Film Review: હ્યુમન ઇમોશન્સથી ભરપૂર ઍક્શન ફિલ્મ

12 November, 2022 12:51 PM IST  |  Mumbai | Harsh Desai

ચૅડ‍્વિક બોઝમૅનને ગજબની ટ્રિબ્યુટ : માર્વલ સિનેમૅટિક યુનિવર્સની સ્ટોરી આગળ કેવી રીતે વધશે એની ઝલક એટલે કે આયર્નમૅનની જગ્યા કોણ લેશે એની હિન્ટ આપી દેવામાં આવી છે

હ્યુમન ઇમોશન્સથી ભરપૂર ઍક્શન ફિલ્મ

બ્લૅક પૅન્થર : વકાન્ડા ફૉરેવર 

કાસ્ટ : લેટિટિયા રાઇટ, એન્જેલા બેસેટ, ટેનોચ હુરેટા
ડિરેક્ટર : રાયન કૂગલર
    

માર્વલ સિનેમૅટિક યુનિવર્સના ફેઝ ફોરની ‘બ્લૅક પૅન્થર : વકાન્ડા ફોરેવર’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મ ‘બ્લૅક પૅન્થર’ની સીક્વલ છે અને માર્વલ સિનમૅટિક યુનિવર્સની સ્ટોરી લાઇનને આગળ વધારી રહી છે. આ ફિલ્મને રાયન કૂગલરે ડિરેક્ટ કરી છે.

સ્ટોરી ટાઇમ
બ્લૅક પૅન્થરનું મૃત્યુ થયું હોય છે અને વકાન્ડા પર અન્ય દેશ હુમલાઓ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય છે. ફ્રાન્સ જેવા દેશ વકાન્ડાના આઉટસાઇડ રિસર્ચ સેન્ટર પર વાઇબ્રેનિયમ માટે હુમલાઓ પણ કરી રહ્યા હોય છે. કિંગનું મૃત્યુ થયા બાદ તેની મમ્મી રમોન્ડા રાજગાદી સંભાળે છે. રમોન્ડાનું પાત્ર એન્જેલા બેસેટે ભજવ્યું છે. તે યુનાઇટેડ નેશન્સમાં જઈને દરેક દેશને ધમકાવે છે અને કહે છે કે કિંગ મૃત્યુ પામ્યો છે, વકાન્ડા નહીં. 
ત્યાર બાદ તેમની સર્વાઇવલની સ્ટોરી આગળ વધે છે. કિંગના મૃત્યુ બાદ વકાન્ડાનું ભવિષ્ય જોખમમાં હોય છે. જોકે એ સમયે જ તેમના પર સૌથી 
મોટી મુસીબત આવી પડે છે. અત્યાર સુધી એવું જ હોય છે કે દુનિયામાં વાઇબ્રેનિયમ ફક્ત વકાન્ડામાં જ હોય છે, જેનાથી એકદમ ઘાતક હથિયાર બનતાં હોય છે. જોકે વકાન્ડા પર એક અલગ જ જગ્યાના દેશના લોકો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હોય છે અને તેમની પાસે પણ વાઇબ્રેનિયમ હોય છે. આ લોકો પાણીમાં રહેતા હોય છે અને એ વિશે આજ સુધી કોઈને ખબર નથી હોતી. આથી વકાન્ડા પર આ એક નવી મુસીબત આવે છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ ફિલ્મનો સ્ક્રીન પ્લે રાયન કૂગલરે જો રૉબર્ટ કોલની સાથે લખ્યો છે. ફિલ્મની શરૂઆત ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. બ્લૅક પૅન્થરનું પાત્ર ભજવનાર ચૅડ્વિક બોઝમૅનનું રિયલ લાઇફમાં મૃત્યુ થવાથી ફિલ્મની સ્ટોરી બદલવામાં આવી હતી. જોકે રાયને જે રીતે એને વળાંક આપ્યો છે એ કાબિલે દાદ છે. ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી બ્લૅક પૅન્થર એટલે કે ચૅડ્વિક બોઝમૅનને ટ્રિબ્યુટ આપવામાં આવી છે. શરૂઆતની પાંચ મિનિટ જે રીતે સ્ક્રીન પર દેખાડવામાં આવી છે એના પરથી લાગે છે કે ચૅડ્વિકનું મૃત્યુ હમણાં જ થયું છે અને તેને રિયલમાં ટ્રિબ્યુટ આપવામાં આવી રહી છે. તેમ જ પહેલા પાર્ટની જેમ આ સીક્વલમાં પણ પૉલિટિકલ ઇશ્યુ વધુ રહ્યા છે. રાયન કૂગલરે બ્લેક કોમ્યુનિટી સાથે જે પણ ભેદભાવ કરવામાં આવે છે એને પોતીની રીતે ફિલ્મમાં રજૂ કર્યાં છે. તેમ જ ફિલ્મની સ્ટોરી પહેલાં દૃશ્યથી લઈને છેલ્લા દૃશ્ય સુધી હ્યુમન ઇમોશન્સ પર આધારિત છે. રાયનની કમાલ એ છે કે તેણે ફિલ્મ લાંબી બને કે નાની એની પરવા કર્યા વગર તેણે દરેક દૃશ્યને અને દરેક સબપ્લૉટને પૂરતો સમય આપ્યો છે જેથી ફિલ્મમાં જાન લાવી શકાય. આ સાથે જ તેણે પાણીમાં, જમીન પર અને હવામાં થતી લડાઈને પણ ખૂબ જ સારી રીતે દેખાડી છે. વિઝ્યુઅલ અદ્ભુત છે. એક વાર જેમ્સ કૅમરુનની યાદ આવી જાય છે. જોકે તેમણે એક વાર બેન્ચમાર્ક સેટ કર્યો હોવાથી એના પર ખરા ઊતરવું ખૂબ જ જરૂરી છે. ક્લાઇમૅક્સને પહેલાંની ફિલ્મ જેટલો ગ્રૅન્ડ બનાવવામાં નથી આવ્યો, પરંતુ ફેઝ ફોરમાં નિષ્ફળ ગયેલી ઘણી ફિલ્મો કરતાં સારો છે.

પર્ફોર્મન્સ
ચૅડ્વિક બોઝમૅનના મૃત્યુ બાદ આ સીક્વલનો દોર મહિલાના હાથમાં રાખવામાં આવ્યો છે. આ ફિલ્મ દ્વારા એ પણ દેખાડી દેવામાં આવ્યું છે કે હવે માર્વલ સિનેમૅટિક યુનિવર્સનો દોર મહિલાઓ જ સંભાળશે. આ ફિલ્મમાં બ્લૅક પૅન્થરનું મૃત્યુ થતાં તેની મમ્મી રમોન્ડા કમાન સંભાળે છે અને તે ફિલ્મનું હાર્દ સાચવીને રાખે છે. ત્યાર બાદ આ કમાન તેની દીકરી શુરી એટલે કે લેટિટિયા રાઇટ સંભાળે છે. શુરીના હાથમાં જ્યારે કમાન આવે છે ત્યારે તેના ભાઈના મૃત્યુનું દુઃખ અને તેના પર જે જવાબદારી હોય છે એ જોઈ શકાય છે. તેણે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. આ સાથે જ વકાન્ડાની કમાન્ડર ઓકાયા અને બ્લૅક પૅન્થરની પ્રેમિકા નાકિયાએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. વકાન્ડાને બચાવવા માટે દરેક મહિલા એકજુટ થાય છે. ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવતા નામોર એટલે કે તેનોચ હુરેટાએ સૌથી સારું કામ કર્યું છે. આ પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું હતું. તે સારો વ્યક્તિ છે કે ખરાબ એ વિચાર કરતાં મૂકી દે છે. તેમ જ તેણે પાત્રમાં જે પ્રામાણિકતા દેખાડી છે એ કાબિલે દાદ છે.

મ્યુઝિક
માર્વલ સિનેમૅટિક યુનિવર્સની આ પહેલી એવી ફિલ્મ હશે જેમાં સિચુએશન સૉન્ગ હોય. બ્લૅક પૅન્થરના મૃત્યુ સમયે જે સૉન્ગ આવે છે એ પણ અદ્ભુત છે. તેમ જ આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અત્યાર સુધીની તમામ માર્વલ સિનેમૅટિક યુનિવર્સ કરતાં સારું છે. ડ્રમનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ અફલાતૂન છે. ફિલ્મનો પ્લસ પૉઇન્ટ એ છે કે જ્યારે પણ બ્લૅક પૅન્થર એટલે કે ચૅડ્વિક બોઝમૅનનું દૃશ્ય આવે ત્યારે પિન-ડ્રૉપ સાઇલન્સ હોય છે. આ દ્વારા ફિલ્મમેકર્સે ચૅડ્વિકને રિસ્પેક્ટ આપ્યો છે.

આખરી સલામ
માર્વલ સિનેમૅટિક યુનિવર્સની સ્ટોરી કેવી રીતે આગળ વધવાની છે એની ઝલક આ ફિલ્મમાં આપી દેવામાં આવી છે. ટોની સ્ટાર્ક એટલે કે રૉબર્ટ ડાઉની જુનિયરની જેમ આયર્નમૅન કોણ બનશે એ પણ દેખાડી દેવામાં આવ્યું છે. જોકે જ્યારે આયર્નમૅનની જગ્યા બીજા કોઈને આપવામાં આવશે ત્યારે એ જાણીતો ઍક્ટર હશે, પરંતુ અહીં તેને તેની ટીનેજમાં દેખાડવામાં આવ્યો છે. એ પણ ટોનીની જેમ જિનીયસ હોય છે. જોકે તે મલ્ટિ બિલ્યનેર પ્લેબૉય બને કે કેમ એ જોવું રહ્યું.

 ફાલતુ,   ઠીક-ઠીક, 
 ટાઇમ પાસ, 
 પૈસા વસૂલ, 
 બહુ જ ફાઇન

hollywood news entertainment news marvel