06 May, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્મા
જાણીતા કૉમેડિયન અને ઍક્ટર કપિલ શર્માએ સોશ્યલ મીડિયા પર તેના ફિટનેસ-રૂટીનનો એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં કપિલ પહાડી વિસ્તારમાં રસ્તા પર જૉગિંગ કરતો જોવા મળે છે. આ વિડિયોમાં કપિલ ફોકસ્ડ અને એનર્જેટિક લાગે છે. તેણે કાન પર હેડફોન લગાડ્યા છે અને પોતાની મસ્તીમાં જૉગિંગ કરી રહ્યો છે. છેલ્લા થોડાક સમયમાં કપિલે સારું એવું વજન ઉતાર્યું છે. હકીકતમાં કપિલ ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું 2’માં જોવા મળશે અને તેણે ફિલ્મી પડદે પોતાનો જાદુ ચલાવવા માટે લુક ચેન્જ કર્યો છે એવી ચર્ચા છે.
થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે કપિલ દરરોજ લગભગ બે કલાક વર્કઆઉટ કરે છે જેને કારણે તેની ફિટનેસમાં સુધારો થયો છે. કપિલનું એકાએક વેઇટલૉસ થવાથી તેને કોઈ વાતની સાઇડ-ઇફેક્ટ તો નથી થઈને એવી ચિંતા પણ ચાહકોને થઈ હતી. કેટલાક ફૅન્સને કપિલનો આ લુક સ્માર્ટ લાગે છે તો કેટલાકને લાગે છે કે કપિલ પાતળો થવાના ચક્કરમાં બીમાર લાગવા માંડ્યો છે.
તાજેતરમાં કપિલના વેઇટ-ટ્રાન્સફૉર્મેશનને જોઈને કેટલાક ચાહકોએ સવાલ કર્યો હતો કે શું વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક જેવી કોઈ દવા લીધી છે કે પછી ફિટનેસ-ટ્રેઇનિંગ કરો છો? જોકે હાલમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઓઝેમ્પિક દવાની મદદથી વજન ઉતારવાનું ચલણ વધ્યું છે. કરણ જોહર અને રામ કપૂરનું વજન અચાનક ઘટી ગયું ત્યારે પણ ચર્ચા હતી કે તેમણે આ વજન ઉતારવા માટે ઓઝેમ્પિકનો ઉપયોગ કર્યો છે.