વેબ ફિલ્મ રિવ્યુ - ડ્રાઇવ : ઊબડખાબડ ડ્રાઇવ

22 January, 2020 03:21 PM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

વેબ ફિલ્મ રિવ્યુ - ડ્રાઇવ : ઊબડખાબડ ડ્રાઇવ

સુશાંત સિંહ રાજપૂત અને જૅકલિન ફર્નાન્ડિસની ‘ડ્રાઇવ’

કાર્સ અને ગ્લૅમરનો જ્યારે ફિલ્મમાં સમાવેશ કરવામાં આવે અને ઉપરથી ફિલ્મનું નામ પણ ‘ડ્રાઇવ’ હોય ત્યારે દરેકની આશા એ ફિલ્મ પાસે કંઈક અલગ હોય છે. જૉન એબ્રાહમની બાઇકને લઈને ‘ધૂમ’ આવી ગઈ છે, પરંતુ કાર્સનો સમાવેશ કરીને આપણી પાસે અત્યાર સુધી એકપણ સારી ફિલ્મ બનાવવામાં નથી આવી. - ૨૦૧૨માં આવેલી ‘પ્લેયર્સ’નું નામ અહીં કોણે લીધુ? - રોહિત શેટ્ટીની ફિલ્મોમાં ઘણી કારનો કચ્ચરઘાણ કરવામાં આવે છે, પરંતુ એમાં પણ જે કાર્સનો રોમાંચ હોય એ દેખાડવામાં નથી આવ્યો. સુશાંત સિંહ રાજપૂત અને જૅકલિન ફર્નાન્ડિસની ‘ડ્રાઇવ’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર પહેલી નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પાસે જેટલી આશા હતી એટલી જ નિરાશા મળી છે. પહેલી વાર સ્પોર્ટ્સ કાર્સ અને ચોરીની સ્ટોરીને મિક્સ કરીને સંપૂર્ણ ફિલ્મ ભારતમાં બનાવવામાં આવી છે. જોકે એ કારમાં પેટ્રોલ પુરાવવા માટે પૈસા ન હોય ત્યારે એની હાલત જેવી થાય છે એવી જ હાલત આ ફિલ્મની થઈ છે.

ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડિસ એક ગૅન્ગ લીડર હોય છે જે ગૅરેજમાં બેસીને તેની ગૅન્ગને લીડ કરતી હોય છે. તે રેસિંગની સાથે એક ચોર પણ હોય છે. સુશાંત સિંહ રાજપૂત પણ ‘ધ કિંગ’નામનો ઉપયોગ કરીને ચોરી કરતો હોય છે. જોકે આ તમામ ચોરીની પાછળ કોનો હાથ છે એ શોધવા માટે સરકાર કમર કસી રહી હોય છે. એ દરમ્યાન પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસમાંથી ફોન આવે છે કે એક સોનીને ત્યાં થયેલી સોનાના બિસ્કિટની ચોરી પાછળ કોનો હાથ છે એ તેમને પર્સનલી જાણવું છે. આઇ મીન, સિરિયસલી??? પ્રાઇમ મિનિસ્ટર એક આવી બાબતમાં રસ લે? હજી, ચીફ મિનિસ્ટર દેખાડ્યું હોત તો સમજી શકાયું હોત. ત્યાર બાદ પોલીસ તેમના અન્ડરકવર-ઑફિસરને જૅકલિનની ગૅન્ગમાં મોકલે છે. જોકે આ અન્ડરકવર-ઑફિસર કોણ છે અને તેણે શું ખુફિયા કામ કર્યું એ જાણવા માટે પણ બહુ મગજ દોડાવવું પડે છે.

૨૦૦૮માં આવેલી ‘દોસ્તાના’ને ડિરેક્ટ કરનાર તરુણ મનસુખાનીએ ‘ડ્રાઇવ’ની સ્ટોરી લખવાની સાથે એને ડિરેક્ટ પણ કરી છે. જોકે તેણે ‘ડ્રાઇવ’માં ડિરેક્ટ શું કર્યું છે એ સૌથી મોટો સવાલ છે. સ્પોર્ટ્સ કાર્સનો સમાવેશ કરવામાં આવે ત્યારે દર્શકોને જબરદસ્ત ઍક્શન સીક્વન્સની આશા હોય છે. જોકે અહીં તો ૯૦ ટકા કારનાં દૃશ્યો માટે વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મ કરતાં પ્લે સ્ટેશન પર રમવામાં આવતી ગેમના ગ્રાફિક્સ અદ્ભુત છે. અરે, આ ફિલ્મ કરતાં તો PUBGમાં કાર ચલાવવામાં મજા આવે છે. સ્ટોરી તો નહીં બરાબર છે, પરંતુ એવી સ્ટોરી છે કે કોઈને ઍક્ટિંગ કરવાનો પણ ચાન્સ નથી મળ્યો. સુશાંત અને જૅકલિન જબરદસ્તીથી ઍક્ટિંગ કરતાં હોય એવું લાગે છે. તેમ જ કારને હીલ્સ પહેરીને ચલાવતાં હોય એવું ક્યારેય સાંભળ્યું છે? અહીં જૅકલિન કરી દેખાડે છે. આ માટે તેને કોઈ ટ્રોફી આપવામાં આવે તો નવાઈ નહીં.

‘ડ્રાઇવ’માં ઍક્ટિંગ અને ડિરેક્શનની સાથે એનું મ્યુઝિક પણ એટલું જ વાહિયાત છે. દરેક સૉન્ગ બેકાર નથી. તેમ જ એમાં વેડિંગ સીક્વન્સ પણ જબરદસ્તી બેસાડવામાં આવી છે. જબરદસ્તીથી યાદ આવ્યું કે ફિલ્મમાં તરુણ ભાઈસાબે એક દૃશ્ય ખૂબ જ જબરદસ્ત દેખાડ્યું છે. સુશાંત અને જૅકલિન જ્યારે રાષ્ટ્રપતિ ભવનને લૂંટીને - હા, સાચું જ સાંભળ્યું છે, રાષ્ટ્રપતિ ભવન જ્યાં કાળા પૈસાનો ખજાનો છે - નીકળે છે ત્યારે તે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઇન્ડિયા ગેટથી છત્તરપુર થઈને ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચી જાય છે.

નવાઈની વાત એ છે કે રિયલ લાઇફમાં આ રૂટ પકડવામાં આવે તો આઠથી દસ કલાક મિનિમમ થાય છે. ઍરપોર્ટ પર નહીં, પરંતુ તેઓ રન-વે પર લક્ઝુરિયસ કાર ચલાવે છે અને એ માટે તેમને કોઈ પોલીસ કે સિક્યૉરિટી ફોર્સ પણ નથી અટકાવતી. અરે... નવાઈની વાત એ છે કે તેઓ સહીસલામત ઍરપોર્ટની બહાર પણ નીકળી જાય છે.

સ્ટોરી, ડિરેક્શન, ઍક્શન, ઍક્ટિંગ અરે વિઝ્યુઅલ ઇફેક્ટ્સને પણ એક વાર સાઇડ પર મૂકી દો. તાતા નૅનો અને એની કૅટેગરીની કાર દ્વારા કોણ રેસ કરે? દિલ્હીમાં રેસ દેખાડવામાં આવે છે અને એ પણ નૅનોમાં. તેમ જ નૅનોમાં પણ હાઈ સ્પીડમાં જઈને અચાનક ટર્ન મારતાં કાર પલટી ન મારે એ જોઈને નવાઈ લાગે છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ની ત્રીજી ફિલ્મ ‘ટોક્યો ડ્રિફ્ટ’માં હાર્ન જ્યારે ડ્રિફ્ટ દ્વારા છોકરીને ઇમ્પ્રેસ કરે છે એ જ રીતે આપણા સુશાંતભાઈ સ્વિફ્ટ કારની મદદથી જૅકલિનને ઇમ્પ્રેસ કરે છે. જોકે અહીં આ ડ્રિફ્ટને બર્ન-આઉટ કહેવામાં આવે છે.

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

તરુણભાઈ ભૂલી ગયા હશે કે બર્ન-આઉટમાં કારનાં આગળનાં ટાયર ફરતાં નથી હોતાં. જોકે ભૂલોથી ભરેલી આ ફિલ્મ તેમના પ્રોડ્યુસર કરણ જોહર સાહેબને પણ પસંદ નહોતી પડી. આ ફિલ્મને જોયા બાદ એને થિયેટરમાં રિલીઝ કરવાનો તેમણે ઇરાદો માંડી વાળ્યો હતો. જોકે બૉલીવુડ કેવી રીતે ઍમેઝૉન પ્રાઇમ અને નેટફ્લિક્સને ઉલ્લુ બનાવી તેમની પ્રોડક્ટ વેચી રહ્યું છે એ કાબિલે દાદ છે. ‘કલંક’ અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ બાદ ‘ડ્રાઇવ’ને કારણે કરણ જોહર શરમથી પાણી-પાણી થઈ ગયો હોય તો નવાઈ નહીં.

web series movie review film review sushant singh rajput jacqueline fernandez bollywood movie review