15 October, 2025 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પંકજ ધીરે મહાભારતમાં ભજવેલું મહાભારતનું પાત્ર આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે.
બીઆર ચોપરાની સુપરહિટ ટીવી સિરિયલ ‘મહાભારત’માં કર્ણની ભૂમિકા ભજવવા માટે જાણીતા પીઢ અભિનેતા પંકજ ધીરનું કૅન્સરની ગંભીર બીમારી સામે લાંબી લડાઈ બાદ 15 ઑક્ટોબરના રોજ મુંબઈમાં અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. તેઓ 68 વર્ષના હતા. મીડિયા અહેવાલો મુજબ, અભિનેતા પંકજ કૅન્સર સામે લડી રહ્યા હતા અને શરૂઆતમાં તેમણે બહાદુરીથી તેનો સામનો કર્યો હતો. જોકે કમનસીબે, થોડા મહિના પહેલા આ રોગ ફરી શરૂ થયો, જેના કારણે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમની સારવારના ભાગ રૂપે તેમના પર એક મોટી સર્જરી પણ કરવામાં આવી હોવાની માહિતી તેમના નજીકના સૂત્રોએ આપી હતી.
પંકજના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈના વિલે પાર્લેમાં થશે
CINTAA (સિને અને ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન) એ એક સત્તાવાર નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે, "અંતિમ શોક અને ઊંડા દુઃખ સાથે, અમે તમને અમારા ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને CINTAA ના ભૂતપૂર્વ માનનીય મહાસચિવ શ્રી પંકજ ધીરજીનું 15 ઑક્ટોબર 2025 ના રોજ અવસાન થયું છે. અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 વાગ્યે પવન હંસ, વિલે પાર્લે (પશ્ચિમ) મુંબઈની બાજુમાં કરવામાં આવશે."
પંકજ ધીર વિશે
9 નવેમ્બર, 1956 ના રોજ પંજાબમાં જન્મેલા પંકજ ધીરે 1980 ના દાયકાની શરૂઆતમાં પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને ઝડપથી ભારતીય ટેલિવિઝન અને સિનેમામાં એક અગ્રણી કલાકાર બની ગયા હતા. તેમની કારકિર્દી ચાર દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી, જે દરમિયાન તેઓએ અસંખ્ય ટેલિવિઝન સિરિયલ્સ અને ફિલ્મોમાં નોંધપાત્ર કામ કર્યું હતું. મહાભારત ઉપરાંત, તેમની નોંધપાત્ર ટેલિવિઝન ભૂમિકાઓમાં ‘ચંદ્રકાંતા’ (1994-1996) માં રાજા શિવદત્ત, ‘ધ ગ્રેટ મરાઠા’માં સદાશિવરાવ ભાઉ અને ‘સસુરાલ સિમર કા’ માં જમનાલાલ દ્વિવેદીનો સમાવેશ થાય છે. તેમણે ‘સડક’, બાદશાહ’ ‘સોલ્જર’ અને ‘ટાર્ઝન ધ વંડર કાર’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં પણ અભિનય કર્યા હતા.
પંકજ ધીરના લગ્ન અનિતા સાથે થયા હતા અને તેમને એક પુત્ર, નિકિતિન ધીર હતો, જે એક અભિનેતા પણ છે. નિકિતિનના લગ્ન ટેલિવિઝન અભિનેત્રી કૃતિકા સેંગર સાથે થયા છે. નિકિતિન ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પિતા સાથે ફોટા અને વીડિયો શૅર કરતો રહે છે. તેમના અવસાનથી મનોરંજન ઉદ્યોગમાં શોક ફેયાયો છે. લોકો પંકજને ફિલ્મોમાં તેમના રોલ કરતાં વધુ તેમને ‘મહાભારત’માં કર્ણ તરીકે વધુ જાણતા હતા અને તેમનો આ રોલ અને તેના ડાયલોગ્સની રિલ્સ અને વીડિયોઝ આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે અને વાયરલ થાય છે.