‘બિગ બૉસ 11’ના પ્રિયાંક શર્મા પર થયો હુમલો

05 August, 2022 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે તેની મમ્મીના ચેક-અપ માટે હૉસ્પિટલ ગયો હતો. એ વખતે તેના ડૅડી પણ સાથે હતા

પ્રિયાંક શર્મા

‘બિગ બૉસ 11’માં જોવા મળેલા પ્રિયાંક શર્મા પર ગાઝિયાબાદની હૉસ્પિટલમાં તાજેતરમાં જ અજાણ્યા માણસે હુમલો કર્યો હતો. તે તેની મમ્મીના ચેક-અપ માટે હૉસ્પિટલ ગયો હતો. એ વખતે તેના ડૅડી પણ સાથે હતા. આ ઘટનાની પોલીસ-ફરિયાદ કરાયા બાદ આ દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. હૉસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે અચાનક એક વ્યક્તિએ આવીને તેના પર હુમલો કરવાની સાથે તેની સાથે મારપીટ પણ કરી હતી. એ વિશે વિસ્તારમાં પ્રિયાંકે કહ્યું કે ‘મેં તેનો હાથ પકડીને તેને પાછળ ધકેલ્યો. એ વખતે ખૂબ ભીડ હતી. હૉસ્પિટલ ઍડ્મિનિસ્ટ્રેશનના બે માણસોએ આવીને મારો બચાવ કર્યો અને હું તેમનો આભારી છું. મારા પર હુમલો કરનાર ભાગી ગયો હતો. એ ખૂબ જ ડરામણી સ્થિતિ હતી.’

ભારતીય દંડસંહિતાની ૩૨૩ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હૉસ્પિટલ પાસે સીસીટીવી ફુટેજ માગવામાં આવ્યું હતું, પરંતુ સિક્યૉરિટી ગાર્ડે એ આપવાની ના પાડી દીધી છે. પ્રિયાંકને થોડી ઈજા થઈ છે. તેને સમજાતું નથી કે કોઈએ તેના પર કયાં કારણોસર હુમલો કર્યો છે. એ વિશે પ્રિયાંકે કહ્યું કે ‘હું જલદી જ સ્વસ્થ થઈ જઈશ. જોકે મને જાણ નથી કે એ કોણ હતું અને તેને મારા પાસેથી શું જોઈતું હતું.’

entertainment news television news colors tv bigg boss 11 Bigg Boss ghaziabad