ગોકળગાયની ગતિએ ચાલતી 'બ્રીધ'

15 July, 2020 08:34 PM IST  |  Mumbai | Harsh Desai

ગોકળગાયની ગતિએ ચાલતી 'બ્રીધ'

અભિષેક બચ્ચન, અમિત સાધ અને નિત્યા મેનનની વેબ-સિરીઝ ‘બ્રીધ - ઇન ટુ ધ શૅડોઝ’ને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ-વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે. 2018માં આવેલી ‘બ્રીધ’ની આ બીજી સીઝન છે. પહેલી સીઝનમાં ઍવરેજ 40 મિનિટના આઠ એપિસોડ હતા, પરંતુ બીજી સીઝનમાં ઍવરેજ 45 મિનિટના બાર એપિસોડ છે. આ વેબ-સિરીઝને મયંક શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ એક ક્રાઇમ-થ્રિલર, મર્ડર-મિસ્ટરી શો છે જેમાં એક છોકરીને બર્થ-ડે પાર્ટીમાંથી કિડનૅપ કરવામાં આવે છે. આ દીકરીને બચાવવા માટે તેના પેરન્ટ્સને એક પછી એક મર્ડર કરવા માટે કહેવામાં આવે છે.

આ શોમાં અભિષેક બચ્ચન સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર અવિનાશ સભરવાલનું પાત્ર ભજવી રહ્યો છે અને તેની પત્ની આભા એટલે કે નિત્યા મેનન એક રેસ્ટોરાંમાં શેફ હોય છે. અમિત સાધ આ શોમાં પહેલી સીઝનનું જ કબીર સાવંતનું પાત્ર ભજવી રહ્યો છે. પહેલી સીઝનની જેમ બીજી સીઝનમાં પણ બાળકને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે તેમ જ કબીર સાવંત અને તેના જુનિયરનું પાત્ર કન્ટિન્યુ રાખવામાં આવ્યું છે. આ સીઝન આગળ વધતાં અભિષેકને ખબર પડે છે કે તેણે એક-બે અને ત્રણ નહીં, પરંતુ ટોટલ દસ ખૂન કરવાનાં હોય છે અને તેની સાથે કોઈ માઇન્ડ ગેમ રમી રહ્યું હોય છે. આ તમામ ખૂન રાવણનાં દસ માથાં પરથી એટલે કે ગુસ્સો, ડર, હવસ વગેરે અનુસાર કરવાનાં હોય છે. ભવાની અય્યર, વિક્રમ તુલી અને મયંક શર્માએ આ શોનો સ્ક્રીન પ્લે તૈયાર કર્યો છે. શોનો પહેલો એપિસોડ ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યો છે અને એમાં છોકરીને કિડનૅપ થયા હોવાના લગભગ દસ મહિના થઈ ગયા હોય એ ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યા છે. ટૂંકમાં એમાં કોઈ પણ પ્રકારની ખેંચતાણ કરવામાં નથી આવી. જોકે બાકીના અગિયાર એપિસોડ ખૂબ જ ધીમા છે. સ્ટોરી જે પ્રમાણે લખવામાં આવી હતી એ પ્રમાણે પહેલી સીઝનની જેમ આઠ એપિસોડ અથવા તો એનાથી પણ ઓછા એપિસોડ પૂરતા હતા.

પહેલી સીઝન કરતાં આ સીઝન સારી બનાવવામાં આવી છે, પરંતુ એટલી જ ધીમી પણ. કેટલાંક દૃશ્યો સારાં લાગે છે, પરંતુ કેટલીક જગ્યાએ કંટાળો પણ આવે છે. એક પ્લૉટને બીજા પ્લૉટ સાથે કનેક્ટ કરવા માટે ખૂબ જ સમય લાગે છે. શોમાં સસ્પેન્સ અને વધુ થ્રિલર દેખાડવા માટે ભરપૂર બૅકગ્રાઉન્ડ સ્કોર અને કૅમેરા ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે એના કરતાં સ્ટોરી પર વધુ ફોકસ કરીને એને ઝડપી અને વધુ થ્રિલર બનાવી શકાઈ હોત.

અભિષેકે પહેલાં એપિસોડમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને ત્યાર બાદ ચાર-પાંચ એપિસોડ સુધી તે એક નૉર્મલ ફ્લોમાં જોવા મળે છે. જોકે સીઝન જ્યારે અડધી પૂરી થાય છે ત્યારે મેઇન વિલનની એન્ટ્રી પડે છે અને ત્યાર બાદ અભિષેકના શેડ્સ પણ બદલાવવા માડે છે. તેણે ખૂબ જ અદ્ભુત ઍક્ટિંગ કરી છે અને એ પણ ખાસ કરીને છેલ્લા બે એપિસોડમાં. આ સીઝનમાં અમિતા સાધ ખૂબ જ જોરદાર દેખાય છે. સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી તેના શેડ્સ અને તેનો ઍટિટ્યુડ બદલાતા રહે છે. એમ છતાં એક શાર્પ ક્રાઇમ-બ્રાન્ચ પોલીસ-ઑફિસર તરીકે તે તેની પકડ ઢીલી નથી થવા દેતો. નિત્યા મેનને પણ સારું કામ કર્યું છે અને ખાસ કરીને હૃષીકેશ જોષીનું પાત્ર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. સૈયામી ખેર, શ્રુતિ બાપના અને પ્લબિતાએ પણ તેમનાં પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યાં છે. સૈયામીનું પાત્ર ખૂબ જ નાનું હતું, પરંતુ આગામી સીઝનમાં તેનું પાત્ર ખૂબ જ મહત્ત્વનું બનાવવામાં આવશે એવું લાગી રહ્યું છે.

આખરી સલામ

કોરોના વાઇરસના પ્રકોપને કારણે હજી પણ કામ વગર બહાર નીકળવા માટે ના પાડવામાં આવી છે. ઘેર બેઠાં-બેઠાં લોકોમાં ધીરજનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ સમયમાં આટલી ધીમી સીઝન જોવા માટે લોકો કેવી રીતે સમય ફાળવે એ જોવું રહ્યું.

entertainment news web series amit sadh abhishek bachchan harsh desai