વેબ-શો રિવ્યુ - ક્રિમિનલ જસ્ટિસ, ઍક્ટિંગને બચા લિયા ભિડુ

23 January, 2020 05:24 PM IST  |  | હર્ષ દેસાઈ

વેબ-શો રિવ્યુ - ક્રિમિનલ જસ્ટિસ, ઍક્ટિંગને બચા લિયા ભિડુ

ક્રિમિનલ જસ્ટિસ

બ્રિટિશ ટીવી-સિરિયલ ‘ક્રિમિનલ જસ્ટિસ’ની એ જ નામની હિન્દી રીમેક બનાવવામાં આવી છે. ‘ક્રિમિનલ જસ્ટિસ’ ઓરિજિનલ ૨૦૦૮માં બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉપોર્રેશન દ્વારા બનાવવામાં આવી હતી. ત્યાર બાદ ૨૦૧૬માં અમેરિકન ટીવી સિરીઝ ‘ધ નાઇટ ઑફ’ બનાવવામાં આવી હતી. હિન્દી વર્ઝનમાં લીડ રોલમાં વિક્રમ મેસી, જૅકી શ્રોફ અને પંકજ ત્રિપાઠી છે. આ સિરીઝમાં એક કલાકના ૧૦ એપિસોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓરિજિનલ ‘ક્રિમિનલ જસ્ટિસ’માં ૫૦થી ૫૫ મિનિટના પાંચ એપિસોડ હતા, પરંતુ ઇન્ડિયન વર્ઝનમાં એ વધારવામાં આવ્યા છે. ‘ધ નાઇટ ઑફ’માં પણ ૭ એપિસોડ એક કલાકના અને આઠમો એપિસોડ ૯૫ મિનિટનો બનાવવામાં આવ્યો હતો. બ્રિટિશ શો મર્ડર-મિસ્ટરી હતો અને એને પાંચ કલાકના શોમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો. ‘ધ નાઇટ ઑફ’માં એપિસોડ વધારવામાં આવ્યા હતા, પરંતુ વલ્ર્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ બહારની વ્યક્તિઓએ કોર્ટ-કચેરી માટે કેવી-કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે એ પણ દેખાડવામાં આવ્યું હતું. જોકે આપણા દેશી વર્ઝનમાં એપિસોડ તો વધારવામાં આવ્યાં છે, પરંતુ સ્ટોરી પર કામ કરવામાં નથી આવ્યું. ઓરિજિનલ સ્ટોરી મુજબ જ દેશી વર્ઝનની પણ સ્ટોરી છે. આ શોમાં મુંબઈના સાધારણ ફૅમિલીમાં રહેતા આદિત્ય શર્માનું પાત્ર વિક્રાંત મેસીએ ભજવ્યું છે. કામ માટે સતત ફાંફાં મારતા વકીલ માધવ મિશ્રાનું પાત્ર પંકજ ત્રિપાઠી, જેલમાં સિનિયર કેદી અને ડૉન મુસ્તફાભાઈનું પાત્ર જૅકી શ્રોફ, આદિત્યની બહેન અવનિનું પાત્ર રુતા ઈમાનદારે ભજવ્યું છે.

‘ક્રિમિનલ જસ્ટિસ’ની સ્ટોરી આદિત્યથી શરૂ થાય છે. આદિત્ય તેની ફૅમિલીને સર્પોટ કરવા માટે ઘણી વાર કૅબ ચલાવતો હોય છે. આદિત્ય એક પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યો હોય છે, પરંતુ ત્યાં તેની કારમાં એક પૅસેન્જર આવીને બેસી જાય છે. આ પૅસેન્જર એટલે કે સનાયા રથનું પાત્ર ભજવતી મધુરિમા રૉય ખૂબ જ ઢીઢ હોય છે. તે સતત લોકેશન બદલતી રહે છે અને એનાથી આદિત્ય ગુસ્સે થઈ જાય છે. અંતે આદિત્ય સનાયાને તેના ઘરે છોડે છે અને પાર્ટીમાં જવા નીકળે છે. જોકે ત્યાં તેને ખબર પડે છે કે સનાયા કારમાં ફોન ભૂલી ગઈ છે. તે સનાયાને ફોન આપવા માટે તેના ઘરે જાય છે. સનાયા થોડી શાંત પડી હોવાથી તેનો પ્લાન બગાડવા અને ગુસ્સો કરવા બદલ આદિત્યની માફી માગે છે. આદિત્યનો પ્લાન કૅન્સલ થયો હોવાનું સનાયાને દુ:ખ થાય છે અને તે તેને ઘરમાં આમંત્રિત કરે છે. ત્યાર બાદ સનાયા ડાન્સ કરીને આદિત્યને સીડ્યુસ કરવાની કોશિશ કરે છે, પરંતુ આ ડાન્સ સિડક્ટિવ હોવાની જગ્યાએ થોડો વિચિત્ર લાગે છે. સનાયા તેને ડ્રિન્કની ઑફર કરે છે. તેઓ ડ્રિન્ક કરે છે અને ત્યાર બાદ તેઓ સેક્સ કરે છે. મોડી રાતે આદિત્ય બેડરૂમની જગ્યાએ ડાઇનિંગ ટેબલ પર બેઠેલો જોવા મળે છે. તે ઊઠે છે અને તેના ઘરે જવા માટે તૈયાર થાય છે. ઘરે જતાં પહેલાં તે સનાયાને બાય કહેવા માટે જાય છે, પણ ત્યાં તેનું ખૂન થઈ ગયેલું હોય છે. અહીંથી સ્ટોરીની શરૂઆત થાય છે.

સ્ટોરીને વધુપડતી ખેંચવામાં આવી છે. ઘણી જગ્યાએ ઇન્ટરેસ્ટ છૂટી રહ્યો હોય એવું લાગે છે. મર્ડર-મિસ્ટરી, કોર્ટરૂમ-ડ્રામા અને જેલમાં કેદીઓની કેવી હાલત હોય છે એ વિશે દેખાડવામાં સ્ટોરી ખૂબ જ ખેંચવામાં આવી છે. સ્ટોરીમાં વધુપડતું મહત્વ આદિત્ય જેલમાં હોય એને આપવામાં આવ્યું છે. કેદીઓ વચ્ચેની લડાઈ અને જેલમાં ચાલતા બિઝનેસ પાછળ ખાસ્સો સમય આપવામાં આવ્યો છે. શોના મેકર્સ મર્ડર મિસ્ટરી અને કોર્ટકેસ તથા પોલીસના ઇન્વેસ્ટિગેશન કરતાં જેલમાં વધુ રસ ધરાવતા હોય એવું લાગી રહ્યું છે. કોર્ટકેસમાં પણ જોઈએ એટલો દમ નથી. મર્ડર અને બળાત્કારના કેસની જગ્યાએ નાની-મોટી ચોરીનો કેસ ચાલતો હોય એવું વધુ લાગે છે. સ્ટોરીની સાથે ડાયલૉગમાં પણ ‘ક્રિમિનલ જસ્ટિસ’ માર ખાઈ ગયું છે. આદિત્ય, માધવ મિશ્રા કે પછી મુસ્તફાભાઈ કેમ ન હોય. દરેક પાત્રના ડાયલૉગ ખૂબ જ સામાન્ય છે. કોર્ટમાં પણ વકીલોની દલીલને ખૂબ જ સામાન્ય ડાયલૉગબાજી કરતી દેખાડવામાં આવી છે.

‘ક્રિમિનલ જસ્ટિસ’નો પ્લસ-પૉઇન્ટ હોય તો એ છે ઍક્ટિંગ. વિક્રાંત મેસીની ઍક્ટિંગ અદ્ભુત છે. ‘અ ડેથ ઇન અ ગંજ’ હોય કે પછી ‘મેડ ઇન હેવન’નું નાનું પાત્ર, તે ઍક્ટિંગમાં ખૂબ જ કન્વિસિંગ લાગે છે. તેની પાસે ડાયલૉગ ન હોવા છતાં તેના સાઇલન્સ અને ચહેરાના હાવભાવ દ્વારા તે ઘણું કહી જાય છે. તેના જેવો હિમ્મતવાળો ઍક્ટર આજે શોધવો મુશ્કેલ છે.

સીધા-સાદા વ્યક્તિને જેલમાં ટકી રહેવા માટે જૅકી શ્રોફ મદદ કરે છે. મુસ્તફાભાઈ એક સિનિયર કેદી અને ડૉન હોવા છતાં જેલમાં શાયરી વાંચીને લોકોને સંભળાવતો હોય છે. તે આદિત્યને જેલમાં ટકી રહેવા માટે ટ્રેઇનિંગ આપે છે અને તાકાત કરતાં મગજને સૌથી પાવરફુલ હથિયાર બનાવવા માટે કહે છે. જૅકી શ્રોફની પાસે પણ ડાયલૉગ નથી, પરંતુ ડાર્લિંગ કહીને તેઓ જેલમાં દરેકનાં દિલ જીતી લે છે. મુસ્તફાભાઈ તેના સ્વેગને કારણે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે ગમે છે. સૌથી મહત્વનું પાત્ર છે માધવ મિશ્રાનું. શો જ્યારે પણ નબળો પડી રહ્યો હોય ત્યારે પંકજ ત્રિપાઠી તેના કૉમિક ટાઇમિંગને કારણે તેને બચાવી લે છે.

આ પણ વાંચો : વેબ-શો રિવ્યુ - ટ્રિપ્લિંગ, ટ્રિપ પર આધારિત

તિગ્માંશુ ધુલિયા અને વિશાલ ફુરિયાના ડિરેક્શનને કારણે પણ આ શો જોવા જેવો છે. ફિલ્મની સ્ટોરીના આધારે દરેક ઍન્ગલને શૂટ કરવામાં આવ્યાં છે. જરૂર લાગે એ જગ્યાએ ડાર્ક દૃશ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લૉન્ગ શૉટ, ક્લોઝઅપ અને દરેક એન્જલ યોગ્ય હોવાથી એ જોવાની મજા આવે છે તથા બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે.

movie review web series pankaj tripathi jackie shroff bollywood movie review