ટીવી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ચાકુથી જીવલેણ હુમલો, હૉસ્પિટલમાં દાખલ

27 October, 2020 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીવી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ચાકુથી જીવલેણ હુમલો, હૉસ્પિટલમાં દાખલ

માલવી મલ્હોત્રા (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

કલર્સ ચેનલ પર આવતી સિરિયલ ‘ઉડાન’ ફૅમ અભિનેત્રી માલવી મલ્હોત્રા (Malvi Malhotra) પર ચાકુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને અંધેરીની કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને અહીં તેની સારવાર ચાલે છે. સૂત્રોના મતે, એકતરફી પ્રેમમાં પાગલ એક વ્યક્તિએ આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. જોકે, પોલીસે હજી સુધી આ બાબતની પુષ્ટિ કરી નથી.

અભિનેત્રી માલવી મલ્હોત્રા પર આ હુમલો પોતાને પ્રોડ્યૂસર ગણાવનાર યોગેશ નામના વ્યક્તિએ કર્યો હતો. વર્સોવા પોલીસના જણાવ્યા પ્રમાણે, યોગેશે અભિનેત્રી પર ચારવાર હુમલો કર્યો હતો. જ્યારે હૉસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અભિનેત્રીની તબિયત હાલમાં સારી છે.

માલવી મલ્હોત્રાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, યોગેશ મહિપાલ સિંહ સાથેની તેની મિત્રતા ફેસબુકના માધ્યમથી થઈ હતી. કામના સંદર્ભે બંને એકવાર કૉફી કેફે ડેમાં મળ્યા હતા. સોમવાર, 26 ઓક્ટોબરના રોજ જ્યારે તે પોતાના ઘરની બહાર આવી ત્યારે યોગેશ પોતાની કાર આગળ ઊભો હતો અને તેણે માલવીને રસ્તા વચ્ચે ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે વિરોધ કર્યો તો તેની પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ યોગેશ ફરાર થઈ ગયો હતો. અભિનેત્રીની ફરિયાદ પર પોલીસે યોગેશ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફુટેજમાંથી પણ મહત્ત્વના પુરાવા મળ્યા છે.

મૂળ હિમાચલની માલવીએ તેલુગુ ફિલ્મ 'કુમારી 21 F’, તમિળ ફિલ્મ 'નદિક્કુ એન્ડી', હિંદી ફિલ્મ 'હોટલ મિલન' તથા ટીવી સિરિયલ 'ઉડાન'માં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

entertainment news indian television television news tv show colors tv kokilaben dhirubhai ambani hospital