અભિનેતા અલી અસગરે શૅર કરી રસપ્રદ અને અજાણી વાતો

09 October, 2019 12:26 PM IST  |  મુંબઈ

અભિનેતા અલી અસગરે શૅર કરી રસપ્રદ અને અજાણી વાતો

અલી અસગર

ઝી ટીવી તથા ઝી ગ્રુપના વેબ-પ્લૅટફૉર્મ ‘ઝી ફાઇવ’ પર શરૂ થયેલા ‘મૂવી મસ્તી વિથ મનીષ પૉલ’માં અલી અસગર ફરી દાદીના ગેટઅપમાં આવી ગયો છે. આ વખતે શોમાં તેનું નામ ‘સિને મા’ રાખવામાં આવ્યું છે. અલીએ ‘મિડ-ડે’ સાથે તેના કપિલ શર્મા શો દરમ્યાનના તથા કરીઅરની શરૂઆતના અમુક રસપ્રદ કિસ્સા શૅર કર્યા જે અહીં રજૂ કર્યા છે.

કપિલ શર્માના શોમાં અમિતાભ બચ્ચનની પપ્પી લેવાની ના પાડવામાં આવી હતી

‘કહાની ઘર ઘર કી’ સિરિયલમાં કમલના પાત્ર દ્વારા ઘર-ઘરમાં જાણીતા થયેલા અલી અસગરે કપિલ શર્મા શોના એક એપિસોડની વાત કરી, જેમાં મહાનાયક અમિતાભ બચ્ચન તેમની ફિલ્મના પ્રમોશન માટે આવવાના હતા. ચૅનલ દ્વારા દરેક કલાકારને ડુઝ ઍન્ડ ડોન્ટ (શું કરવું અને શું ન કરવું)નું લિસ્ટ આપી દેવામાં આવ્યું હતું. અલી અસગર કહે છે, ‘એમાં સૌથી વધારે ‘ડોન્ટ’ મારા ફાળે હતા. મારું પાત્ર જે કરતું એમાંથી મોટા ભાગની બાબતો માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. કોઈકે તો પૂછી પણ લીધું હતું કે અલીભાઈ આ એપિસોડમાં છે કે નહીં? અમે પછી એવું નક્કી કર્યું કે મારી એટલે કે દાદીની એન્ટ્રી સૌથી છેલ્લી રાખવાની, જેથી કંઈ લોચો થાય તો વાંધો ન આવે! તો મેં ‘હમ’ની કિમી કાટકર જેવી વેશભૂષામાં એન્ટ્રી મારી, ‘જુમ્મા ચુમ્મા’ ગીત પર ડાન્સ કર્યો અને મને બીજું કંઈ કરવાની ના પાડવામાં આવી હતી એટલે મેં તેમના પગે માથું ઢાળી દીધું અને કહ્યું કે આજ સુધી આ સ્ટેજ પર મેં કોઈ પાસે કશું માગ્યું નથી, સીધું છીનવ્યું જ છે, તમારી પાસે માગી રહી છું...’ આટલું બોલું ત્યાં તો બચ્ચનસાહેબે જ સામેથી મારી પપ્પી લઈ લીધી. બસ, આ ઍક્ટ પછી મારા તમામ ‘ડોન્ટ્સ’ ઊડી ગયા અને જે સ્ક્રિપ્ટમાં નહોતું એ બધું જ અમે કર્યું.

મેહમૂદસાહેબની ફિલ્મ માટે ભણવાનું મૂકી દીધું હતું

અલી અસગર નાનપણથી મૂવી બ્લફ રહ્યો છે. તે કહે છે, ‘મેં મેહમૂદસાહેબને મારા આદર્શ માન્યા છે. મને યાદ છે કે મારે બીએની એક્ઝામ માથે હતી અને દૂરદર્શન પર ‘નીલકમલ’ ફિલ્મ આવતી હતી. મેં ભણવાનું મૂકીને એ ફિલ્મ જોઈ હતી. મારી પાસે આજે પણ જૂની ક્લાસિક ફિલ્મોની ડીવીડીનું સમૃદ્ધ કલેક્શન છે. જ્યારે મેહમૂદસાહેબે તેમના દીકરા માટે ‘દુશ્મન દુનિયા કા’ ફિલ્મ બનાવી હતી એમાં મને નેગેટિવ રોલ ઑફર કર્યો હતો ત્યારે તેમની સાથે કામ કરવાનું મારું સપનું પૂરું થયું હતું. એ ૧૫થી ૨૦ દિવસ હું તેમને જ જોયા કરતો હતો.

‘ઇત્તુ સા થા...’ મારા પપ્પાનો તકિયાકલામ હતો

‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા’ની લોકપ્રિયતાનું એક કારણ અલી અસગર પણ હતો. તેનો ડાન્સ અને ડાયલૉગ પણ ખાસ્સા જાણીતા થયા હતા. તે વારંવાર એક ડાયલૉગ બોલતો ‘ઇત્તુ સા થા...’

એ ખરેખર તેના પિતા પાસેથી તેણે લીધો હતો. અલી કહે છે કે ‘અમારી ઈરાની હોટેલ હતી. મારા પપ્પા ત્યાં બેસતા. તેઓ વારંવાર ત્યાં કામ કરતા છોકરાઓ હોશિયારી મારે (શાણા બને!) ત્યારે તેમને કહેતા કે, ઇત્તુ સા હૈ ઔર ઇતની હોશિયારી? આ ડાયલૉગ મને સાંભળી-સાંભળીને ગોખાઈ ગયો હતો. એક દિવસ સેટ પર મોંમાંથી આ વાક્ય નીકળી ગયું અને એના ઉપયોગ પછી અમે લાઇવ-શોમાં પણ કર્યો. એ ડાયલૉગ સ્ક્રિપ્ટમાં નહોતો.’

આ પણ વાંચો : વિક્રમ ભટ્ટની નૅકેડમાં તિથિ રાજ ફાઇનલ

અલી કહે છે કે ‘એ જ રીતે પપ્પી પણ સ્ક્રિપ્ટમાં નહોતી અને મારા ડાન્સનું એકમાત્ર સ્ટેપ પણ મેં વર્ષો પહેલાં એક કૉમ્પિટિશન દરમ્યાન શીખ્યો હતો, જે અનાયાસ શો દરમ્યાન નીકળી ગયું હતું!’

ali asgar television news tv show