Vash Review: અનપ્રેડિક્ટેબલ અંત સાથે, સસ્પેન્સ થ્રિલરનો આનંદ આપતી ફિલ્મ 

15 February, 2023 02:31 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

આ ફિલ્મનો વિષય, વસ્તુ અને રજૂઆત ત્રણેય જોવી ગમશે: જાનકી બોડીવાલાની જબરજસ્ત એક્ટિંગ: હિતેન કુમારની એક્ટિંગ એઝ યુઝ્અલ દળદાર

`વશ`

ફિલ્મ: વશ

કાસ્ટ: હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ, હિતેન કુમાર, આર્યન સંઘવી, રોનક મડગટ

લેખક: કૃષ્ણદેવ યાજ્ઞિક

દિગ્દર્શક: કૃષ્ણદેવ યાજ્ઞિક

રેટિંગ: 4/5

પ્લસ પોઇન્ટ : પ્લૉટ, મ્યૂઝિક, સ્ક્રિનપ્લે, ડાયલૉગ્સ, ભાષા

માઇનસ પોઇન્ટ: કૉમિક એલિમેન્ટની ઉણપ, (અંશ) આર્યન સંઘવી અને નીલમ પંચાલ (મીના)ના પાત્રને હજી વધારે સારું બનાવી શકાયું હોત, હજી મહત્વ આપી શકાયું હોત.

ફિલ્મની વાર્તા: ફિલ્મની વાર્તાના વિષયની વાત કરીએ તો વશીકરણ, સાઈકૉલોજી, માનસશાસ્ત્રના વિષય પર બનેલી આ ફિલ્મ થ્રિલ તો આપે જ છે. શરૂઆત જે ઊંદરથી કરવામાં આવી છે અંત પણ તે ઊંદર સાથે જ થાય છે અને આ સંપૂર્ણ ઘટનાક્રમની વચ્ચે આ ફિલ્મ ચાલે છે જેમાં નીલમ પંચાલ (મીના) હિતુ કનોડિયા (અર્થવ) જાનકી બોડીવાલા (આર્યા) આર્યન સંઘવી (અંશ) અને હિતેન કુમાર (પ્રતાપભાઈ) છે. મીના, અથર્વ અને તેમના બે સંતાન આર્યા અને અંશ આ ચારેય પોતાના ફાર્મહાઉસ પર વેકેશન કરવા જતા હોય છે, રસ્તામાં નાસ્તો કરવા એક ઢાબા પર રોકાય છે ત્યાં પ્રતાપભાઈ અથર્વને ચા માટે છૂટ્ટા 10 રૂપિયા આપે છે અને આમ એ અથર્વ સાથે મિત્રતા કરવાનો પ્રયત્ન કરે છે. પ્રતાપભાઈ આર્યાને પરોઠા ખાવાની ઈચ્છા ન હોવા છતાં સાકર અથવા પરોઠું એમ બે વિકલ્પની પસંદગી કરવા જોર કરે છે અને આર્યા પ્રતાપભાઈએ આપેલી સાકર ખાઈ લે છે ત્યાર બાદ આ વશીકરણ શરૂ થાય છે. હવે પ્રતાપભાઈ જેમ કહે તેમ આર્યા કરવા માંડે છે. પ્રતાપભાઈ ફોન નથી લાગતો અને ગાડી બગડી એવા બહાને અથર્વના ફાર્મહાઉસ પર રોકાય છે. પ્રતાપભાઈને જવાનું કહેતા તે જવા તૈયાર નથી, આર્યા તેમના વશમાં છે અને આમ સારી અને ખરાબ (ગુડ અને ઇવેલ એનર્જી) શક્તિનો સામનો થાય ત્યારે કોણ જીતે છે તે તો આ ફિલ્મ જોઈને જ ખબર પડશે.

પરફોર્મન્સ : પરફૉર્મન્સની વાત કરીએ તો હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા અને હિતેન કુમાર વચ્ચે હોડ જામી હોય તેવું લાગે છે. દરેકે પોતાના પાત્રને આત્મસાત કરીને અભિનય કર્યો છે. પરફૉર્મન્સ માટે એમ કહી શકાય કે ક્યાંય પણ એવું અનુભવાતું નથી કે ફિલ્મમાં આ પાત્રો અને એક્ટર્સ એકબીજાથી જૂદાં પડે છે દરેકેદરેક એક્ટરે પોતાના પાત્રને મક્કમતાથી જકડી રાખ્યા છે. આથી પરફૉર્મન્સમાં આ ફિલ્મને ફુલ માર્ક્સ મળે છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન : ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડિરેક્શન જબરજસ્ત છે. સિનેમેટોગ્રાફી પણ જોરદાર કરવામાં આવી છે. કનેક્ટિવિટી કે લૉજિકને બાજુએ મૂકીને આ ફિલ્મ જુઓ તો ખૂબ જ સુંદર રીતે ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ છે. ગુજરાતી સિનેમામાં આ પહેલા આવા વિષય પર ફિલ્મો બની નથી, આ ફિલ્મ એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહી છે. 

મ્યૂઝિક : ફિલ્મ `વશ`માં સંગીત અને બૅકગ્રાઉન્ડ સ્કૉર કેદાર અને ભાર્ગવના છે. થ્રિલર ફિલ્મોમાં કથાનક અને વાર્તા કરતા પણ મ્યૂઝિકનું મહત્વ ખૂબ જ વધારે હોય છે જો સમયસર ચોક્કસ મ્યૂઝિક પ્લે ન થાય તો તેની મજા મરી જાય છે. ત્યારે આ ફિલ્મનું સંગીત તેના પ્લસ પૉઈન્ટ્સમાં ઉમેરો કરે છે.

આ પણ વાંચો : ‘રાડો’ Review : એક્શન ડ્રામા ફિલ્મ ગુજરાત રાયટ્સની યાદ તાજી કરે છે

ફિલ્મ જોવી કે નહીં?
હોરર કે સાયકૉલૉજિકલ થ્રિલર જોવાનું ગમતું હોય તો આ ફિલ્મ ચોક્સ જોવી જોઇએ. ડાર્ક વિષય છે અને ઘણાં એવા દ્રશ્યો છે જે છાતીનાં પાટિયા બેસાડી દે અને માટે જ ફિલ્મની શરૂઆતમાં મેકર્સે પોતે જ સૂચના આપી છે કે  બાળકો તથા ગર્ભવતી મહિલાઓએ આ ફિલ્મ જોવી ટાળવી જોઈએ. ગુજરાતીપણાંની ફ્લેવર રાખીને એક ભયના ઓથાર નીચે દર્શકોની જકડી રાખનારી આ ફિલ્મ જોવા જેવી ખરી પણ એ રિસ્ક તમે લેવા કેટલા તૈયાર છો એ તમારે વિચારવાનું રહ્યું.

nilam panchal dhollywood news entertainment news gujarati film gujarati mid-day shilpa bhanushali film review movie review hitu kanodia janki bodiwala