Exclusive: હેં? અનુપમાની સ્ક્રિપ્ટમાં મામાજી નામનું પાત્ર જ નથી!

21 June, 2022 07:54 PM IST  |  Mumbai | Karan Negandhi

જ્યારે અનુપમા ફેમ ચંદ્રશેખર શુક્લએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ગોષ્ઠિ માંડતા કર્યા અનેક ખુલાસા, જાણો શું-શું કહ્યું

અનુપમામાં મામાજીનું પાત્ર ભજવતા અભિનેતા ચંદ્રશેખર શુક્લ

“આઈ નૉ મને રિમેમ્બર છે”

શું તમને યાદ છે આવું કોણ કહે છે? હા! તમે સાચું ધાર્યું છે. ટેલિવિઝન સિરિયલ ‘અનુપમા’માં મામાજી તરીકે લોકપ્રિય એવા ચંદ્રશેખર શુક્લ જ આવું બોલતાં હોય છે જે તમે સિરિયલમાં ઘણીવાર સાંભળ્યું હશે. તમને જાણીને નવાઈ લાગશે કે સિરિયલમાં ‘મામાજી’, ‘મામાબડી’, ‘યાદોં કી બારાત’ અને ‘ભઈલું’ જેવા સંબોધનથી ઓળખાતું આ પાત્ર અનુપમા સિરિયલની ઓરિજનલ સ્ક્રિપ્ટમાં છે જ નહીં.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ મુલાકાત દરમિયાન અભિનેતા ચંદ્રશેખર શુક્લએ આ વાતનો ખુલાસો કર્યો હતો. હકીકતે વાત એમ છે કે કોરોના મહામારી દરમિયાન મુંબઈમાં 60 વર્ષથી વધુ વયના એક્ટર્સને શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી, તેથી શૉમાં બાપુજીનું પાત્ર ભજવતા અરવિંદ વૈદ્ય તે સમયે શૂટિંગ કરી શક્યા ન હતા. આ દરમિયાન મેકર્સને ઑનસ્ક્રીન પરિવારમાં કોઈક વડીલબંધુની જરૂર જણાઈ હતી. તેથી ચેનલ સાથે વાતચીત બાદ મામાજીનું પાત્ર વાર્તામાં ઉમેરવામાં આવ્યું હતું.

ચંદ્રશેખર શુક્લએ કહ્યું કે, “કોરોના કાળમાં જ્યારે બધાંનું કામ અટકી ગયું હતું ત્યારે મને મેં શૉના પ્રોડ્યુસર રાજન શાહીનો ફોન આવ્યો હતો અને મને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. મેં રાજન સાથે અગાઉ પણ કામ કર્યું હતું, જ્યારે તેઓ એક સિરિયલ ડિરેક્ટ કરી રહ્યા હતા.”

અભિનેતાએ જણાવ્યું કે શરૂઆતમાં આ પાત્ર ટૂંક સમય માટે જ ઉમેરવામાં આવ્યું હતું પણ પાત્રને મળતા પ્રેમને જોઈને મેકર્સે આ પાત્રને વધારે સમય માટે ઑનસ્ક્રીન રાખવાનું નક્કી કર્યું. જો કે પછીથી આ પાત્ર એટલી સરળતાથી લોકપ્રિય બની ગયું કે પછીથી આ કેરેક્ટર કાયમી ધોરણે શૉનો ભાગ બન્યો.

નોંધનીય છે કે અનુપમા સિરિયલ મરાઠી અને બંગાળી ભાષામાં પણ પ્રસારિત થાય છે, જેની વાર્તામાં પણ મામાજીનું પાત્ર નથી.

entertainment news television news