'નકલી શક્તિમાન'ને જોઈને ભડક્યા મુકેશ ખન્ના, ગુસ્સામાં કહ્યું...

17 September, 2019 06:15 PM IST  |  મુંબઈ

'નકલી શક્તિમાન'ને જોઈને ભડક્યા મુકેશ ખન્ના, ગુસ્સામાં કહ્યું...

1990ના દાયકામાં મોટા થયેલા ભાગ્યે જ કોઈ એવા બાળકો હશે, જેને સુપરહીરો શક્તિમાન વિશે ખ્યાલ ન હોય. લાલ અને સોનેરી કોસ્ચ્યુમ પહેરીને શક્તિમાન બનેલા મુકેશ ખન્ના આજે પણ આપણા મગજમાં ઝબકી જાય છે. પરંતુ હાલ મુકેશ ખન્ના ખૂબ જ ગુસ્સામાં છે, કારણ કે એક મલયાલી ડિરેક્ટરે શક્તિમાનના લૂક અને કોસ્ચ્યુમનો ઉપયોગ તેમની પરવાનગી વિના પોતાની ફિલ્મમાં કર્યો છે. જો કે મુકેશ ખન્નાની ફરિયાદ બાદ ડિરેક્ટરે માફી માગી છે.

મલયાલી ડિરેક્ટર ઓમાર લુલુએ કેટલાક દિવસો પહેલા પોતાની ફિલ્મ ધમાકાના સેટ પરથી એક ફોટો શૅર કર્યો હતો, જેમાં એક કલાકાર શક્તિમાનનો કોસ્ચ્યુમ પહેરેલો દેખાતો હતો. આ ફોટો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં શક્તિમાન અંગે જાતભાતના મીમ બન્યા અને ચર્ચા શરૂ થયી. જ્યારે મુકેશ ખન્નાને આ વિશે માહિતી મળી તો તેમણે ફિલ્મ એમ્પલોઈઝ ફેડરેશન ઓફ કેરળમાં આ અંગે ફરિયાદ દાખલ કરીને લીગલ એક્શન લેવાની ચેતવણી આપી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં મુકેશ ખન્નાએ કહ્યું કે તેમને શક્તિમાનનો આવો ઉપયોગ નથી ગમ્યો. મારી પાસે પાત્ર, કોસ્ચ્યુમ, થીમ મ્યુઝિક અને બાકીની ચીજવસ્તુઓના કૉપી રાઈટ છે. મારી પરવાનગી વગર કોઈ ફિલ્મમાં તેનો ઉપયોગ ન કરી શકે. ખાસ તો આ રીતે. ધમાકાના મેકર્સને એટલી પણ ફબાન નથી પડતી કે મને પૂછી લે અથવા મને જાણ કરે કે પરવાનગી લે. એટલે મેં FEFKAને ફરિયાદ કરી છે. મુકેશ ખન્નાએ કહ્યું કે જો તેનો ઉપયોગ નહીં અટકાવાયો તે તેઓ કાયદાકીય પગલાં લેશે.

આ પણ વાંચોઃ 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

બીજી તરફ મુકેશ ખન્નાએ કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપ્યા બાદ ડિરેક્ટર ઓમાર લુલુએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખીને માફી માગી છે. તેમણે સ્વીકાર્યું છે કે પરવાનગી વિના આમ નહોતું કરવું જોઈતું. સાથે જ લુલુએ પોતાને શક્તિમાનના મોટા ફૅન ગણાવ્યા છે અને કહ્યું કે તેનો ઉપયોગ કેટલીક સેકન્ડ માટે જ કરાયો છે. એક સિક્વન્સમાં ફિલ્મનો હીરો પોતાને શક્તિમાન જેટલો શક્તિશાળી સુપરહીરો માને છે.

television news entertaintment