લાલચ બુરી બલા હૈ

14 June, 2020 01:46 PM IST  |  Mumbai | Harsh Desai

લાલચ બુરી બલા હૈ

શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’ને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી છે. બૉલીવુડની આ પહેલી ફિલ્મ છે જેને ઑનલાઇન રિલીઝ કરવામાં આવી છે તેમ જ અમિતાબ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી પહેલી મેઇન સ્ટ્રીમ ફિલ્મ છે. આ ફિલ્મને ડિરેક્ટ શૂજિત સરકારે કરી છે; તો એની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ જુહી ચતુર્વેદીએ લખ્યાં છે. તેમની જોડીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પરંતુ આ ફિલ્મમાં લેખનનું કામ ફક્ત જુહીએ કર્યું છે. એની પૂરેપૂરી અસર ફિલ્મ પર જોઈ શકાય છે.

મનોરંજક રીતે મેસેજ આપવામાં નિષ્ફળ રહેલી વાર્તા

આ ફિલ્મની સ્ટોરી એક મકાનમાલિક મિર્ઝા એટલે અમિતાભ બચ્ચન અને તેમના ઘરમાં રહેતા ભાડૂત બાંકે રસ્તોગી એટલે આયુષ્માન ખુરાનાની આસપાસ ફરે છે. મિર્ઝા એકદમ લાલચુ હોય છે અને તેઓ તેમની ફાતિમા હવેલીમાં રહેતા લોકોના ઘરના બલ્બ અને સાઇકલની ઘંટી ચોરીને વેચી દઈને પૈસા બનાવતા હોય છે. એ ઉપરાંત તેઓ રસ્તા પર કઠપૂતળી ‘ગુલાબો સિતાબો’ના નાટક દ્વારા પૈસા બનાવતા હોય છે. આ ‘ગુલાબો સિતાબો’ દ્વારા શૂજિત સરકારે અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાના પાત્ર વચ્ચે કેવા સંબંધ છે એ દેખાડવાની કોશિશ કરી છે. તેમની વચ્ચે હંમેશાં ઝઘડો થતો રહે છે. મિર્ઝાને પૈસાની સાથે તેની પત્ની ફાતિમા બેગમની હવેલી પોતાના નામે કરવાની લાલચ હોય છે એથી તે તેની ૯૫ વર્ષની પત્નીના મૃત્યુની રાહ જોતો હોય છે. બીજી તરફ આયુષ્માન તેના ઘરના ભાડા પેટે ફક્ત ૩૦ રૂપિયા આપતો હોય છે અને એ પણ તે છેલ્લા ઘણા મહિનાથી નથી ચૂકવતો. લગભગ ૧૦૦ વર્ષ જૂની ફાતિમા હવેલીમાં ઘણા પરિવાર ભાડે રહેતા હોય છે અને તેઓ ૩૦થી ૭૦ રૂપિયા ભાડું ચૂકવતા હોય છે. આ તમામ વચ્ચે પુરાતત્ત્વ વિભાગના ઑફિસર જ્ઞાનેશ શુક્લા એટલે કે વિજય રાઝની એન્ટ્રી થાય છે. તેઓ આ હવેલીને હેરિટેજ બનાવીને      મ્યુઝિયમ   બનાવવા       માગતા હોય છે, તો બીજી તરફ વકીલ ક્રિસ્ટોફર એટલે કે બિજેન્દ્ર કાલાની મદદથી મિર્ઝા હવેલી વેચીને પૈસા ઊભા કરવા માગતો હોય છે. આ તમામ તૂતૂમૈંમૈંની સાથે ફિલ્મની સ્ટોરી ઢચુપચુ કરતી આગળ વધે છે.

ડિરેક્શન, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ

સ્ક્રીનપ્લે અને ડાયલૉગ જુહી ચતુર્વેદીનાં છે. એક રીતે તેણે સારો મેસેજ આપવાની કોશિશ કરી છે, પરંતુ ફિલ્મ એટલી એન્ટરટેઇનિંગ નથી બની શકી. ડાયલૉગ પણ જોઈએ એટલા અસરકારક કે દમદાર નથી. મિર્ઝા અને બાંકેને આસપાસના દરેક લોકો ઓળખતા હોય છે, પરંતુ તેમની સ્ટોરીને ફિલ્મમાં જરાય દેખાડવામાં નથી આવી. હવેલી વેચવાની અને સરકાર દ્વારા એને પચાવી પાડવાની વાત ચાલતી હોય ત્યારે હવેલીની આસપાસ રહેતા લોકોને એની કશી પડી જ ન હોય એ થોડું વિચિત્ર લાગે છે. શૂજિત સરકારે તેનું કામ સારી રીતે કર્યું છે, પરંતુ સ્ટોરીમાં દમ ન હોવાથી ફિલ્મમાં તેનો ટચ થોડો ફિક્કો લાગે છે. ‘વિકી ડોનર’, ‘મદ્રાસ કાફે’ અને ‘પીકુ’ જેવી ફિલ્મો આપનાર શૂજિત સરકાર પાસે આવી ફિલ્મોની આશા નહોતી. ફિલ્મમાં લાલચ ન રાખવી એ મેસેજ આપવામાં આવ્યો છે, પરંતુ ઇમોશન્સના નામે ઝીરો છે. આ ફિલ્મમાં કોઈ ડાયલૉગ સાંભળીને હસવું પણ નથી આવતું તો કોઈનું ઘર જવાનું હોય એ જોઈને દુઃખ પણ નથી થતું. શૂજિતે લખનઉના બૅકડ્રૉપનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો છે એ ફિલ્મમાં જોઈ શકાય છે. મિર્ઝા અને બાંકે વચ્ચે ટૉમ ઍન્ડ જેરીની જેમ ઝઘડો થાય છે, પરંતુ એ ફિક્કી કેરી જેવો સાવ નિરસ છે. દર્શકો ફિલ્મની સાથે કનેક્ટ થઈ શકે એવું કોઈ પાસું ફિલ્મમાં નથી દેખાતું.

77 નૉટઆઉટ

અમિતાભ બચ્ચન ૭૭ વર્ષના છે અને તેમને ૭૮મું વર્ષ ચાલી રહ્યું છે. આ ઉંમરે પણ તેમની ઍક્ટિંગ ગજબની છે. આ ફિલ્મમાં તેમની ચાલવાની-બોલવાની સ્ટાઇલ અને તેમનો અંદાજ એકદમ અલગ છે. મિર્ઝાના પાત્રમાં તેઓ નંબર-વન લાગે છે, પરંતુ એ માટેની થોડી ક્રેડિટ તેમના પ્રોસ્થેટિક લૂકને પણ આપવી રહી. અમિતાભ બચ્ચનની ઍક્ટિંગને આયુષ્માન ખુરાનાએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે. એક સામાન્ય અને લાલચુ માણસની ઍક્ટિંગ તેણે ખૂબ સારી રીતે કરી છે. જોકે તે ફિલ્મમાં તોતડું પણ બોલી રહ્યો છે. તે ખરેખર તોતડો હોય એવો પણ અહેસાસ થાય છે. તેમની સાથે વિજય રાઝ અને બિજેન્દ્ર શુક્લાએ પણ ખૂબ સારું કામ કર્યું છે. વિજય રાઝ તેના દાવપેચ ખૂબ સારી રીતે નિભાવતો જોવા મળ્યો છે, તો બિજેન્દ્ર કાલા પણ તેના અત્યાર સુધીના સપોર્ટિંગ રોલ કરતાં આ ફિલ્મમાં ઘણો અલગ જોવા મળ્યો છે.

આખરી સલામ

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ઍક્ટિંગની સાથે બૅકગ્રાઉન્ડ સ્કોર અને લખનઉના બૅકડ્રૉપના વિઝ્‍યુઅલ સિવાય શું સારું છે એ બિલોરી કાચ લઈને શોધવા બેસો તો પણ મળવું મુશ્કેલ છે.

entertainment news bollywood bollywood news bollywood movie review movie review film review amitabh bachchan ayushmann khurrana shoojit sircar harsh desai