21 July, 2024 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હિના ખાન ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ-કૅન્સરની સારવાર લઈ રહી છે અને એમાં પણ તે ખૂબ હિંમત રાખી રહી છે. હવે તે જિમમાં વર્કઆઉટ કરી રહી છે અને સાથે જ આ બીમારીનો સામનો કરી રહેલા લોકોને પણ એનો સામનો કરવાની હિંમત આપી રહી છે. કીમો થેરપી દરમ્યાન વાળ ખરે એ પહેલાં તેણે જાતે જ હેર કટ કરાવી નાખ્યા હતા. સાથે જ તે કામ તરફ પણ ધ્યાન આપી રહી છે. સર્જરી બાદ શરીર પર જે કાળા ડાઘ પડ્યા છે એનો સ્વીકાર કરીને એને પ્રગતિની નિશાની ગણાવી રહી છે. વર્કઆઉટ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી છે, ‘મારે આ લડાઈ જીતવી છે. એક ડગલું આગળ માંડવું છે. મેં પોતાની જાતને જે વચન આપ્યું હતું એ જ હું કરી રહી છું. અગાઉ મેં કહ્યું હતું કે સારા દિવસો મેળવી શકાય છે અને એમાંથી પણ ભરપૂર લાભ લઈ શકાય છે. ભલે પછી એ થોડા કેમ ન હોય. આ જર્નીને એટલા માટે યાદ કરી શકાય કે મેં એમાંથી શું મેળવ્યું છે. મને આ શક્તિ આપવા બદલ ધન્યવાદ. મને સતત સપોર્ટ આપવા બદલ સૌનો આભાર. જે લોકો આવા પ્રકારની લડાઈ લડી રહ્યા છે તેમને માટે મને સન્માન છે. હું તેમને એટલું જ કહેવા માગું છું કે પોતાને ઓળખો, પોતાનો માર્ગ જાણો અને પોતાના શરીરને સાંભળો.’