ઓરિજિનલ સ્ટોરીથી દૂર ભાગતી અંગ્રેઝી મીડિયમ

13 March, 2020 02:27 PM IST  |  Mumbai Desk | Harsh Desai

ઓરિજિનલ સ્ટોરીથી દૂર ભાગતી અંગ્રેઝી મીડિયમ

ઇરફાન ખાન

૨૦૧૭માં આવેલી ‘હિન્દી મીડિયમ’ બાદ આજે ‘અંગ્રેઝી મીડિયમ’ રિલીઝ થઈ રહી છે. દિનેશ વિજન દ્વારા બન્ને ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી હતી. સુપરહિટ ‘હિન્દી મીડિયમ’ને સકેત ચૌધરીએ ડિરેક્ટ કરી હતી, પરંતુ ‘અંગ્રેઝી મીડિયમ’ને હોમી અડાજણિયાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેના ડિરેક્શનની ઝલક જોવા મળે છે.

ફિલ્મની સ્ટોરી ઉદયપુરના ચંપક બંસલ એટલે કે ઇરફાન અને તેની દીકરી તારિકા બંસલ એટલે કે તારુ એટલે કે રાધિકા મદનની છે. ચંપક બંસલ વર્ષોથી ‘ઘસીટેરામ’ મીઠાઈવાલાની દુકાન ચલાવે છે. તેનો ભાઈ ગોપી એટલે કે દીપક ડોબરિયાલ પણ ‘ઘસીટેરામ’ મીઠાઈવાલાની દુકાન ચલાવતો હોય છે. તેમની વચ્ચે કોણ ઓરિજિનલ ‘ઘસીટેરામ’ છે એને લઈને કોર્ટકેસ ચાલતો હોય છે. આ તમામની વચ્ચે તારુ તેના અભ્યાસ માટે લંડન ટ્રુફોર્ડ યુનિવર્સિટીમાં જવા માટે જીદ પકડે છે. ચંપક તેની લાઇફમાં હંમેશાં કન્ફ્યુઝ્ડ હોય છે, પરંતુ દીકરીની વાત આવે ત્યારે તેને કોઈ કન્ફ્યુઝન નથી હોતું. તે દીકરીના બોલને તરત જ ઝડપી લે છે અને એ પૂરા કરવા માટે કંઈ પણ કરે છે. લંડન જવાની જીદને પણ તે પૂરી કરવા માટે દિવસ-રાત એક કરી નાખે છે. અહીં ઇન્ટરવલ પડે છે અને ત્યાં સુધી દીકરી અને પિતાની સ્ટોરીને ખૂબ સારી રીતે દેખાડવામાં આવી છે.

ઇન્ટરવલ બાદની સ્ટોરી લંડનમાં છે, જ્યાં દીકરી તેની ફ્રીડમને મહત્ત્વ આપતાં તેના પિતાથી દૂર થાય છે. અહીં સ્ટોરી થોડી ડ્રામૅટિક ટર્ન લેતાં એમાં થોડો ઘણો મેલોડ્રામા પણ જોવા મળે છે તેમ જ સેકન્ડ હાફમાં ઘણા સબ-પ્લૉટ રાખ્યા હોવાથી ફિલ્મની ઓરિજિનલ સ્ટોરી શું છે એનાથી ભટકતી જોવા મળે છે. હોમી અડજણિયાના ડિરેક્શનમાં ઇરફાન અને દીપક જેવા ટૅલન્ટેડ ઍક્ટર્સ વચ્ચે કરીના કપૂર ખાન અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટાર્સને કારણે સ્ટોરી પાટા પરથી ઊતરતી જોવા મળે છે. સ્ટોરી સારી હતી, પરંતુ સેકન્ડ હાફમાં એના પર વધુ કામ કરવાની જરૂર હતી. કરીના અને ડિમ્પલ કાપડિયા દીકરી અને મમ્મી હોય છે, પરંતુ તેઓ કેમ એકમેકથી દૂર રહે છે અને તેમના સંબંધો કેમ વણસી ગયા છે એને ફક્ત એક લાઇનમાં કહી દેવામાં આવ્યું છે, પરંતુ એને સારી રીતે દેખાડવાની જરૂર હતી તેમ જ રણવીર શૌરી એક શોડી બિઝનેસમૅન હોય છે. આ પાત્ર પણ જરૂરિયાત વગરનું હતું અને એને કમ્પ્લીટલી અવૉઇડ કરી શકાયું હોત. જોકે આ પાત્ર દ્વારા હોમી અડજણિયા એક મેસેજ આપવા ગયો છે કે વિદેશમાં ગયેલી વ્યક્તિ ફરી સ્વદેશ આવે તો સોસાયટી સામે તેનું નાક કપાઈ જાય છે. આ મેસેજ આપવાના ચક્કરમાં ‘અંગ્રેઝી મીડિયમ’નો જે મેસેજ હતો એ થોડો ભટકી ગયો છે.

ન્યુરોએન્ડોક્રાઇનની બીમારી બાદ ઇરફાને આ ફિલ્મ દ્વારા કમબૅક કર્યું છે. તેની ઍક્ટિંગ લાજવાબ છે. આ ફિલ્મને તે એકલો પોતાના ખભા પર ઊંચકીને ચાલ્યો છે. જો ફિલ્મમાંથી ઇરફાનને કાઢી નાખવામાં આવે તો ફિલ્મમાં કોઈ દમ નહીં રહે. દીપક ડોબરિયાલે પણ શરૂઆતમાં ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ તે જેવો લંડન જાય છે ત્યારે તેની પાસે કોઈ કામ કરવાનું નથી રહેતું. પંકજ ત્રિપાઠી એક-બે દૃશ્ય માટે આવીને હસાવી જાય છે, પરંતુ તેના જેવા ઍક્ટરને વેડફી નાખવામાં આવ્યો છે. આ સાથે જ કરીનાને પણ વેડફી નાખવામાં આવી છે. ફિલ્મમાં તેનાં નામ પૂરતાં દૃશ્યો છે અને આ પાત્ર પણ એટલું મહત્ત્વનું નથી દેખાતું જે કરીના જ ભજવી શકે. હોમીએ સ્ટારપાવરનો ઉપયોગ કરવા માટે કરીનાનો સમાવેશ કર્યો હોય એ દેખાઈ આવે છે તેમ જ ઍક્ટર અને સ્ટાર વચ્ચેનો અંતર પણ હોમીની ફિલ્મમાં દેખાઈ આવે છે. ‘પટાખા’ અને ‘મર્દ કો દર્દ નહીં હોતા’ જેવી ફિલ્મોમાં કામ કરનાર રાધિકા મદન આ ફિલ્મમાં ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. સ્કૂલમાં ભણતી છોકરીની ઍક્ટિંગ તે જબરદસ્તી કરતી હોય એવું લાગે છે. તેની ડાયલૉગ-ડિલિવરી પણ થોડી વિચિત્ર લાગે છે, જાણે કોઈ તેની પાસે જબરદસ્તી બોલાવી રહ્યું હોય એવું લાગે.

ફિલ્મમાં મ્યુઝિકે પણ ખાસ કોઈ ભાગ નથી ભજવ્યો. પ્રમોશનલ સૉન્ગ ‘કુડીનું નચને દે’ સારું છે તેમ જ રેખા ભારદ્વાજ અને સચિન-જિગરનું ‘લાડકી’ ગીત સારું છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ એટલો દમ નથી.

આખરી સલામ
‘હિન્દી મીડિયમ’ જેવી ફિલ્મ તો દૂરની વાત, ગીત પણ એ સ્ટાન્ડર્ડનાં નથી. જોકે ઇરફાનને જોવાનો લહાવો છે.

harsh desai movie review bollywood movie review irrfan khan kareena kapoor bollywood bollywood news