજ

નેટફ્લિક્સની પર ૨૧ ઑગસ્ટે રિલીઝ થયેલી શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ નિર્મિત અને અતુલ સબરવાલ દિગ્દર્શિત ફિલ્મ ‘ક્લાસ ઑફ ’૮૩’ને સારો રિસ્પૉન્સ મળ્યો છે. ૮૦ના દાયકાને રીક્રીએટ કરતી આ ફિલ્મમાં બૉબી દેઓલના ડિજિટલ ડેબ્યુ ઉપરાંત પાંચ યુવાન અભિનેતાઓના ડેબ્યુએ પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે અને એમાંથી એક અભિનેતા હિતેશ ભોજરાજ, જેમણે વિષ્ણુ વર્દેનું પાત્ર ભજવ્યું છે. હિતેશ પોતાની જર્ની વિશે વાત કરે છે.

નાટકોથી ક્લાસ ઑફ ’૮૩

હિતેશ મૂળ મુંબઈનો છે અને થિયેટર બૅકગ્રાઉન્ડ ધરાવે છે. સ્કૂલ દરમ્યાન જ નાટકોમાં ભાગ લેતા હિતેશને ૮ વર્ષ પ્રોફેશનલ થિયેટર કર્યા બાદ ‘ક્લાસ ઑફ ’૮૩’માં બ્રેક મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ ચૂકેલો હિતેશ ભોજરાજ કિશોરકુમારને આદર્શ માને છે અને તેમના જેમ સિન્ગિંગ અને ઍક્ટિંગ બન્ને કરવા ઇચ્છે છે. એમબીએ પૂર્ણ કર્યા બાદ હિતેશ નાટકોમાં બૅકસ્ટેજ ચા આપવા, કૉસ્ચ્યુમ્સ, સ્પૉટબૉય વગેરે નાનાંમોટાં કામ કરતો. ત્યાર પછી નાટકોમાં અભિનય શરૂ થયો. પછી તો મ્યુઝિકલ થિયેટરમાં હિતેશે સારું એવું કામ કર્યું. ‘ક્લાસ ઑફ ૮૩’ની એન્ટ્રી વિશે હિતેશ કહે છે, ‘મેં આદિત્ય બિરલા, ફ્લિપકાર્ટ, ઍરટેલ સહિતની બ્રૅન્ડ્સની ઍડવર્ટાઇઝમેન્ટ્સ કરી છે. એક વખત કાસ્ટિંગ ડિરેક્ટર અભિમન્યુ રેએ, જેમની સાથે મેં ઍડ્સ કરી છે, તેમણે મને ઑડિશન માટે બોલાવ્યો. તેમણે ‘ક્લાસ ઑફ ’૮૩’ના પાંચ પાત્રોમાંના એક માટે મને ફાઇનલ કર્યો. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઑડિશનમાં જ અમને ૮૦ના દાયકાના લુક સાથે પર્ફોર્મ કરવાનું કહેવામાં આવ્યું હતું!’

બૉબી દેઓલથી અમે ડરતા હતા...

હિતેશે કહ્યું કે, ‘બૉબી દેઓલને અમે મળ્યા ત્યારે અમારા મગજમાં ‘દુનિયા હસીનોં કા મેલા’ અને ‘સોલ્જર’નાં ગીતો વાગતાં હતાં. પહેલી વખત તેમની ઑફિસમાં પ્રવેશ કરતી વખતે અમે થોડા ગંભીર હતા, મનમાં બીક પણ હતી, પરંતુ બૉબી સરે અમને બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. તેઓ ઍક્શન અને કટ વચ્ચે એક સિનિયર ઍક્ટર અને એ પછી અમારા દોસ્ત અને મેન્ટર બની જતા!

ડેબ્યુ કરનારા બાકીના ચાર ઍક્ટર વિશે

આજે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમની ચર્ચા ચકડોળે ચડી છે ત્યારે શાહરુખ ખાને પાંચ નવોદિતોને બ્રેક આપ્યો છે.  બાકીના સાથી કલાકારો વિશે હિતેશ કહે છે, ‘કોઈ પણ નવો અભિનેતા ઑડિશન આપતો હોય કે કામ કરતો હોય તેને ‘સ્ટ્રગલર’ કેમ કહેવાય એ મને સમજમાં નથી આવતું. સંઘર્ષ તો આખી જિંદગી રહેવાનો છે. ઍટ લીસ્ટ, આ ફિલ્મ પછી અમને કોઈ સ્ટ્રગલર નહીં કહે!’

entertainment news web series