Exclusive: કોરોના એક ખુદ્દાર માણસ છે', 'તારક મહેતા'ના સુંદરલાલનું જ્ઞાન

07 May, 2020 11:41 AM IST  |  Mumbai | Sheetal Patel

Exclusive: કોરોના એક ખુદ્દાર માણસ છે', 'તારક મહેતા'ના સુંદરલાલનું જ્ઞાન

મયૂર વાકાણી

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે અને લોકોનાં મનમાં તેનો ડર પણ પેસી ગયો છે. આ વાઈરસને કારણે સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે બૉલીવુડ, ઢોલીવુડ અને ટેલિવિઝન સ્ટાર્સ પોતાના ઘરમાં કેદ છે અને ફૅન્સનું સોશિયલ મીડિયા દ્વારા મનોરંજન કરી રહ્યા છે. આ સંજોગોમાં જેમને તમે હંમેશા ટેલિવિઝન પર જોયા છે, તેવા સુંદરલાલ એટલે કે મયૂર વાકાણીએ બનાવી છે એક મજાની ફિલ્મ.

લૉકડાઉનમાં એક સારો સંદેશો આપતી આ ફિલ્મ બનાવવા અંગે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપતા કહ્યું કે, “આ ફિલ્મનો મને વિચાર આવ્યો કારણકે લૉકડાઉન દરમિયાન હું કામ માટે વર્કશૉપ જઈ રહ્યો હતો ત્યારે મારા દીકરાએ કહ્યું, ના પપ્પા બહાર નહીં જાઓ, બહાર કોરોના વાઈરસ છે. લોકો આજે બધું જાણે કે બહાર જવામાં ખતરો છે, જ્યારે નાના બાળકને આ વાતની સમજ છે ત્યારે આપણે કેમ સમજતા નથી? આપણે જ્યારે બહાર જઈએ છે ત્યારે જ આપણે આ કોરોના વાઈરસને આમત્રંણ આપીએ છીએ. આ રીતે મને ફિલ્મનું બીજ મળ્યું અને એટલે જ આ ફિલ્મનું નામ પણ મેં 'Invitation' રાખ્યું.”

તેમણે આ ફિલ્મ ઘરગથ્થુ બનાવી છે એટલે તેમણે પોતાના આ પ્રોડક્શનને 'ઘરગથ્થુ પ્રોડક્શન'નું નામ આપ્યું છે વધુમાં એમણે જણાવ્યું હતું કે, “માત્ર બહાર જવાની લાલચ અને લોભથી તમે જ કોરોના વાઈરસને પોતાના ઘરમાં વેલકમ કરી બેસો છો. આ વીડિયો બનાવવાનું કારણ જ એ છે કે લોકોને મનોરંજન તો મળે જ પણ સાથે એક સીધો સંદેશો પણ મળે, લોકો તેની ગંભીરતાને સમજે તો બહુ સારું. એક વાઈરસની અંદર સજીવારોપણ અલંકાર મૂકીને આ વીડિયો તૈયાર કર્યો છે. એટલેકે વાઇરસ જ આમાં માણસ સાથે સીધી વાત કરે છે. આ રીતે રજૂઆત થાય તો લોકો આખી વાત સાથે સીધા કનેક્ટ થઇ શકે.”

મિડ-ડે સાથે વાત કરતા મયૂર વાકાણીએ વધુમાં જણાવ્યું કે, “હું લોકોને આ વાત કહું તે પહેલાં મારે તેનું પાલન કરવું જરૂરી હતી. આ સામાન્ય વાઈરસ નથી.” તેમણે એક સરસ વાત કહી કે, 'કોરોના એક ખુદ્દાર માણસ છે', એ બરાબર તમારા ઘરની બહાર ઉભો છે, તમે જ્યા સુધી એને એન્ટ્રી નહીં આપો ત્યા સુધી એ તમારા ઘરમાં નહીં આવે.

આ વીડિયો મોબાઈલથી શૂટ કરાયો છે અને સ્વાભાવિક છે કે તેનું શૂટિંગ ઘરે જ કરાયું છે. મયૂર વાકાણીનું પાત્ર સિરિયલમાં તો જેઠાલાલને પજવતું રહે છે પણ રિયલ લાઇફમાં તેઓ તમામ જેઠાલાલ અને સુંદરલાલ સહિત ટપુ સેના જેવા બાળકોને એક સારો સંદેશો આપવાનો ‘ઘરગથ્થુ’ પ્રયાસ કરી રહ્યા છે.

taarak mehta ka ooltah chashmah television news tv show entertainment news coronavirus covid19