KBC 13: જ્યારે 10 વર્ષની ગુજરાતી ગર્લ પ્રિશા દેસાઈને બિગ બીએ પહેરાવ્યો ક્રાઉન

07 December, 2021 08:02 PM IST  |  Mumbai | Karan Negandhi

પ્રિશા દેસાઈ હોટ સીટ સુધી પહોંચી હતી અને પ્રશ્નોના સાચા જવાબ આપીને ૧૨.૫ લાખ રૂપિયાની રકમ જીતી હતી.

પ્રિશા દેસાઈ અને મહાનાયક અમિતાભ બચ્ચન

કૌન બનેગા કરોડપતિ (KBC)માં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી પ્રશ્નોના જવાબ આપવાનું સ્વપ્ન અનેક લોકોએ જોયું હશે, પરંતુ કેટલાક જ લોકો છે જે આ સપનાને સાકાર કરી શક્યા છે. આ સોનેરી સપનું મૂળ ગુજરાતની પ્રિશા દેસાઈએ ખૂબ જ નાની વયે સાકાર કર્યું છે, ત્યારે કૌન બનેગા કરોડપતિ લોકપ્રિય ટીવી શોમાં ઉમરગામ તાલુકાના વલવાડા ગામના મૂળ વતની અને હાલ અંધેરી મુંબઈ ખાતે રહેતા અનાવિલ દેસાઈ પરિવારની પ્રિશા દેસાઈ હોટ સીટ સુધી પહોંચી હતી અને પ્રશ્નોના સાચા જવાબ આપીને ૧૨.૫ લાખ રૂપિયાની રકમ જીતી હતી.

આવી રહી હોટસીટ સુધી પહોંચવાની સફર

એપિસોડ પ્રસારિત થયા બાદ પ્રિશાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં પોતાની કેબીસી સુધી પહોંચવાની સફર અંગે માહિતી આપી હતી. પ્રિશાએ કહ્યું કે “તેને બાયજૂસ મારફતે કેબીસીમાં સહભાગી થવા માટેની ક્વિઝ આપી હતી, ત્યાર બાદ રાઇટિંગ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. કુલ પાંચ રાઉન્ડ પછી મારું સિલેક્શન થયું હતું.”

ધમાકેદાર એન્ટ્રી

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં ત્રીજા પ્રશ્નનો ઝડપથી જવાબ આપી જ્યારે પ્રિશા ગ્રુપના દસ સ્પર્ધકોમાં પહેલા ક્રમે પહોંચી અને બિગ બીએ તેણીનું નામ પુકાર્યું ત્યારે તેના માતા જિનિતા દેસાઈ અને પિતા મીતેશ દેસાઈ ટીવી પર ખૂબ જ ખુશ દેખાતાં હતાં. પ્રિશા હોટસીટ પર પહોંચી ત્યાં સુધી પ્રેક્ષકોમાં ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. આ ક્ષણની વાત કરતાં પ્રિશાએ કહ્યું હતું કે તેણી માટે આ ખૂબ જ અદ્ભુત લાગણી અનુભવી હતી.

શૂટિંગ પછીનો એક કિસ્સો શેર કરતાં તેણીએ કહ્યું કે “જ્યારે અમિતાભ બચ્ચન સરે મેડલ પહેરાવ્યો હતો ત્યારે તેણે પહેરેલો ક્રાઉન સહેજ ખસી ગયો હતો અને એબી સરે પોતાના હસ્તે ફરી પહેરાવ્યો હતો.”

મહત્ત્વાકાંક્ષા

પ્રિશા એશ્વર્યા રાય બચ્ચનની જેમ મિસ યુનિવર્સ બનવા માગે છે અને તેથી જ તેણી ક્રાઉન પહેરીને હોટસીટ પર પહોંચી હતી. જોકે, પ્રિશા કયા ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા માંગે છે તે તેણીએ હજી નક્કી કર્યું નથી, પરંતુ એક ઉત્સુક બાળક તરીકે તેણી ડૉક્ટર, એન્જિનિયર અને એસ્ટ્રોનોટ પણ બનવા માંગે છે.

અદ્ભુત સિદ્ધિઓ

તેની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો તેણીને સ્વિમિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. કરાટેમાં પણ તેણીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ઉપરાંત તેણીને લોજિકલ રિઝનિંગ, ગણિત સામાન્ય વિજ્ઞાન અને કોમ્પ્યુટરમાં પણ રસ છે. તેણીને હાસ્ય કવિતાઓ પણ ખૂબ જ ગમે છે. નોંધનીય છે કે તેણીને પુસ્તકો વાંચવા પણ ખૂબ જ ગમે છે.

દાન કરશે રકમ

વાતચીત દરમિયાન પ્રિશાએ જણાવ્યું હતું કે “હું એનિમલ લવર છું. મને જ્યારે ઈનામણી રકમ મળશે ત્યારે હું પ્રાણીઓ પાછળ આ રકમનો કેટલોક હિસ્સો દાન કરીશ અને બાકીની રકમનો ઉપયોગ ભવિષ્યમાં મારા ભણતર માટે કરીશ.”

ઉલ્લેખનીય છે કે પ્રિશાએ દસ વર્ષની કુમળી વયે આ ઉપલબ્ધિ મેળવી છે. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી પ્રિશા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં બાકીના નવ સ્પર્ધકોની સરખામણીએ ઉંમરમાં સૌથી નાની હતી. પ્રિશાની આ સિદ્ધિ માત્ર તેના કે તેના પરિવાર માટે નહીં, પરંતુ ગુજરાતીઓનું ગૌરવ વધારે તેવી બાબત છે.

entertainment news television news kaun banega crorepati