માત્ર ૨૦ દિવસમાં કોરોના ઇન્શ્યૉરન્સ પાસ કરાવ્યો જેડીએ

13 August, 2020 07:45 PM IST  |  Mumbai | Rashmin Shah

માત્ર ૨૦ દિવસમાં કોરોના ઇન્શ્યૉરન્સ પાસ કરાવ્યો જેડીએ

જે. ડી. મજીઠિયા

સબ ટીવીના ડેઇલી સોપ ‘ભાખરવડી’ના સેટ પર કોરોનાના કારણે બિહારના અબ્દુલનું અવસાન થયું હતું, અબ્દુલના પરિવારજનોને ‘ભાખરવડી’ના પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયાએ ગઈ કાલે પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય કરી હતી. ટીવી ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવેલી સહાયની અત્યાર સુધીની આ સૌથી મોટી સહાય છે. આ સહાય માટે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલૉઈઝે પણ પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયાનો આભાર માન્યો હતો. ફેડરેશનના ચૅરમૅન બી. એન. તિવારીએ કહ્યું હતું, ‘નાના વર્ગના ટેક્નિશ્યનના પરિવારની જરૂરિયાત અને એ પરિવારનાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે. ડી. મજીઠિયાએ જે પગલું ભર્યું છે એનાથી ટેક્નિશ્યનોની હિંમતમાં પણ ખાસ્સો વધારો થશે. અત્યારના તબક્કે બૉલીવુડને એની ખાસ જરૂર છે.’

અબ્દુલની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવ્યા પછી ‘ભાખરવડી’ના સેટ પર હાજર રહેલા સૌકોઈની પણ કોવિડ-ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાંથી આઠ લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. સેટ પર કોવિડ સંક્રમણ દેખાતાં ગવર્નમેન્ટની ગાઇડલાઇન મુજબ ૨૬ જુલાઈથી ત્રણ દિવસ માટે શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું અને કોરોના પૉઝિટિવ સૌકોઈને આઇસોલેટ કરવાની સાથે તેમની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી.

અબ્દુલ ‘ભાખરવડી’ના કૉસ્ચ્યુમ સીવતો ટેલર હતો. તે રેડ ઝોનમાં જ રહેતો હતો. અબ્દુલને જ્યારે કોરોના સંક્રમણ લાગ્યું ત્યારે તે સેટ પર હાજર પણ નહોતો. શૂટિંગ શરૂ થયું ત્યારથી ૧૩ જુલાઈ સુધી અબ્દુલ સેટ પર હતો અને એ પછી તે એક વીકની રજા લઈને ગયો. ૧૯ જુલાઈએ તેણે ફરીથી શૂટિંગ જૉઇન કરવાની પરમિશન માગી એટલે નિયમ મુજબ તેને પહેલાં તપાસ કરાવી હેલ્થ કાર્ડ સાથે સેટ પર આવવાની સૂચના આપવામાં આવી. બે દિવસ સુધી અબ્દુલ આવ્યો નહીં એટલે ૨૧ જુલાઈએ યુનિટ-મેમ્બરે તપાસ કરી ત્યારે અબ્દુલના ઘરેથી ખબર પડી કે તેનું અવસાન થઈ ગયું છે. જેડી કહે છે, ‘અમે કુલ ૭૮ લોકોની કોવિડ-ટેસ્ટ કરાવી. જેમ વધારે ટેસ્ટ એમ વધારે પૉઝિટિવ એ વાતની ખબર હોવા છતાં પણ અમે કોઈ રિસ્ક લેવા તૈયાર નહોતા. સ્ટૅન્ડબાયમાં જે કોઈ હેલ્પરને ઘરે રાખવામાં આવ્યા હતા એ સૌની પણ ટેસ્ટ થઈ અને વધારે ટેસ્ટ થઈ એટલે વધારે લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા.’

ચાઇનાએ કોરોના વિશે વધારે લોકોને ખબર નહોતી પાડી અને એને લીધે જ આજનું આ ભયાનક વાતાવરણ ઊભું થયું છે. જેડી કહે છે, ‘અમારે એવો કોઈ આશરો કે અનુમાન પર ચાલવું નહોતું. ક્લોઝ કૉન્ટૅક્ટમાં ન હોય એવા લોકોની ટેસ્ટ કરીને પણ અમે કોરોના સામે લડત આપવાનું નક્કી કર્યું હતું. હું એક વાત કહીશ કે કોરોના ન થાય એની ચીવટ સૌકોઈએ રાખવાની છે અને નાનામાં નાની ચીવટ રાખવાની છે તો કોરોના થયા પછી કોઈએ લેશમાત્ર ડરવાનું નથી. આ જ વાત યુનિટને અમે સમજાવી છે અને એટલે આજે એવી સિચુએશન છે કે અમારી ટીમના છ મેમ્બર પ્લાઝમા ડોનર બનવા તૈયાર છે. ૨૬ ઑગસ્ટે એનો રિપોર્ટ આવશે એ પછી બધું નક્કી થશે.’

હૅટ્સ ઑફ પ્રોડક્શને માત્ર ૨૦ દિવસમાં અબ્દુલનો ઇન્શ્યૉરન્સ પાસ કરાવ્યો છે. આટલા ટૂંકા સમયમાં આટલી મોટી રકમ અપાવવી એ માત્ર હિન્દી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનો જ નહીં, પણ ઇન્ડિયામાં કોરોનાનો ઇન્શ્યૉરન્સ લેવાનો શરૂ થયો એ બાબતનો પણ રેકૉર્ડ છે. જેડી દેશના કૉર્પોરેટ સેક્ટરને ઍડ્વાઇઝ આપતાં કહે છે, ‘હું કહીશ કે જે કોઈ પોતાના કર્મચારીઓને ઑફિસે બોલાવે છે એ સારામાં સારો ઇન્શ્યૉરન્સ લેજો, થોડા પૈસાની સામે નહીં જોતા અને અપેક્ષા રાખજો કે એ ઇન્શ્યૉરન્સની જરૂર ન પડે, પણ ધારો કે એવું ન થાય અને કોઈને પણ તકલીફ પડી તો આ ઇન્શ્યૉરન્સ ખૂબ કામ આવશે. બીજી એક નાનકડી સલાહ પણ આપીશ, ઇન્શ્યૉરન્સ કરાવ્યો હોય એનાં બધાં પેપર્સ રાખજો. અબ્દુલનાં પેપર્સ માટે અમે કેવી હેરાનગતિઓ ભોગવી છે એ અમારું મન જાણે છે.’

coronavirus covid19 indian television television news sab tv JD Majethia Rashmin Shah