03 August, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવિકા ગોર
કલાકારો સામાન્ય રીતે પોતાની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવતા હોય છે. જોકે દરેક કલાકારના પોતાના કેટલાક સિદ્ધાંતો અને મર્યાદાઓ પણ હોય છે, જેને તેઓ કોઈ પણ કિંમતે ઓળંગવા તૈયાર નથી હોતા. અવિકા ગોરે પણ હાલમાં પોતાના પ્રોફેશનલ નિયમો અને સિદ્ધાંતો વિશે વાત કરી છે.
પોતાના કામના નિયમો વિશે વાત કરતાં અવિકાએ કહ્યું હતું કે ‘કામના મામલે મેં મારા માટે કોઈ ખાસ પ્રતિબંધ રાખ્યો નથી. હા, મારા કેટલાંક આદર્શ અને મૂલ્યો છે. જેમ કે મેં અનેક વખત ફેરનેસ ક્રીમની જાહેરાત કરવાની ઑફર ઠુકરાવી છે. હું દારૂનો પ્રચાર કરતી નથી અને બેટિંગ ઍપ્સની જાહેરાત પણ કરતી નથી. આવી કેટલીક બાબતો છે જે હું મારાં મૂલ્યો વિરુદ્ધ જઈને ક્યારેય કરવા માગતી નથી. જ્યારે મારી પાસે કોઈ ફિલ્મ આવે છે ત્યારે હું સૌથી પહેલાં એ જોઉં છું કે એમાંથી સમાજમાં કોઈ ખોટો સંદેશ તો નથી જતો. મારી વ્યક્તિગત જિંદગીમાં જે બાબતો મને યોગ્ય લાગતી નથી એ હું કૅમેરા સામે પણ કરવા ઇચ્છતી નથી. દૃશ્યોને લઈને મેં મારા માટે કોઈ ખાસ મર્યાદા નક્કી કરી નથી. જો કોઈ વાર્તામાં મારા પાત્રને ધૂમ્રપાન કરવું પડે અથવા દારૂ પીવો પડે અને એની પાછળ યોગ્ય કારણ હોય તેમ જ એનાં ખરાબ પરિણામો પણ બતાવવામાં આવતાં હોય તો મને એ કરવામાં કોઈ વાંધો નથી.’