અલગ રહેવા કરતાં જૉઇન્ટ ફૅમિલીમાં રહેવું પસંદ છે પરેશ ગણાત્રાને

28 October, 2019 11:20 AM IST  |  મુંબઈ

અલગ રહેવા કરતાં જૉઇન્ટ ફૅમિલીમાં રહેવું પસંદ છે પરેશ ગણાત્રાને

પરેશ ગણાત્રા

તેના ભાખરવડી શો, અનુભવ અને ફેવરિટ ભાખરવડી, કૂકિંગ સ્કિલથી લઈને ફેવરિટ શો સુધીની માહિતી વિશે જોઈએ
પરેશ ગણાત્રાનું કહેવું છે કે લોકો તેના પાત્રને જેટલું એન્જૉય કરે છે એટલું જ તે શૂટિંગ દરમ્યાન કરે છે. સોની સબ ટીવી પર આવતા ‘ભાખરવડી’ શોમાં તે મહેન્દ્ર ઠક્કરનું પાત્ર ભજવી રહ્યો છે. આ શોમાં બે ફૅમિલીની વાત કરવામાં આવી છે. એક મરાઠી ફૅમિલી હોય છે જે સમયની સાથે બદલાવા નથી માગતી અને વૅલ્યુ સાથે આગળ વધે છે. બીજી તરફ ગુજરાતી ફૅમિલી હોય છે. આ ફૅમિલી સમયની સાથે સતત બદલાતી રહે છે અને તેમના વિચારો પણ મૉડર્ન હોય છે. આથી આ બન્ને ફૅમિલી વચ્ચેની જુદી-જુદી વિચારધારા વચ્ચે શોમાં વાત કરવામાં આવી છે. મહેન્દ્ર ઠક્કર ખૂબ જ જૉલી ગુજરાતી પાત્ર ભજવી રહ્યો છે. જોકે આ શોમાં તેને અન્ય ટીવી-શો અથવા તો ફૅમિલીમાં દેખાડવામાં આવતા ટિપિકલ ગુજરાતી પાત્ર કરતાં એકદમ અલગ દેખાડવામાં આવ્યો છે. પરેશ ગણાત્રાનું કહેવું છે કે મહેન્દ્રના પાત્રને દર્શકો જેટલું પસંદ કરી રહ્યા છે એટલું જ એના શૂટિંગને તે પોતે માણી રહ્યો છે. પરેશ સાથે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ...
ભાખરવડીના શૂટિંગનો અનુભવ કેવો રહ્યો?
એક શબ્દમાં કહું તો ખૂબ જ અદ્ભુત રહ્યો છે. હું એને ખૂબ જ એન્જૉય કરી રહ્યો છું. સેટ પર હું જ્યારે પણ જાઉં છું ત્યારે લોકોને હું હસતા અને મસ્તીના મૂડમાં જોઉં છું. મને નેગેટિવ લોકોથી ખૂબ જ નફરત છે અને સેટ પર મને હંમેશાં પૉઝિટિવ એનર્જી મળતી હોવાથી મને ખૂબ જ ખુશી મળે છે. જ્યારે ‘બા બહુ ઔર બૅબી’નું શૂટિંગ કરતાં હતાં ત્યારે અમે સતત સેટ પર જવા માટે રાહ જોતા હતા. અમારું શૂટિંગ ન હોય અને અમે ફૅમિલી સાથે હોઈએ ત્યારે પણ અમે સેટને મિસ કરીએ છીએ. ‘ભાખરવડી’ સાથે પણ મારો એજ કેસ છે.
તે ફિલ્મોમાં પણ કામ કર્યું છે તો ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે શું તફાવત છે?
ટીવી માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે. ફિલ્મો ૩૦થી ૪૫ દિવસમાં પૂરી થઈ જતી હોય છે. બીજો તફાવત એ છે કે તમે કેટલા દિવસ કામ કરો છો એના પર તમારી ફી નક્કી કરવામાં આવે છે. સૌથી મોટો તફાવત એ છે કે ટીવીમાં તમે ફ્રીમાં લોકોના ઘર સુધી પહોંચી શકો છો, જ્યારે ફિલ્મોમાં લોકોએ પૈસા ચૂકવીને તમારી પાસે આવવું પડે છે. જોકે તમે ગમે એ મીડિયામાં કામ કરો એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે લોકો હંમેશાં તમારા પાત્રને યાદ રાખે છે. ટીવીમાં શોની સફળતા પર દરેક વ્યક્તિની લાઇફ ડિપેન્ડ હોય છે. ફિલ્મમાં ફક્ત પ્રોડ્યુસરે સહન કરવું પડે છે. મારી ફિલ્મ નિષ્ફળ રહે તો મને ફરક નથી પડતો, પરંતુ શો સફળ રહે એવી આશા રાખું છું. આમ છતાં, બન્ને મીડિયાના અલગ-અલગ પ્લસ અને માઇન્સ પૉઇન્ટ છે.
આ શો પસંદ કરવાનું કારણ શું?
આ શોને મેં આતિશ કાપડિયાને કારણે પસંદ કર્યો હતો. તે મારો સારો મિત્ર હોવાની સાથે એક સારો રાઇટર પણ છે. તેને મારી તાકાત અને વીકનેસ વિશે ખબર છે. તેણે મને આ રોલ ઑફર કર્યો ત્યારે મેં તેને એક જ વસ્તુ પૂછી હતી કે આ રોલમાં એવું શું છે જે મેં અત્યાર સુધી નથી ભજવ્યો. તેણે મને એ વાતની ખાતરી આપી હતી કે આ પાત્ર એકદમ અલગ રહેશે. દેવેન, જેડી મજેઠિયા અને આતિશ કાપડિયા સાથે કામ કરવું હું હંમેશાં પસંદ કરીશ. તેમની સાથે કામ કરવા માટે તમારે સખત મહેનત કરવી પડે છે.
તારા પાત્ર અને તારી રિયલ લાઇફ વચ્ચે શું સામ્યતા છે?
પિતા અને દીકરીની રિલેશનશિપને ધ્યાનમાં રાખું તો હું ઑન અને ઑફ સ્ક્રીન એક સરખો છું. હું ખૂબ જ શાંત હોવાથી મારી પત્ની સાથે ફાઇટ પણ નથી કરતો. મારી ફિલૉશોફી એ છે કે કોઈની સાથે
લડાઈ-ઝઘડા કરીને તમને કંઈ નથી મળવાનું. જોકે જ્યારે સેલ્ફ-રિસ્પેક્ટની વાત હોય ત્યારે હું અલગ જ અવતારમાં આવી જાઉં છું.
ગુજરાતી ભાખરવડી અને મરાઠી ભાખરવડીમાંથી તારી ફેવરિટ કઈ છે?
હું ફૂડી છું અને ચટપટું મને બધુ જ પસંદ છે. ભાખરવડી મારી ફેવરિટ છે પછી એ પુણેના ચિતલે બંધુની હોય કે વડોદરાની.
ભાખરવડી કેવી રીતે બનાવવામાં આવે છે તને ખબર છે? કૂકિંગ વિશે જાણો છો?
ભાખરવડી કેવી રીતે બનાવવામાં આવે એ વિશે મને કોઈ માહિતી નથી, કારણ કે મને ફક્ત ખાવામાં રસ છે. કૂકિંગ વિશે મને એટલી માહિતી નથી, પરંતુ થેપલાં, પરાઠા, શાક અને ચા બનાવતાં મને આવડે છે. કૂકિંગ કેટલી વાર કરવું મને ગમે છે, પરંતુ હું એના પર ફોકસ નથી કરતો. એમાં પણ એક દિવસ હું રસ લઈશ.
રિયલ લાઇફમાં અલગ રહેવાનું કે જૉઇન્ટ ફૅમિલીમાં રહેવામાંથી શું પસંદ છે?
જૉઇન્ટ ફૅમિલી અથવા તો અલગ રહેવા વિશે દરેક વ્યક્તિનાં મંતવ્ય અલગ છે. અત્યાર સુધી હું જૉઇન્ટ ફૅમિલીમાં રહેતો હતો. આપણે આપણા રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે આપણી ફૅમિલી અને બાળકોને સમય પણ નથી આપી શકતા. મારાં માતા-પિતા મારી સાથે રહેતાં હતાં ત્યારે મને ખબર સુધ્ધાં નથી પડી કે મારાં બાળકો કેવી રીતે મોટાં થયાં. આજે મારાં બાળકોનાં કોઈ વખાણ કરે તો હું એનો શ્રેય મારાં માતા-પિતાને આપીશ. અલગ રહેવાથી તમને ફ્રીડમ મળે છે. દરેક વ્યક્તિ પર ડિપેન્ડ છે કે તેણે કંઈ ફૅમિલી સિસ્ટમમાં રહેવું છે, પરંતુ હું જૉઇન્ટ ફૅમિલી પસંદ કરીશ.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

તારો ફેવરિટ શો કયો છે?
મારાં બાળકોને સોની સબ ખૂબ જ પસંદ છે. ખાસ કરીને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એથી તેમની સાથે હું પણ આ શો જોઉં છું.

sab tv