નીતિ ટેલરને બૉલીવુડમાં કામ નથી કરવું

12 February, 2019 09:29 AM IST  |  | હર્ષ દેસાઈ

નીતિ ટેલરને બૉલીવુડમાં કામ નથી કરવું

નીતિ ટેલર

નીતિ ટેલર ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ બની ગયું છે. તેણે ૨૦૦૯માં સોની પર આવેલી ‘પ્યાર કા બંધન’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. એમટીવી પર આવેલો યુથ શો ‘કૈસી યહ યારિયાં’માં તેણે લીડ ઍક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. તેણે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ૨૦૧૫માં તે એશિયાની સૌથી સેક્સી એશિયન મહિલાઓના લિસ્ટમાં પંદરમા ક્રમે હતી. આ વર્ષે તે પહેલી ન્યુકમર બની હતી જે પંદરમા સ્થાને આવી હોય. ગયા વર્ષે પણ તે આ લિસ્ટમાં ટૉપ ટેનમાં આવી હતી. તે હાલમાં ‘ઇશ્કબાઝ : પ્યાર કી એક ઢિંચાક કહાની’માં મન્નત કૌર ખુરાનાનું પાત્ર ભજવી રહી છે. પોતાના પાત્ર અને રિયલ લાઇફ વિશે નીતિએ ‘મિડે-ડે’ સાથે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ:

‘ઇશ્કબાઝ’માં તું શાયરી કરી રહી છે. આ માટે કોઈ ટ્રેઇનિંગ લીધી છે?

મેં જ્યારે આ શો શરૂ કર્યો ત્યારે મેં પ્રોડ્યુસરને વિનંતી કરી હતી કે શાયરી વિશે મને થોડી માહિતી આપવામાં આવે. શાયરી અલગ રીતે બોલવામાં આવે છે અને એથી એને બોલવાની ઢબ માટે મેં ક્લાસ લીધા હતા જેથી લહેકો બરાબર આવી શકે. ક્લાસ લેવાનો મુખ્ય હેતુ ઉદૂર્ અને હિન્દી ભાષા સુધારવાનો હતો જેથી સારી રીતે હું પાત્રને ન્યાય આપી શકું.

નીતિને રિયલ લાઇફમાં શાયરીનો કોઈ શોખ છે?

ના, મને શાયરીનો કોઈ શોખ નથી. મેં ક્યારેય રિયલમાં શાયરી કરી પણ નથી અને સાંભળી પણ નથી. મેં ફક્ત ટીવીમાં જ લોકોને શાયરી કરતા જોયા છે.

શાયરી જ્યારે બોલવામાં આવે છે ત્યારે એમાં ક્યારેય સુઝાવ કર્યા છે?

મેં ક્યારે પણ મારા સુઝાવ નથી આપ્યા. હું હંમેશાં મારા રાઇટર્સ અને ડિરેક્ટર્સને ફૉલો કરું છું.

આ પાત્ર પસંદ કરવાનું કોઈ ખાસ કારણ?

મેં અત્યાર સુધી સહમી હુઈ છોકરીનું જ પાત્ર ભજવ્યું છે. જોકે મન્નત ખૂબ જ હૅપી કૅરૅક્ટર છે. આ એક ઓવર-હૅપી પાત્ર છે જે મેં આજ સુધી ક્યારેય નથી ભજવ્યું. આ સિરિયલમાં હું રડતી જોવા નહીં મળું. હું હસતી અને લોકોને હસાવતી જોવા મળીશ. સાથે જ થોડીઘણી કૉમેડી પણ કરી રહી છું. એથી હૅપી અને કૉમેડી બન્ને હોવાથી મને નવા પ્રકારનું પાત્ર ભજવવાની તક મળતાં મેં એ ઝડપી લીધી છે.

મન્નતના પાત્રમાં તારું શું ફેવરિટ છે?

મન્નત ખૂબ જ ફન-લવિંગ પાત્ર છે, પરંતુ તેનો વૉર્ડરોબ ખૂબ જ યુનિક છે. આ પાત્રમાં મારું ફેવરિટ કંઈ હોય તો એ છે તેનો આઉટફિટ. તે પંજાબી સૂટ પહેરે છે અને મને પણ ઇન્ડિયન કપડાં પહેરવા ખૂબ જ પસંદ છે. કપડાંની સાથે તેની બુટ્ટી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. આ સાથે જ તેના હાથમાં રંગબેરંગી રબરબૅન્ડ હોય છે. આ તેની પર્સનાલિટીનું રિફ્લેક્શન છે અને એથી જ હું તેના વૉર્ડરોબને પસંદ કરું છું.

રિયલ લાઇફમાં મન્નતના પાત્રથી નીતિ કેટલી અલગ છે?

અમે બન્ને રિયલ લાઇફમાં ખૂબ જ અલગ છીએ. મન્નત વધુ પડતી ખુશ રહેતી હોય છે જ્યારે હું એક નૉર્મલ વ્યક્તિ છું. હું ફન-લવિંગ છું, પરંતુ મન્નત જેવી નથી. તે ઘણી વાર પોતાને પણ મજાક બનાવી લેતી હોય છે અને એ દૃષ્ટિએ હું ખૂબ જ અલર્ટ રહું છું. મારે ક્યાં અને ક્યારે શું બોલવું એની હું ખૂબ જ તકેદારી રાખું છું, જ્યારે મન્નત જ્યાં જાય છે ત્યાં કંઈ ને કંઈ સિયાપ્પા થઈ જાય છે.

સેટ પર આવા ક્યારેય ‘સિયાપ્પા’ થયા છે?

મારી સાથે એવું ઘણું ઓછું થાય છે. હું હજી આ સેટ પર નવી છું. થોડા દિવસ પછી મારી સાથે આવા કોઈ સિયાપ્પા કરે તો નવાઈ નહીં.

નકુલ મહેતા તારાથી બાર વર્ષ મોટો છે અને તેણે કહ્યું હતું કે તે ૧૬થી લઈને ૮૬ વર્ષ સુધીની કોઈ પણ મહિલા સાથે રોમૅન્સ કરી શકે છે. તેં રૉમેન્સ માટે કોઈ એજ-લિમિટ રાખી છે?

મારા માટે મારું પાત્ર મહત્વનું છે અને એની ઉંમર સાથે મને કોઈ ફરક નથી પડતો. હું ઝાડની સાથે પણ રોમૅન્સ કરી શકું છું. મારી થિયેટર-હેડે મને કહ્યું હતું કે હું ઝાડ સાથે પણ રોમૅન્સ કરી શકું છું. મારા માટે ઉંમરની કોઈ લિમિટ નથી. પાત્ર માટે પ્રેમ આવવો જોઈએ.

તેં તારી કરીઅરની શરૂઆતમાં યુથ પર આધારિત શો કર્યા હતા અને હવે ડેઇલી સોપમાં કામ કરીને તને શું તફાવત લાગે છે?

યુથ શોમાં ફક્ત યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે, પરંતુ આ સિરિયલમાં નાનાં બાળકોથી લઈ વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે. મારે હવે સાસ-બહૂ અને મમ્મીઓ બધાને ધ્યાનમાં રાખવાં પડે છે. હું હવે એ ધ્યાન આપું છું કે જે પાત્ર હું ભજવી રહી છું એ આ દર્શકોને કન્વિન્સિંગ લાગે. મારે બસ લોકોના દિલ સુધી પહોંચવું છે.

તેં ત્રણ તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. તો બૉલીવુડમાં કામ કરવાની ઇચ્છા છે ખરી?

મેં ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ હું ટીવી-ઇન્ડસ્ટ્રીને છોડવા નથી માગતી. મને બૉલીવુડની ઘણી ફિલ્મોની ઑફર થઈ છે, પરંતુ મને એમાં કોઈ રસ નથી. મારો પ્રેમ ટીવી-ઇન્ડસ્ટ્રી છે અને હું એમાં જ રહેવા માગું છું.

આ પણ વાંચોઃ ગુજરાતી છોકરાને હાર્વર્ડમાં લેક્ચર આપવાનું આમંત્રણ

વેબ-શોમાં કામ કરવું છે કે પછી એ પણ નહીં?

વેબ-શોમાં કામ કરવા માટે હું તૈયાર છું, કારણ કે એ સિરિયલને મળતા આવે છે. જોકે એમાં ઘણા જુદા-જુદા વિષય પર કામ કરી શકાતું હોવાથી એમાં કામ કરવું મને ગમશે.

indian television television news