'ભાભીજી ઘર પર હૈ!'નું શૂટિંગ ફરીથી શરૂ થવાથી ઍક્ટર્સમાં છવાઈ ગઈ ખુશી

29 June, 2020 08:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'ભાભીજી ઘર પર હૈ!'નું શૂટિંગ ફરીથી શરૂ થવાથી ઍક્ટર્સમાં છવાઈ ગઈ ખુશી

‘ભાભીજી ઘર પર હૈ!’નું શૂટિંગ ઘણા મહિનાઓ બાદ શરૂ થતાં તમામ ઍક્ટર્સ ખુશ થયા છે. જોકે સેટ પર સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં વિભૂતિનું પાત્ર ભજવનાર આસિફ શેખે કહ્યું હતું કે ‘સેટ પર લાંબા ગૅપ બાદ પાછા ફરવું સારું લાગી રહ્યું છે. શૂટિંગ શરૂ થાય એની હું રાહ જોઈ રહ્યો હતો. સેટ પર આવીને ખુશી થઈ છે. અમે એકબીજાને ડિસ્ટન્ટ રાખીને હેલો અને નમસ્તે કહ્યું હતું. સેટ પર પહોંચતાં જ અમારી બૉડીનું ટેમ્પરેચર અને ઑક્સિજન મૉનિટર કરવામાં આવ્યા હતા. અમે બધાએ માસ્ક પહેર્યા હતા અને કૅમેરા સામે આવતાં જ માસ્ક ઉતાર્યા હતા. શૂટિંગની શરૂઆત ગણપતિજીની આરતી સાથે કરવામાં આવી હતી. અમે બધાએ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કર્યું હતું.’

શોમાં અંગૂરીભાભીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રેએ કહ્યું હતું કે ‘સેટ પર પાછી ફરીને હું ખૂબ ઉત્સાહિત છું. ફ્રેશ એપિસોડને લઈને પણ ઉત્સુક છું. શરૂઆતમાં સેટ પર ટેક્નિશ્યન્સ, સ્પૉટ દાદા અને ક્રૂ સાથે દરરોજ સવારે હાજર રહેતાં હતાં. જોકે હવે ખૂબ ઓછા લોકો હતા. અમારી મૉડર્ન કૉલોની પણ અલગ દેખાતી હતી.’

entertainment news indian television television news