ફિલ્મ-રિવ્યુ: સાંડ કી આંખ - નિશાન ચૂકી ગયું

26 October, 2019 12:28 PM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

ફિલ્મ-રિવ્યુ: સાંડ કી આંખ - નિશાન ચૂકી ગયું

‘સાંડ કી આંખ’

તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકરની ગઈ કાલે રિલીઝ થયેલી ‘સાંડ કી આંખ’ એક બાયોપિક છે. ભૂમિની ‘સોનચિરૈયાં’ બાદ અને તાપસીની ‘મિશન મંગલ’ બાદ આ ફિલ્મ રિલીઝ થઈ છે. ‘સાંડ કી આંખ’ શૂટર દાદી તરીકે ઓળખાતી દાદીઓ પર આધારિત છે. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જોહરી ગામની પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરના જીવન પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે. અનુરાગ કશ્યપ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને તુષાર હીરાનંદાનીએ ડિરેક્ટ કરી છે. આ તેનું ડિરેક્ટોરિયલ ડેબ્યુ છે. તેણે અગાઉ ‘મસ્તી’ સિરીઝ અને ‘ધમાલ’ સિરીઝની સ્ટોરી અન્ય રાઇટર્સ સાથે મળીને લખી છે.

ફિલ્મની સ્ટોરી પ્રકાશી અને ચંદ્રો તોમરની લાઇફ પર આધારિત છે. તેઓ શૂટિંગમાં દેશ માટે ઘણા નૅશનલ અને ઇન્ટરનૅશનલ ગોલ્ડ મેડલ જીત્યા છે. આને માટે તેમણે કેવી-કેવી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો એ ફિલ્મમાં દેખાડવાની કોશિશ કરી છે (કોશિશ એટલા માટે કે ફિલ્મને ડિરેક્ટર એટલી સારી રીતે રજૂ નથી કરી શક્યા). ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતા અને એમાં પણ ઘરના મુખિયા દ્વારા મહિલાઓને ક્યારેય માન આપવામાં આવતું ન હોવા છતાં ઘરની સ્ટોરી કહેવામાં આવે ત્યારે એ ઇન્સ્પાયરિંગ હોવી જરૂરી છે. પ્રકાશી અને ચંદ્રો તોમર દુનિયા માટે પ્રેરણાત્મક છે, પરંતુ ફિલ્મ જોયા બાદ તમને એ પ્રેરણાત્મક નથી લાગતી. તાપસીએ ફિલ્મમાં પ્રકાશીનું અને ભૂમિએ ચંદ્રો તોમરનું પાત્ર ભજવ્યું છે. તેઓ બાયચાન્સ શૂટિંગમાં આવે છે અને એ સ્પોર્ટ્સમાં રસ દાખવે છે. ઘરથી કેવી રીતે છુપાઈને આ સ્પોર્ટ્સમાં તેઓ રસ લે છે એ વિશે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.

તુષાર હીરાનંદાનીએ પહેલી વાર ફિલ્મને ડિરેક્ટ કરી છે, પરંતુ એમાં કંઈ નવું જોવા નથી મળતું. બૉલીવુડની ફિલ્મોનું એક ટિપિકલ ડિરેક્શન અહીં જોવા મળે છે. રિયલ લાઇફ સ્ટોરી ખૂબ જ ઇન્સ્પાયરિંગ હોવા છતાં ફિલ્મ ખૂબ જ ફ્લૅટ બની ગઈ છે. ‘દંગલ’ હોય કે ‘પાન સિંહ તોમાર’ એમાં જ્યારે પણ જૂના સમયની વાત કરવામાં આવી છે ત્યારે સ્ક્રીનપ્લે એ મુજબનું બનાવવામાં આવ્યું છે. જોકે અહીં તો ૧૯૯૯ની વાત કરવા માટે અક્ષયકુમારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેટને જોઈને અને લાઇટિંગ તેમ જ કલર ટોનને જોઈને કહેવું મુશ્કેલ છે કે ફિલ્મમાં કયા સમયની વાત થઈ રહી છે. ઘણાં દૃશ્ય ટુકડે-ટુકડે હોય એવો અહેસાસ થાય છે. બે કલાક અને ૨૯ મિનિટની આ ફિલ્મને ખૂબ જ ખેંચવામાં આવી છે. એડિટિંગ પણ એટલું જ કંગાળ છે.

ડિરેક્શનની સાથે સૌથી મોટો પ્રૉબ્લેમ સ્ક્રિપ્ટનો છે. સ્ક્રિપ્ટમાં પણ એટલો દમ નથી. એવાં ઘણાં દૃશ્યો છે જે જોઈને એવું લાગે કે શું ખરેખર રિયલ લાઇફમાં આવું થયું હશે? બાયોપિક બનાવવા માટે વાસ્તવિકતા દેખાડવી ખૂબ જરૂરી છે, જેની અહીં ઊણપ હતી. ફિલ્મના ડાયલૉગ પર પણ કામ કરવાની જરૂર હતી. પુરુષને ગાળો આપવી કે ફક્ત તેની મજાક ઉડાડતા જોક્સ ઍડ કરવા એ ફેમિનિઝમ નથી. જોકે કેટલીક જગ્યાએ એ સારા પણ લાગે છે. સ્ત્રીસશક્તીકરણને પ્રોત્સાહન આપવા માટે આ ફિલ્મ બનાવી છે, પરંતુ એમાં એ નિષ્ફળ ગઈ છે એમ કહેવું ખોટું નથી.

તાપસી અને ભૂમિને ઘરમાં હંમેશાં ઘૂંઘટ ઓઢીને રાખવાની ફરજ પાડવામાં આવે છે, પરંતુ એમ છતાં તેઓ છુપાઈ-છુપાઈને શૂટિંગ કરે છે. ઘરના મુખિયા એટલે કે તાઉજી એટલે કે રતન સિંહ તોમર એટલે કે પ્રકાશ ઝા મહિલાઓને ઘરનાં કામ માટે નોકરાણી સમજે છે અને રાતે તેઓ ફક્ત સેક્સ માટે ઉપયોગમાં આવતી હોય એવો અભિગમ રાખે છે. જોકે આ દૃશ્ય એટલું ઊભરીને બહાર નથી આવતું જેવું આવવું જોઈએ. પ્રકાશ ઝાએ ખૂબ સારું પાત્ર ભજવ્યું છે. આ પાત્ર જોઈને તેમને ધિક્કારવાનું મન થાય છે, પરંતુ એમ છતાં કેટલીક જગ્યાએ તેઓ કાચા પડે છે અને માટે તેમનું પાત્ર સારી રીતે લખવામાં નથી આવ્યું એ જવાબદાર છે.
ભૂમિ અને તાપસીએ યુવાન અને ૬૦ વર્ષની દાદી બન્નેનું પાત્ર ભજવ્યું છે.

બન્ને ઍક્ટર્સે ઍક્ટિંગ પ્રમાણમાં સારી કરી છે. જોકે ભૂમિ તેની બોલવાની ઢબને ઘણી વાર વધુપડતી ઓવર કરતી જોવા મળી છે. તાપસીએ છેલ્લે સુધી તેની બોલી પર કાબૂ રાખ્યો છે. ૬૦ વર્ષના પાત્ર માટે પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે તાપસીના ચહેરા પર બહુ ફરક જોવા નથી મળતો. તે ૬૦ વર્ષની બિલકુલ નથી લાગતી તેમ જ ઘણાં દૃશ્યમાં તાપસીના વાળ અમુક વાર ખૂબ જ વાઇટ છે તો અમુક વાર કાળા દેખાય છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે તેમ જ તાપસીની ઍક્ટિંગ જોઈને તે ૬૦ વર્ષની ઉંમરની મહિલા છે એ માનવું મુશ્કેલ છે. જોકે દરેક માણસ આમિર ખાન નથી હોતો.

આ પણ વાંચો : દિશા પટણીની ફિલ્મનું નામ KTina

ફિલ્મનાં ગીત એકસરખાં લાગે છે તેમ જ થોડાં મિચમૅચ હોય એવાં લાગે છે. ગીત સાથે બૅકગ્રાઉન્ડ સ્કોર પણ કંગાળ છે. ‘સાંડ કી આંખ’ જ નહીં, પરંતુ ‘મેડ ઇન ચાઇના’ પણ બૅકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને અનુરૂપ નથી. ‘વુમનિયા’ ગીત અનુરાગ કશ્યપની સ્ટાઇલનું છે. આશા ભોસલેનું ‘આસમાન’ ફિલ્મની સ્ટોરી સાથે એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે એ કનેક્ટ નથી થઈ શકતું.

bhumi pednekar taapsee pannu film review movie review bollywood news