દર્શકોને હસાવવા ફરી આવી રહ્યો છે ‘ધ કપિલ શર્મા શો’; આ તારીખથી થઈ શકે છે વાપસી

03 August, 2021 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનીટીવીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલથી આ શોનો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. પ્રોમો જોતાં જણાય છે કે આ વખતે શો નવા અવતાર સાથે વાપસી કરશે. આ શો 21 ઓગસ્ટથી શરૂ થાય તેવી શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર

‘ધ કપિલ શર્મા શો’ના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી દર્શકોને મનોરંજન પૂરું પાડતો આ શો ફરી શરૂ થવા જઈ રહ્યો છે. સોનીટીવીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલથી આ શોનો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. પ્રોમો જોતાં જણાય છે કે આ વખતે શો નવા અવતાર સાથે વાપસી કરશે. આ શો 21 ઓગસ્ટથી શરૂ થાય તેવી શક્યતા છે.
મીડિયા અહેવાલો મુજબ `ધ કપિલ શર્મા શો`નો પ્રારંભ અભિનેતા અક્ષય કુમાર સાથે થશે. એવું કહેવાય છે કે અક્ષય કુમાર `ધ કપિલ શર્મા શો`ના પ્રથમ મહેમાન બનશે. તે પોતાની આગામી ફિલ્મ `બેલ બોટમ`ના પ્રમોશન માટે કપિલના શોમાં હાજર રહેશે. જોકે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત થઈ નથી.
આ વખતે સુદેશ લેહરીને પણ `ધ કપિલ શર્મા શો`માં એન્ટ્રી મળી છે, જ્યારે સુમોના ચક્રવર્તી આ વખતે ટીમમાં નથી. નોંધનીય છે કે `ઇન્ડિયન આઇડલ 12`નું ફાઇનલ 15 ઓગસ્ટે થવાનું છે અને તેના એક સપ્તાહ બાદ `ધ કપિલ શર્મા શો` આ સિંગિંગ રિયાલિટી શોના ટાઇમ સ્લોટ પર શરૂ કરવામાં આવે, તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ‘બેલ બોટમ`નું ટ્રેલર 3 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર સહિત વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરેશી, અનિરુદ્ધ દવે અને આદિલ હુસૈન છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

television news entertainment news kapil sharma