'ધ કપિલ શર્મા શો' બકવાસ અને અશ્લીલ હરકતોથી ભરપૂર છે: મુકેશ ખન્ના

02 October, 2020 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'ધ કપિલ શર્મા શો' બકવાસ અને અશ્લીલ હરકતોથી ભરપૂર છે: મુકેશ ખન્ના

મુકેશ ખન્ના

ગત અઠવાડિયે 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show)ના એપિસોડમાં બી.આર.ચોપરાના શો 'મહાભારત'ના લીડ એક્ટર્સ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. જોકે, આ એપિસોડમાં સિરિયલમાં ભીષ્મનો રોલ પ્લે કરનાર અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna) આવ્યા નહોતા. મુકેશ ખન્નાને સોશ્યલ મીડિયામાં સતત પૂછવામાં આવી રહ્યું હતું કે, તેઓ શા માટે શોમાં ન દેખાયા. ત્યારે મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ન આવવાનું કારણ કહ્યું હતું. તેમણે આ શોને વાહિયાત, ઢંગધડા વગરનો, અશ્લીલ હરકતો તથા ડબલ મિનિંગથી ભરપૂર કહ્યો હતો. જોકે, મુકેશ ખન્નાએ થોડીવાર બાદ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખ્યા હતા.

'ધ કપિલ શર્મા શો'માં ભીષ્મપિતામહનું પાત્ર ભજવતા અભિનેતા મુકેશ ખન્ના શા માટે જોવા ન મળ્યાં એ પ્રશ્ન વારંવાર પુછવામાં આવતા અભિનેતાએ ગુરુવાર, 1 ઓક્ટોબરના રોજ સવારે છ ટ્વીટ કરી હતી. આ સાથે જ ફેસબુકમાં પણ એક પોસ્ટ પણ શૅર કરી હતી. જોકે, આ તમામ બાબતો તેમણે પછી ડિલિટ કરી નાખી હતી.

મુકેશ ખન્નાએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'આ પ્રશ્ન વાયરલ થઈ ગયો છે કે 'મહાભારત' શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈકે એમ કહ્યું કે તેમને ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી. કોઈ કહે છે કે, તેમણે જાતે ના પાડી. સાચી વાત એ છે કે 'મહાભારત' ભીષ્મ વગર અધૂરું છે. સાચી વાત એ છે ક। આમંત્રણ ના આપવાનો તો સવાલ જ નથી. સાચું તો એ પણ છે કે મેં જાતે જ ના પાડી દીધી હતી.'

બીજા ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, 'એ પણ સાચી વાત એ છે કે લોકો મને પૂછશે કે કપિલ શર્મા જેવા મોટા શોને કોઈ કેવી રીતે ના પાડી શકે. મોટામાં મોટા એક્ટર જાય છે. જતા હશે પરંતુ મુકેશ ખન્ના નહીં જાય. આ જ સવાલ ગુફીએ મને પૂછ્યો હતો કે 'રામાયણ' બાદ આ લોકો આપણને ઈન્વાઈટ કરવાના છે. મેં ત્યારે જ કહ્યું હતું કે તમે બધા જજો, હું નહીં જાઉં.'

ત્રીજી ટ્વીટમાં અભિનેતાએ કહ્યું હતું, 'ભલે કપિલનો શો આખા દેશમાં લોકપ્રિય હોય, પરંતુ મને આનાથી વધારે બકવાસ કોઈ શો લાગતો નથી. ઢંગધડા વગરનો છે, ડબલ મિનિંગથી ભરપૂર અને અશ્લીલતા છે. આ શોમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે. હલકી હરકતો કરે છે અને લોકો પેટ પકડીને હસે છે.'

ચોથા ટ્વીટમાં મુકેશ ખન્નાએ લખ્યું હતું કે, 'આ શોમાં લોકો શા માટે મોટે-મોટેથી હસતા હોય છે, તે આજ સુધી હું સમજી શક્યો નથી. એક વ્યક્તિને સેન્ટરમાં સિંહાસન પર બેસાડીને રાખે છે. તેનું કામ હસવાનું છે. હસવું આવે કે ના આવે પણ હસવાનું છે. તેમને આના પૈસા મળે છે. પહેલા આ માટે સિદ્ધુભાઈ બેસતા હતા. હવે અર્ચના બહેન બેસે છે. કામ? માત્ર હાહાહા કરવાનું.'

આગળ પાંચમા ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, 'એક ઉદાહરણ આપીશ, તમે સમજી જશો કે કોમેડીનું સ્તર કેટલું બકવાસ છે. તમે બધાએ આ જોયું હશે. 'રામાયણ' વાળો શો હતો. કપિલે અરૂણ ગોવિલને પૂછ્યું હતું કે તમે બીચ પર છો અને એક વ્યક્તિ બૂમ પાડીને કહે છે... અરે દેખો રામજી પણ VIP અંડરવિયર પહેરે છે. તમે શું કહેશો?'

છેલ્લા ટ્વીટમાં મુકેશ ખન્નાએ લખ્યું હતું કે, 'મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ, જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો. મને ખ્યાલ નથી કે અરૂણે જવાબમાં શું કહ્યું હતું? હું હોત તો કપિલનો મોં બંધ કરાવી દેત. આથી જ હું નહોતો ગયો.'

જોકે, મુકેશ ખન્નાએ આ તમમા ટ્વીટ પછી ડિલીટ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ગત અઠવાડિયે 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show)ના એપિસોડમાં નીતિશ ભારદ્વાજ (શ્રીકૃષ્ણ), ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર), ફિરોઝ ખાન (અર્જુન), પુનીત ઈસ્સર (દુર્યોધન) તથા ગુફી પેન્ટલ (શકુની) આવ્યા હતા અને તેમણે જુની યાદો તાજા કરી હતી.

entertainment news indian television television news tv show the kapil sharma show sony entertainment television