બિગ બૉસમાં ગૌરવ ખન્ના ૩+ કરોડ રૂપિયા કમાયો

09 December, 2025 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ 19’ની મોટી જીત પછી ગૌરવ ખન્નાએ સોશ્યલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શૅર કરી જેમાં તેણે ‘બિગ બૉસ 19’ની વિનિંગ ટ્રોફી સાથેની તસવીર પોસ્ટ કરી છે

ગૌરવ ખન્નાને વિજેતા તરીકે ટ્રોફી સાથે ૫૦ લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી છે

‘અનુપમા’માં અનુજ કાપડિયાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ટીવી-ઍક્ટર ગૌરવ ખન્ના રવિવારે રિયલિટી શો ‘બિગ બૉસ 19’નો ગ્રૅન્ડ ફિનાલે જીતીને આ સીઝનનો વિજેતા બની ગયો છે, જ્યારે ફરહાના ભટ્ટને રનર-અપ જાહેર કરવામાં આવી છે. ‘બિગ બૉસ 19’ની ગ્રૅન્ડ ફિનાલે જીતવા બદલ ગૌરવને બિગ બૉસની ટ્રોફી સાથે ૫૦ લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું છે. રવિવારે યોજાયેલી ગ્રૅન્ડ ફિનાલેમાં કાર્તિક આર્યન, અનન્યા પાંડે, અરમાન મલિક અને કરણ કુન્દ્રા જેવા ઘણા સ્ટાર્સ પહોંચ્યાં હતાં.

ગૌરવ ખન્નાને વિજેતા તરીકે ટ્રોફી સાથે ૫૦ લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી છે, પરંતુ ૧૫ અઠવાડિયાંમાં તેણે પ્રાઇઝ મનીથી લગભગ છગણી લગભગ ૩.૧૨ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. ગૌરવને શો માટે પ્રતિ અઠવાડિયે અંદાજે ૧૭.૫ લાખ રૂપિયાની ફી મળી રહી હતી. તે આ શોનો સૌથી વધુ ફી લેનારો સ્પર્ધક હતો અને ગ્રૅન્ડ ફિનાલે સુધી તેની કુલ ફી લગભગ ૨.૬૨ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આમાં વિજેતાની ૫૦ લાખ રૂપિયાની પ્રાઇઝ મની ઉમેરીએ તો કુલ રકમ ૩.૧૨ કરોડ રૂપિયા થાય છે. આમ ‘બિગ બૉસ 19’માંથી કરોડોની કમાણી કરી છે.

‘બિગ બૉસ 19’ની મોટી જીત પછી ગૌરવ ખન્નાએ સોશ્યલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શૅર કરી જેમાં તેણે ‘બિગ બૉસ 19’ની વિનિંગ ટ્રોફી સાથેની તસવીર પોસ્ટ કરી છે. આ સિવાય એક બીજી તસવીરમાં તે પત્ની આકાંક્ષા ચમોલા સાથે દેખાઈ રહ્યો છે.

ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન સ્ટેજ પર રડી પડ્યો

‘બિગ બૉસ 19’ની ગ્રૅન્ડ ફિનાલે દરમ્યાન સલમાન ખાન દિવંગત ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થઈ ગયો હતો. આ શોમાં ધર્મેન્દ્રના જૂના વિડિયો બતાવવામાં આવ્યા જેને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયાં. સલમાને જણાવ્યું કે ધર્મેન્દ્રનું નિધન તેના પિતા સલીમ ખાનના જન્મદિવસ પર ૨૪ નવેમ્બરે થયું હતું. સલમાને વિશેષ યાદ કરીને કહ્યું કે ધર્મેન્દ્ર અને તેની મમ્મી સલમા ખાન બન્નેનો જન્મદિવસ ૮ ડિસેમ્બરે એકસાથે આવતો હતો.

gaurav khanna bigg boss 19 Bigg Boss Salman Khan tv show television news indian television entertainment news