નવીન કસ્તુરિયા અત્યારે કેમ ખુશમખુશ છે?

13 May, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

TVF ‘પિચર્સ’ અને ‘ઍસ્પિરન્ટ્સ’ ફેમ ઍક્ટરની એક સફળ સિરીઝ ઑન ઍર થઈ અને બીજી રિલીઝ થવાની છે

નવીન કસ્તુરિયા

યુટ્યુબ વિડિયોઝથી જાણીતો થયેલો ઍક્ટર નવીન કસ્તુરિયા અત્યારે એકદમ ખુશ છે. તેની TVFની ‘ઍસ્પિરન્ટ્સ’ સિરીઝ યુટ્યુબ પર જ સીધી રિલીઝ થઈ અને અત્યંત લોકપ્રિય થઈ. જોકે TVFના સ્તર મુજબ નબળી હોવાનું લોકોને લાગી રહ્યું છે. નવીન ખુશ એટલે પણ છે કે તેને લીડ રોલમાં ચમકાવતી રનવે લુગાઈ નામની એક ઔર નવી સિરીઝ એમએક્સ પ્લેયર પર આવી રહી છે.

કૉમેડી-ડ્રામા ઝોનરની આ સિરીઝમાં નવીન રજનીકાંત સિંહા નામનું એમએલએના પુત્રનું પાત્ર ભજવે છે. તેના પિતાના પડછાયામાં ઊછરેલા રજનીની લાઇફ ત્યારે બદલાય છે જ્યારે તે બુલબુલને મળે છે. લગ્ન વખતે બુલબુલ ગાયબ થઈ જાય છે ત્યારે બાપ-દીકરાની ઇર્દગિર્દ ધમાચકડી સરજાય છે. નવીન કહે છે, ‘બુલબુલના રોલમાં રુહી સિંહ અને પિતા તરીકે સંજય મિશ્રાજી છે. હું બહુ ખૂશ છું કેમ કે એક સિરીઝને ઍપ્રિસિએશન મળી રહ્યું છે અને બીજી આવી રહી છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં ઍક્ટર્સને ઇનસિક્યૉરિટી ફીલ નથી થતી હોતી!’

TVF ‘પિચર્સ’ અને એ પહેલાં યુટ્યુબ પર આવેલા રાઉડી’ના સ્પૂફ વિડિયોના કારણે જાણીતો થયેલો નવીન કસ્તુરિયા TVF ઍસ્પિરન્ટ્સને પોતાની લાઇફનું સૌથી મહત્ત્વનું કામ માને છે. તેણે કહ્યું કે, ‘એ પ્રકારના રોલ મળવા જેના થકી વધુ લોકો સુધી પહોંચી શકાય, જે પૉપ્યુલર થાય એ ખૂબ મહત્ત્વનું છે. એના કારણે જ અન્ય ડિરેક્ટર્સ, મેકર્સ તમને આવકારે છે.’

entertainment news