'પ્રતિજ્ઞા' ફૅમ અભિનેતા અનુપમ શ્યામ આઈસીયુમાં, પણ સારવાર માટે નથી પૈસા

28 July, 2020 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'પ્રતિજ્ઞા' ફૅમ અભિનેતા અનુપમ શ્યામ આઈસીયુમાં, પણ સારવાર માટે નથી પૈસા

અનુપમ શ્યામ

ટેલિવિઝન સિરિયલ ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’માં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવીને ઘરઘરમાં લોકપ્રિય થનાર અભિનેતા અનુપમ શ્યામ (Anupam Shyam) અત્યારે શારિરીક અને આર્થિક મુશ્કેલીથી પિડાઈ રહ્યાં છે. અભિનેતા અત્યારે હૉસ્પિટલમાં આઈસીયુમાં છે પણ તેમની પાસે સારવાર કરાવવાના પૈસા નથી. અભિનેતા ગોરેગાંવ સ્થિત લાઈફલાઈન કૅર હોસ્પિટલમાં દાખલ છે. 27 જૂલાઈના રોજ તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર માટે પૈસા ન હોવાથી તેમણે આમિર ખાન (Aamir Khan) અને સોનુ સૂદ (Sonu Sood) પાસે મદદ માગી છે.

અનુપમ શ્યામ ગોરેગાંવની હૉસ્પિટલમાં દાખલ થયા હોવાના સમાચાર પત્રકાર-ફિલ્મમેકર એસ રામચંદ્રને ટ્વીટ કરીને આપ્યા હતાં. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'અભિનેતા અનુપમ શ્યામ ICUમાં દાખલ છે. આમિર ખાન, સોનુ સૂદ તમને વિનંતી છે કે મદદ કરો.'

આ ટ્વીટ પર મનોજ બાજપાઇએ મદદ કરવાની વાત કરી હતી અને પરિવારને એક લાખ રૂપિયાની મદદ મોકલાવી હતી.

એક પોર્ટલને આપેલી મુલાકાતમાં અભિનેતના અનુપમ શ્યામના નાના ભાઈ અનુરાગે કહ્યું હતું કે, અનુપમને છેલ્લા એક વર્ષથી કિડનીની બીમારી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ મુંબઈમાં છે પરંતુ તેમની પાસે કોઈ બચત નથી. છેલ્લાં બે-ત્રણ વર્ષથી તેમને કામ પણ મળતું નથી. તેઓ કામ કરવા માગે છે પરંતુ તેમને કામ મળતું નથી. આ દરમિયાન તેમને કિડનીની બીમારી થઈ હતી. એક વર્ષ પહેલા તેમની કિડની ખરાબ થઈ ગઈ હોવાની જાણ થઈ હતી અને ડાયાલિસિસ કરાવવાનું શરૂ કર્યું હતું. જોકે, આર્થિક તંગીને કારણે તેમણે ડાયાલિસિસ બંધ કરી દીધું હતું. ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવાની વાત કરી હતી પરંતુ તેમની પાસે પૈસા ના હોવાથી તે ટ્રાન્સપ્લાન્ટ કરાવી શક્યા નહીં

વધુમાં અનુરાગે કહ્યું હતું કે, એક્ટિંગ કરિયર માટે ભાઈ વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા. તેમણે બહુ જ કામ કર્યું પરંતુ બચત થઈ શકી નહીં. મુંબઈમાં તેમનું પોતાનું ઘર નથી. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. હું, મારી પત્ની અને મારો છ વર્ષનો દીકરો તેમની સાથે રહીએ છીએ. થોડાં વર્ષો મેં પણ થિયેટરમાં કામ કર્યું હતું પરંતુ તેમાં પૈસા બહુ મળતા નહોતા એટલે પછી મેં હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં અમારી આર્થિક સ્થિતિ સારી નથી એટલે અમે મદદ માંગીએ છીએ.

અનુપમ શ્યામ લખનઉની ભારતેંદુ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. અહીંયા તેમણે 1983-85 સુધી એક્ટિંગની ટ્રેનિંગ લીધી હતી. વર્ષ 2011માં તેઓ અણ્ણા હઝારે આંદોલનનું સમર્થન પણ કર્યું હતું. અનુપમ શ્યામે લગ્ન કર્યાં નથી અને નાના ભાઈ સાથે મુંબઈમાં જ રહે છે. અનુપમે ‘સરદારી બેગમ’, ‘દુશ્મન’, ‘કચ્ચે ધાગે’, ‘પરઝાનિયા’, ‘ગોલમાલ’, ‘સ્લમડોગ મિલિયોનર’, ‘મુન્ના માઈકલ’, ‘લજ્જા’, ‘નાયક’, ‘શક્તિઃ ધ પાવર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ટીવી પર તેઓ છેલ્લે સિરિયલ ‘કૃષ્ણા ચલી લંડન’માં જોવા મળ્યા હતા.

entertainment news indian television television news