તેલુગૂ ટીવી અભિનેત્રી શ્રાવણી કોંડાપલ્લીએ હૈદ્રાબાદમાં કરી આત્મહત્યા

09 September, 2020 03:13 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

તેલુગૂ ટીવી અભિનેત્રી શ્રાવણી કોંડાપલ્લીએ હૈદ્રાબાદમાં કરી આત્મહત્યા

અભિનેત્રી શ્રાવણી કોંડાપલ્લી

26 વર્ષીય તેલુગૂ ટીવી અભિનેત્રી શ્રાવણી કોંડાપલ્લી (Sravani Kondapalli)એ હૈદ્રાબાદ સ્થિતિ ઘરે આત્મહત્યા કરી છે. પોલીસે બુધવારે આ દુર્ઘટનાની માહિતિ આપી છે. જ્યારે અભિનેત્રીએ મંગળવારે રાત્રે આત્મહત્યા કરી છે.

શ્રાવણી મંગળવારે મધુરનગર સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઘેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે, શ્રાવણી પોતાના બેડરૂમમાં ગઈ અને અંદરથી દરવાજો લોક કરી દીધો હતો. બધાને એમ કે તે સ્નાન કરતી હશે. પણ તે બહુ વાર સુધી બહાર ન આવી ત્યારે બેડરૂમનો દરવાજો તોડી દીધો હતો અને જોયું તો શ્રાવણી ફાંસી પર લટકેલી હતી. જ્યારે તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી તો ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.

અભિનેત્રીના પરિવારે આરોપ મુક્યો છે કે, શ્રાવણીના તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ દેવરાજ રેડ્ડીના ત્રાસથી પરેશાન થઈ ગઈ હતી અને એટલે જ તેણે આ પગલું ભર્યું છે. પોલીસનું કહેવું છે કે, આ બાબતે પરિવારે થોડાક દિવસ પહેલા ફરિયાદ પણ નોંધાવી હતી અને શ્રાવણીને તેની સાથે ફરવા બાબતે ચેતવણી પણ આપી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે દેવરાજ સાથે ફરવા બાબતે શ્રાવણીનો મંગળવારે રાત્રે ભાઈ અને માતા સાથે ઝઘડો પણ થયો હતો. ત્યારપછી તે બેડરૂમમાં ગઈ હતી અને તેને ગળાફાંસો ખાધો હતો.

જુન મહિનામાં શ્રાવણીએ ફરિયાદ નોંધાવ્યા બાદ દેવરાજની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, દેવરાજ લગ્ન માટે શ્રાવણીને ફોર્સ કરે છે. જ્યારે પરિવારે એમ પણ આક્ષેપ મુક્યો છે કે, ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ કાર્યવાહી નથી કરી રહી. દેવરાજ થોડાક મહિનાઓ પહેલા ટિકટૉકના માધ્યમથી અભિનેત્રીના સંપર્કમાં આવ્યો હતો અને પછી આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. શ્રાવણીના પરિવારનું એમ પણ કહેવું છે કે, દેવરાજ તેને પૈસા માટે હેરાન કરતો હતો. પ્રાઈવેટ તસવીરો તથા વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી પણ આપતો હતો. ત્યારે પરિવારે ગૂગલ પેના માધ્યમથી તેને એક લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતા તે અભિનેત્રીને ત્રાસ આપતો હતો. પછી 22 જૂને દેવરાજ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે પોલીસનો દાવો છે કે, ફરિયાદમાં વીડિયો અને તસવીરોનો મુદ્દાનો ઉલ્લેખ છે જ નહીં.

અભિનેત્રીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. કેસની વધુ તપાસ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી શ્રાવણી કોંડાપલ્લીએ 'મનાસુ મમતા' અને 'મૌનરાગમ' જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે.

entertainment news indian television television news hyderabad