અભિનેત્રીએ મંગાવ્યા કોલ્ડ ડ્રિન્ક્સ, સાથે આવ્યો વંદો અને પછી...

20 August, 2026 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્વેતા તિવારીએ ઑનલાઇન મગાવેલા કોલ્ડ ડ્રિન્ક્સ સાથે વંદો આવ્યો હોવાનો દાવો કર્યો છે. અભિનેત્રીએ વિડિયો શૅર કરીને FDA કમિશનર તુકારામ મુંઢેને મદદ માટે ટૅગ કર્યા હતા.

શ્વેતા તિવારી - ફાઈલ તસવીર

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ ક્વિક-કૉમર્સ ઍપ પરથી મગાવેલા સામાન સાથે વંદો આવ્યો હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. અભિનેત્રીએ પોતાના ઘરમાં ફરતા વંદાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરીને ફૂડ-સેફ્ટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેને ટૅગ કરીને આ મામલે ધ્યાન આપવા વિનંતી કરી છે.

કોલ્ડ ડ્રિન્ક્સ સાથે આવ્યો વંદો

શ્વેતા તિવારીએ ક્વિક-કૉમર્સ ગ્રોસરી ડિલિવરી ઍપ પરથી કેટલાક કોલ્ડ ડ્રિન્ક્સ ઑર્ડર કર્યા હતા. જોકે ઑર્ડર ઘરે પહોંચ્યા બાદ તેની સાથે વંદો પણ આવ્યો હોવાનો અભિનેત્રીએ દાવો કર્યો હતો. તેણે ડિલિવરી પ્લૅટફૉર્મને ટૅગ કરીને ઘરમાં ફરતા વંદાનો વિડિયો પણ શૅર કર્યો હતો. વિડિયોમાં શ્વેતા કહે છે, ‘અને એની સાથે વંદો પણ આવ્યો છે. જુઓ, આ વંદો આખા ઘરમાં ફરી રહ્યો છે. આ રહ્યો, નાનકડો વંદો. તો શું આપણે તુકારામ મુંઢેજીને ટૅગ કરવા જોઈએ? મુંઢેજી, હવે અમારા ઘરે વંદા આવી રહ્યા છે. તમે ક્યાં છો? કૃપા કરીને આ તરફ ધ્યાન આપો.’તેનો આ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. અનેક યુઝર્સે ઑનલાઇન મગાવવામાં આવતી ખાદ્ય અને પીણાની વસ્તુઓના પૅકેજિંગ, સંગ્રહ તથા ડિલિવરી દરમિયાન જાળવવામાં આવતી સ્વચ્છતા અંગે સવાલ ઉઠાવ્યા હતા.

ફૂડ-સેફ્ટી અંગે ફરી ઊઠ્યા સવાલ

ક્વિક-કૉમર્સ અને ઑનલાઇન ફૂડ-ડિલિવરી સેવાઓનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે ત્યારે ગ્રાહકો સુધી પહોંચતી વસ્તુઓની સ્વચ્છતા અને સુરક્ષા અત્યંત મહત્ત્વની બની છે. પૅકેજિંગ કે ડિલિવરી બૅગમાંથી જીવજંતુ મળવાની ઘટના માત્ર અણગમતી નથી, પરંતુ ગ્રાહકોના આરોગ્ય માટે પણ જોખમ ઊભું કરી શકે છે. આ ઘટના અંગે ડિલિવરી પ્લૅટફૉર્મ અથવા FDA દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે કે નહીં તેની માહિતી હજી સામે આવી નથી.

તુકારામ મુંઢેની કાર્યવાહીની થઈ રહી છે ચર્ચા

છેલ્લા કેટલાક સમયથી IAS અધિકારી તુકારામ મુંઢેની કામગીરીની સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઈ રહી છે. નિયમો અને ફૂડ-સેફ્ટીના ધોરણોનું ઉલ્લંઘન કરનાર રેસ્ટોરાં, કૅન્ટીન અને ખાદ્ય સંસ્થાઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીને કારણે નેટિઝન્સે તેમને ‘અસલી સિંઘમ’નું ઉપનામ આપ્યું છે. આ જ કારણથી શ્વેતા તિવારીએ પણ પોતાની ફરિયાદમાં મુંઢેને ટૅગ કરીને તેમની મદદ માગી હતી.

‘ધ ટ્રેઇટર્સ 2’માં રિયાલિટી શોનો ભાગ છે શ્વેતા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્વેતા તિવારી હાલમાં કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવતા રિયલિટી શો ‘ધ ટ્રેઇટર્સ 2’માં સ્પર્ધક છે. આ સીઝનમાં મલ્લિકા શેરાવત, ક્રિસ્ટલ ડિસોઝા, દલીપ તાહિલ, મુનવ્વર ફારૂકી, પરુલ ગુલાટી, રણવીર બ્રાર અને રિયા ચક્રવર્તી સહિત અનેક જાણીતી હસ્તીઓ સામેલ છે.

shweta tiwari tukaram mundhe food and drug administration