TMKOC: દરેક શરૂઆતનો અંત હોય છે - શૉમાં નવા મિસિઝ સોઢીને જોઈ જેનિફર મિસ્ત્રીએ કરી આવી પોસ્ટ!

11 December, 2023 06:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શો છોડ્યા બાદ જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત કુમાર મોદી અને અન્ય લોકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે અભિનેત્રીએ તેના પાત્રને અંતિમ વિદાય આપવા માટે એક વીડિયો શેર કર્યો છે

જેનિફર મિસ્ત્રીની ફાઇલ તસવીર

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) આ દિવસોમાં ઘણા કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં જ સિરિયલ ઑફ-ઍર થવાના સમાચાર હતા, જેના કારણે ફેન્સ ખૂબ નારાજ હતા. બીજી તરફ દયાબેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani)ના સમાચાર જાણીને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. જોકે, દયાબેન પાછા ન ફર્યા અને પ્રેક્ષકો તે સમાચારથી ખૂબ નારાજ થઈ ગયા હતા. નેટિઝન્સે સોશિયલ મીડિયા (Social Media) પર આ સિરિયલને ખૂબ ટ્રોલ કરી હતી.

તે જ સમયે શૉમાં નવી મિસિઝ રોશન સિંહ સોઢીની ભૂમિકા કોણ ભજવશે તેના પર પડદો હટાવી દેવામાં આવ્યો હતો. અભિનેત્રી મોનાઝ મેવાવાલા હવે મિસિઝ રોશન સોઢીની ભૂમિકા ભજવશે. જેનિફર મિસ્ત્રી બંસીવાલે 15 વર્ષ સુધી આ પાત્ર ભજવ્યું હતું. હવે જેનિફરે (Jennifer Mistry) એક ઈમોશનલ પોસ્ટ લખી છે, જે વાયરલ થઈ રહી છે.

ભાવુક થયા જેનિફર મિસ્ત્રી

શો છોડ્યા બાદ જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત કુમાર મોદી અને અન્ય લોકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે અભિનેત્રીએ તેના પાત્રને અંતિમ વિદાય આપવા માટે એક વીડિયો શેર કર્યો છે. તેણીએ લખ્યું કે, "માનવ વાર્તાઓને પ્રેમ કરે છે કારણ કે તે સુરક્ષિત રીતે આપણને શરૂઆત, મધ્ય અને અંત બતાવે છે... મારી વાર્તાના ત્રણ ભાગ છે: 2008માં શરૂઆત જ્યારે હું શોમાં જોડાઈ તે, 2016માં જ્યારે હું ડિલિવરી પછી ફરીથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાઈ તે અને છેલ્લે 2023માં જ્યારે મેં શો છોડ્યો... દરેક શરૂઆતનો અંત હોય છે અને દરેક અંતની નવી શરૂઆત હોય છે.”

‘સમય કેવી રીતે પસાર થઈ ગયો ખબર જ ન પડી’

જેનિફર મિસ્ત્રી બંસીવાલે આગળ લખ્યું છે કે, “ભગવાન, યુનિવર્સ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો અને ક્રૂ અને તમામ ચાહકોનો આટલા વર્ષોથી પ્રેમ વરસાવવા બદલ કૃતજ્ઞતા... મારા જીવનનો 1/3 ભાગ - 1 અને 1/2 આ દાયકાઓ સિરિયલમાં વિતાવ્યા... સમય કેવી રીતે પસાર થઈ ગયો એ સમજાયું નહીં... કેટલીક યાદો દર્દનાક હોય છે, કેટલીક નહીં... પણ છેવટે તો એ યાદો જ હોય ​​છે.”

આ વીડિયોમાં તેના શોના કો-સ્ટાર્સ જોવા મળે છે, જેમાં દિશા વાકાણી અને મુનમુન દત્તા પણ સામેલ છે. યુઝર્સ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “અમે તમને યાદ કરીએ છીએ, તમે અમારા માટે હજુ પણ રોશન ભાભી છો અને હંમેશા રહેશો.” અન્ય એક યુઝરે લખ્યું કે, “હું તમને ખૂબ જ યાદ કરીશ જેનિફર મેડમ, પરંતુ શો છોડવાનો નિર્ણય ખૂબ જ સારો છે, ભગવાન તમારું ભલું કરે.”

કોણ છે નવા મિસિઝ રોશન સોઢી?

મોનાઝ મેવાવાલા હવે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં મિસિઝ રોશન સિંહ સોઢીની ભૂમિકામાં જોવા મળશે. મોનાજે કેટલાક ટીવી શોમાં કામ કર્યું છે. મોનાઝના માતા-પિતાના નામ ફિરદૌસ મેવાવાલા અને આશા ફિરદૌસ મેવાવાલા છે. અભિનેત્રીએ કસૂર સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણી 37 વર્ષની છે અને તેણે મુંબઈમાં અભ્યાસ કર્યો છે. તે સાલસા ડાન્સર પણ છે.

taarak mehta ka ooltah chashmah asit kumar modi television news entertainment news