વેબ-શો રિવ્યુ - ટ્રિપ્લિંગ, ટ્રિપ પર આધારિત

હર્ષ દેસાઈ | Apr 13, 2019, 12:25 IST

ટ્રિપ્લિંગની બીજી સીઝનમાં રોડ ટ્રિપ તો છે, પરંતુ એને એટલી સુંદરતાથી રજૂ કરવામાં નથી આવી. થોડા સમય બાદ સ્ટોરી ભટકી જાય છે અને એ ફક્ત પ્રણવને શોધવામાં ફોકસ કરે છે. સ્ટોરી પર વધુ કામ કરી રોડ ટ્રિપ પર વધુ ફોકસ કર્યું હોત તો વધુ સારી રીતે બની શકી હોત

વેબ-શો રિવ્યુ - ટ્રિપ્લિંગ, ટ્રિપ પર આધારિત
ટ્રિપ્લિંગ

આપણે ફ્રેન્ડ્સ સાથે રોડ ટ્રિપ પર જઈએ છીએ, પરંતુ ભાઈ-બહેન અથવા તો કઝિન સાથે ભાગ્યે જ એનો પ્લાન બનાવીએ છીએ. વેબ પ્લૅટફૉર્મ TVF પર આવેલી ‘ટ્રિપ્લિંગ’માં બે ભાઈ અને એક બહેનની રોડ ટ્રિપની મુસાફરી દેખાડવામાં આવી હતી. પહેલી વાર ભાઈ-બહેનની આવી મુસાફરી દેખાડતો શો દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો હતો. આ શોની પહેલી સીઝન ૨૦૧૬માં આવી હતી અને બીજી સીઝન આવતાં ત્રણ વર્ષનો સમય લાગી ગયો છે. હાલમાં જ TVF અને SonyLiv પર રિલીઝ થયેલી આ સિરીઝની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.

ચંદન શર્માનું પાત્ર સુમિત વ્યાસે ભજવ્યું છે. આ શોની પહેલી સીઝનમાં તેના ડિવૉર્સ થયા હોય છે અને તે તેના ભાઈને મળવા આવે છે અને ત્યાંથી સ્ટોરીની શરૂઆત થાય છે. તેમણે પહેલી સીઝનમાં જે કાંડ કર્યા હોય છે એ તમામને તે પુસ્તકમાં ઉતારે છે અને તે બેસ્ટ સેલર ઑથર બની જાય છે. અહીંથી બીજી સીઝનની શરૂઆત થાય છે. તેની બુક પરથી ફિલ્મ બની રહી હોય છે, જેનું શૂટિંગ રાજસ્થાનમાં થાય છે. જોકે બુકને કારણે કન્ટ્રોવર્સી ઊભી થાય છે અને ફિલ્મનું શૂટિંગ ત્યાં અટકી ગયું હોય છે. આ કન્ટ્રોવર્સીને કારણે ચંચલના પતિનું પાત્ર ભજવનાર પવન ઘરબાર છોડીને જતો રહે છે. જોકે આ કન્ટ્રોવર્સી માટે પવન કેમ ઘર છોડીને જતો રહે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. બીજી સીઝનમાં પણ લીડ રોલમાં ચંદનની સાથે ચંચલ શર્માના પાત્રમાં માનવી ગાગરુ, ચિતવન શર્માના પાત્રમાં અમોલ પરાસકર છે.

સુમિતે ઍક્ટિંગ કરવાની સાથે આકાશ ખુરાના સાથે મળીને આ સીઝનની સ્ટોરી પણ લખી છે. સુમિત એક દમદાર ઍક્ટર છે, પરંતુ આ શોમાં તેની ઍક્ટિંગ પહેલી સીઝન જેવી જ છે. તેના પાત્રમાં કઈ નવીનતા કે ગ્રાફ જોવા નથી મળતો. માનવી પણ એક ઉમદા ઍક્ટ્રેસ છે. ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’માં તેની ઍક્ટિંગ લોકોએ જોઈ છે, પરંતુ આ સીઝનમાં તેની પાસે ઍક્ટિંગના નામે કોઈ ચૅલેન્જિંગ કામ કરાવવામાં નથી આવ્યું. એની સ્ટોરી પણ એકદમ ફ્લૅટ છે. જોકે ચિતવન આ શોની જાન છે. તેની સ્ટાઇલ, તેના સ્વૅગને કારણે આ શો જોવાનું પસંદ પડે છે. પહેલી સીઝનમાં તેના કૅરલેસ ઍટિટ્યુડને કારણે તેની સ્ક્રીન પ્રેઝન્સ ખૂબ જ અદ્ભુત લાગતી હતી. જોકે તે આ સીઝનમાં પિતા બની ગયો છે અને ફૅમિલી મૅન હોવાની સાથે તેનામાં પરિવર્તન પણ આવ્યું છે. (કેવી રીતે પિતા બન્યો એ માટે સીઝન જોવી જરૂરી છે. જોકે તેના ઍટિટ્યુડને કારણે એક સવાલ તમને પણ થતો હશે કે તેણે ખરેખર લગ્ન કર્યાં છે ખરાં?) આ શોમાં તેનાં ભાઈ-બહેનને મળતાં તે તેનાં ઓરિજિનલ રંગરૂપમાં આવી જાય છે. જોકે તે જ્યારે તેના બાળકને જુએ છે ત્યારે ફરી એક જવાબદાર વ્યક્તિ બની જાય છે. તેનું આ ટ્રાન્સફૉર્મેશન ખૂબ જ અદ્ભુત છે.

‘ટ્રિપ્લિંગ’ની બીજી સીઝનમાં લીડ ઍક્ટર્સની સાથે નિધિ બિશ્ટ, કુબરા સૈત, જિતેન્દ્ર કુમાર, ગજરાજ રાવ, શ્વેતા ત્રિપાઠી અને રજિત કપૂર જેવા ઘણા જાણીતા ઍક્ટર્સે નાની પણ મહત્વની ભૂમિકા ભજવી છે. એક એપિસોડ બાદ આ શોની સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ છૂટી રહ્યો હોય ત્યાં ગજરાજ રાવની એન્ટ્રી પડે છે. ‘બધાઈ હો’માં જોવા મળેલા ગજરાજ રાવની હાજરી આ શોમાં ફરી જાન લાવી દે છે. તેની પત્નીના પાત્રમાં શ્વેતા ત્રિપાઠીએ ખૂબ જ સારું કામ કર્યું છે. તેમના લગ્નજીવનમાં બન્ને વચ્ચે ઘણાં વર્ષોનો તફાવત દેખાડવામાં આવ્યો છે. જોકે પ્રેમને કોઈ ઉંમર નથી હોતી અને દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ સારી વાત રહેલી હોય છે એ વાત એક નાના સબપ્લૉટ દ્વારા ખૂબ જ સારી રીતે કહેવામાં આવી છે.

સ્ટોરીની વાત કરીએ તો આ સીઝનની સ્ટોરી થોડી નબળી છે. પહેલા એપિસોડમાં તેઓ દિલ્હીમાં હોય છે. બીજા એપિસોડમાં ચંદન અને ચિતવન જયુપર જાય છે અને ત્યાં તેઓ કિડનૅપ થઈ જાય છે. આ એપિસોડમાં તેમની મુલાકાત તેમની બહેન ચંચલ સાથે થાય છે. તેમને ખબર પડે છે કે પ્રણવ ઘર છોડીને ભાગી ગયો હોય છે અને બહેન પૉલિટિક્સમાં જોડાઈ ગઈ હોય છે. આ તમામ વાતોથી તેઓ અજાણ હોય છે, કારણ કે હંમેશાંની જેમ તેઓ એકબીજાના સંપર્કમાં નથી રહેતાં અને બીજી સીઝનને છ મહિનાના જમ્પ બાદ દેખાડવામાં આવે છે. બીજા એપિસોડના અંતમાં ત્રણેય ભાઈ-બહેન ભેગાં થાય છે અને પ્રણવને શોધવા રોડ ટ્રિપ કરે છે. ત્રીજા એપિસોડમાં તેઓ જયપુરથી લખનઉ જાય છે. ચોથા એપિસોડમાં લખનઉથી કલકત્તા અને પાંચમા એપિસોડમાં કલકત્તાથી ગૅન્ગટોક. આ સ્ટોરીનો માઇન્સ પૉઇન્ટ એ છે કે તેઓ રોડ ટ્રિપ હોવા છતાં દરેક રાજ્યની સુંદરતાને એટલી સારી રીતે નથી દેખાડી શક્યા. તેમ જ પ્રણવને શોધવાની લાયમાં આ ત્રણેય પાત્ર પર વધુ ફોકસ કરવામાં નથી આવ્યું. રોડ ટ્રિપની વાત તો કરવામાં આવી છે, પરંતુ રોડ ટ્રિપ જેવું કંઈ દેખાતું નથી. પહેલી સીઝનમાં તેઓ રસ્તા પર જ્યારે પણ સ્ટૉપ કરતા કે તેમની સાથે કોઈ ઘટના થતી. તેમની કાર પણ ચોરાઈ ગઈ હોય છે, પરંતુ બીજી સીઝનમાં કારની ઍડ કરવામાં રોડ ટ્રિપનો ખરો ઉદ્દેશ દેખાડવાનું ભૂલી ગયા છે.

આ પણ વાંચો : નવા કલાકારોની હંમેશાં જરૂર છે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને : અનન્યા પાન્ડે

સમીર સક્સેના દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સીઝનમાં દર્શકોને જકડી રાખવા મુશ્કેલ છે. વનલાઇનરનો પણ જોઈએ એટલો સારો ઉપયોગ કરવામાં નથી આવ્યો. અમોલની સ્ટાઇલ અને તેના ભાગે આવેલી થોડીઘણી વન-લાઇનરને કારણે શો થોડો એન્ટરટેઇનિંગ લાગે છે. બાબા... ચિતવન શો કી જાન હૈ રૈ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK