ગુજરાતની લોક સંસ્કૃતિના ધબકારને ઝીલે છે આદિત્ય ગઢવીનું 'મધરાતુંના મોર'

11 July, 2019 04:36 PM IST  |  અમદાવાદ

ગુજરાતની લોક સંસ્કૃતિના ધબકારને ઝીલે છે આદિત્ય ગઢવીનું 'મધરાતુંના મોર'

આદિત્ય ગઢવીનું ગીત 'મધરાતુંના મોર' રિલીઝ

ગુજરાતની સંસ્કૃતિમાં લોકગીતોનું આગવું સ્થાન છે. જીવનમાં બનતી દરેક ઘટનાઓ માટે લોકગીતો છે. પછી તે હાલરડાં હોય કે મરશિયા, લગ્ન હોય કે પછી અન્ય કોઈ પ્રસંગ. રાજ્યના દરેક પ્રદેશના પોતાના લોકગીતો છે જે પ્રસંગ કે જીવનશૈલીને ઉજાગર કરે છે. આવા જ લોકગીતોની યાદ આજે તાજી થઈ જ્યારે જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીનું ગીત મધરાતુંના મોર રિલીઝ થયું.


યૂટ્યૂબ પર આ ગીત રિલીઝ કરતાંની સાથે આદિત્ય ગઢવીએ લખ્યું છે કે, "એક દિવસ બેઠો બેઠો કાગ બાપુનું જુનુ આકાશવાણીનું રેકોર્ડીંગ સાંભળતો'તો. એમા વાત કરતા કરતા બાપુએ કહ્યું કે, "આપણા લોક ગીતો એય કેવા રૂડા છે..." અને પછી એમણે આ ગીત ગાયું એમની એ જ જાણીતી શૈલીમા અને મને ખૂબ મજા આવી ગઇ. મારા મનમા આ શબ્દો અને ગીતનો ઢાળ બેસી ગયા." મહિનાઓની તેમની મહેનત પછી જે પરિણામ આવ્યું તે કાંઈક આવું છે. તમે પણ સાંભળો આ માટીની મહેકને યાદ કરાવતું ગીત.

ગીતમાં મેઘરાજાને વરરાજાના રૂપમાં કલ્પવામાં આવ્યા છે અને તેના આગમનના વધામણાનું ગીત લગ્નના ગીતના રૂપમાં મુકવામાં આવ્યું છે. ગીત દરેક રીતે અદ્ભૂત છે. આદિત્ય ગઢવીનો કંઠ, ગીતની સિનેમેટોગ્રાફી અને જે રીતે તેને રજૂ કરવામાં આવ્યું છે, દરેક પાસામાં કમાલ કરવામાં આવી છે. ગીતમાં કચ્છની સંસ્કૃતિની તમને ઝલક જોવા મળશે.

આ પણ વાંચોઃ લોકગાયક આદિત્ય ગઢવીઃ જેઓ આગળ વધારી રહ્યા છે ગુજરાતી લોકગાયકીનો વારસો

લાંબા સમય બાદ ગુજરાતની સંસ્કૃતિના ધબકારના ઉજાગર કરતું ગીત રીલિઝ થયું છે. ગીત રિલીઝ થતાની સાથે જ લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર કમેન્ટ કરીને લોકો ગીતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

aditya gadhvi gujarati film