AICFFનું આયોજન મહામારીમાં આ રીતે થશે...

15 October, 2020 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

AICFFનું આયોજન મહામારીમાં આ રીતે થશે...

અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ

બાળકો ફિલ્મમેકર તરીકે પોતાની પ્રતિભા દર્શાવી શકે એવુ એકમાત્ર પ્લેટફોર્મ અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ (AICFF)નું ગયા વર્ષની જેમ આ વખતે પણ આ ફિલ્મ ફેસ્ટિવલ 18 અને 19 ડિસેમ્બરે યોજાશે. વર્તમાન મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લેતા સ્પર્ધા ઓનલાઈન યોજવામાં આવશે.

ફિલ્મનું સ્ક્રીનીંગ તેમની અધિકૃત યુટ્યુબ ચેનલ પર થશે. આ વખતે ચાર કેટેગરી છે- ચિલ્ડ્રન ફીચર ફિલ્મ (41 મિનીટ અથવા તેનાથી વધુ), શોર્ટ ફિલ્મ (40 મિનીટ અથવા તેનાથી ઓછી), ડોક્યુમેન્ટ્રી ફિલ્મ (10થી 40 મિનીટ) અને સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરી (પાંચથી 40 મિનીટ). આ ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ પણ દેશના બાળકો કોઈ પણ ભાષા સાથે પોતાની ફિલ્મ રજૂ કરી શકે છે.

ભારત સહિત ઈરાન, જર્મની, ચીન, ઈઝરાયલ, અમેરિકા, કેનેડા, ઈટલી, જપાન, તુર્કી, યુકે વગેરે દેશોમાંથી અરજી આવી છે. ફિલ્મ સબમિટ કરવા માટે AICFFના URL:https://filmfreeway.com/aicff માં ફિલ્મ વિનામૂલ્યે અપડેટ કરી શકાશે.

આ વર્ષે ફેસ્ટિવલ ડાયરેક્ટર મનીષ સાયની અને જ્યુરી સભ્યોમાં આરતી પટેલ અને આશિષ કક્કડ છે. ફેસ્ટિવલ ડાયરેક્ટર મનીષ સાયનીએ કહ્યું કે, મારુ માનવું છે કે ઘણા ઓછા ફિલ્મનિર્માતાઓ છે જે ખરેખર બાળકોના સિનેમા માટે કામ કરે છે. આપણે બાળકોને પ્રોત્સાહન આપવા ફિલ્મો બનાવવી જોઈએ. વાલીઓ અને શાળાઓએ બાળકોને લગતા વિષયો સાથે સારી પ્રતિભા બહાર આવે એ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

ફેસ્ટિવલ જ્યુરી આરતી પટેલના મતે કોરોના મહામારીમાં બાળકો સ્ક્રીનમાં વધુ સમય પસાર કરી રહ્યા છે, તેથી મને આશા છે કે બાળકોને વધુ સારા વિષયો જોવા માટે પ્રોત્સાહિત કરે એવી ફિલ્મો મને જોવા મળશે. આશિષ કક્ડે કહ્યું કે, મારુ માનવું છે કે અન્ય ફિલ્મ કરતા બાળકો માટેની ફિલ્મ બનાવવી અઘરી છે તેથી હું આવા પ્રકારના ફેસ્ટિવલ્સ અને ફિલ્મ નિર્માતાઓનો આભારી છું. AICFFના સ્થાપક ચેતન ચૌહાણના મતે બાળકો આ વિશ્વના સૌથી મોટા સ્ટોરી ટેલર છે. તેમણે કહ્યું કે, અમે આ ફેસ્ટિવલનું આયોજન કરીને ‘વર્લ્ડ ઓફ ચિલ્ડ્રન સિનેમા’ લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરી રહ્યા છીએ.

ફિલ્મમેકરે 27 નવેમ્બર સુધી પોતાની ફિલ્મ સબમિટ કરવાની રહેશે. 11 ડિસેમ્બરે નોટિફિકેશન આવશે અને 18 અને 19 ડિસેમ્બરે ઓનલાઈન ઈવેન્ટ યોજાશે.

dhollywood news entertainment news ahmedabad