નેશનલ એવૉર્ડ વિજેતા અભિનેતા દર્શન જરીવાલાનો નામ વગરના સંબંધને એક પત્ર

29 December, 2021 07:09 PM IST  |  Mumbai | Chirantana Bhatt

નેશનલ એવૉર્ડ વિજેતા અભિનેતા દર્શન જરીવાલાનો નામ વગરના સંબંધને એક પત્ર

ડાબે પ્રતાપ ઓઝા, જમણે પ્રતાપ ઓઝા સાથે તેજપાલ ઑડિટોરિયમની વિંગમાં દર્શન જરીવાલાની બચપણની તસવીર

નવા આકાશે ચાલ્યા ગયેલા રંગભૂમિના ઝળહળતા સૂર્યને સલામઃ 

ઘુંટાયેલો અવાજ, ધારદાર તીણું નાક, છીણી હથોડી લઇને ઘડ્યો હોય તેવો બાંધો, ભાષા પ્રભુત્વ, અભિનયને મામલે જેને વનરાજનું બિરુદ મળ્યું તેવા રંગકર્મી પ્રતાપ ઓઝાનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. ૨૦ જુલાઇ ૧૯૨૦ના દિવસે અમદાવાદમાં જન્મેલા પ્રતાપ ઓઝા એટલે રંગભૂમિનો પર્યાય. આમ તો આ પ્રતિભાની આસપાસ કંઇક ઘણુંય કરવાની યોજના હતી પણ વાઇરસે ‘કર્ટન્સ ડાઉન’ જ રાખ્યા. તેમની જન્મ શતાબ્દી નિમિત્તે રાષ્ટ્રિય એવૉર્ડ વિજેતા અભિનેતા દર્શન જરીવાલાએ તેમને જ સંબોધી આ વિશેષ, અંગત કહી શકાય તેવો પત્ર લખ્યો છે.  નાટકોના ઠસ્સા સમા લીલા જરીવાલાનાં દીકરા દર્શન જરીવાલાએ પ્રતાપ ઓઝાને પોતાના ઘર, કુટુંબના હિસ્સા તરીકે આખી જિંદગી જોયા છે. એક એવી વ્યક્તિની આસપાસ અને સાથમાં ઉછરવું જેમને માટે આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક એમ બધા જ અભિનય મિત્રો હોય એનાથી રૂડું તો શું હોઇ શકે ભલા! પ્રતાપ ઓઝા એટલે અલ્લાબેલી, નરબંકા, શાહજહાન, જેસલ તોરલ, મૃચ્છા કટિક, પરિવર્તન, આણલદે, અભિષેક, સંધ્યાકાળે, પ્રભાત ફેરી, ઇડરીયો ગઢ જીત્યા રે, વડીલોના વાંકે, મળેલા જીવ, ધૂપસળી જેવા અનેક નાટકોની સ્પૉટલાઇટ, આ નાટકોની ઓળખાણ. એક સંનિષ્ઠ માણસને જેટલા ઘા, વાતો, વમળો અને અણગમા ઝીલવા પડે એ બધાં જ તેમણે ઝિલ્યા પણ નાટક પતે પછી કોપરેલનું તેલ લગાડીને જેમ મેકઅપ ઉતારી દેવાય એ રીતે એ બધું આ ‘જળકમળવત’ માણસનાં હૈયેથી ઉતરી જ ગયું. જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આકાશગંગા બદલી બીજા બ્રહ્માંડમાં ચાલી ગયેલા રંગભૂમિના ઝળહળતા સૂર્યને સલામ.

પ્રિય બટુકભાઈ,

તમે મારા જીવનનો પહેલો નામ વિનાનો સંબંધ.

નામ વિનાનાં સંબંધોની એક ખાસિયત એ છે કે સમાજે નક્કી કરેલા સંબોધન ના ચાલે. અને એટલે જ, એ વ્યક્તિનો આભાર, જેમણે તમને આ હુલામણું નામ આપ્યું. એ નામથી તમને સંબોધતાં મારું બાળપણ હેમખેમ, એક પણ ઉઝરડા વગર પસાર થયું. (જો કે, પાછળથી ઉઝરડાં પડ્યા, અને તે આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે બને છે એમ,  અંગતોએ આપ્યાં, પણ એ એકલદોકલ, પહોંચી વળાયું, વાંધો ન આવ્યો)

એક મમ્મી, એક પપ્પા, એક મોટો ભાઈ અને એક બટુક ભાઇ. પિતા-તત્વ વહેંચાયેલું: પાણી, આકાશ, જમીન, તડકો કે પવન જેમ, કુદરતી. પંચમહાભૂત, છઠ્ઠી આંગળી નહીં; ચાર દિશા,ખોટો ખૂણો નહીં.

આ સહજ વ્યવસ્થા નાં પાયામાં એક અનન્ય હૃદય ત્રિપુટી હતી, એનો અણસાર પણ સમજની સાથે ઊગ્યો. પપ્પા, મમ્મી અને તમે. પપ્પા પોતાની રીતે પ્રેમ કરે, શિસ્ત તમારો ઈજારો; પપ્પા જાણે દેવકી, તમે જશોદા જેવા, અને તમારા બંને વચ્ચે વહેતી યમુના તે મારી મા. શાલીનતાથી, ગરવાઇથી, પોતાની સામાજીક જવાબદારી અને હૈયાની સાચી લાગણી, બન્નેને એણે અદબભેર જાળવી, પોતાને અને આપણ સૌને ગૌરવ અને સ્વમાન સાથે જીવાડ્યા.

આથી ય વધુ હેરતની વાત એ કે આ ત્રણેય પાત્રોનાં  પરિવારો જ નહીં, ત્રણેય સાથે જોડાયેલા બધાં જ, આ સંબંધને સમજે, સ્વીકારે.

પરિણામે મને બે નહીં, ત્રણ વિશ્વ મળ્યાં, મહાલવા માટે. વડીલો, અને પિત્રાઈઓ ગુણ્યા ત્રણ.

જો કે તમારી અને મમ્મીની કર્મભૂમિ એક જ. કલા પ્રત્યેની અભિરુચિ અને અભિનયનું જુનુન આ જ તમારા બંનેની નિકટતા ની જમીન. ગુજરાતી નાટ્ય વિશ્વનું નાગરિકત્વ મને મળ્યું, ત્યારે એ વિશ્વનું નિર્માણ કરનારા ગુણીજનો માંથી પહેલી હરોળના તમે હતાં, મમ્મી હતી એ વાતની હુંફ મને હંમેશાં રહી.

આ પણ જુઓ : પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

મારા અભિનય, સાહિત્ય અને સંગીત પ્રેમ તમારી ધરોહર છે. માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં શું લખાયું અને ભજવાયું, એ જાણવાની ભૂખ આજીવન રહે એવી ગળથૂથી તમે પાઇ. તમારા અવાજનાં જાદુઈ આરોહ અવરોહથી તમે અસંખ્ય પાત્રો ને જીવંત જ નહીં અમર કર્યાં. મેં તમને અલ્લાબેલી નાં દેવોભા, જેસલ તોરલ નાં જેસલ તરીકે જોયા છે, ડોક્ટર ફૉસ્ટસ તરીકે રેડિયો પર સાંભળ્યા છે, તમારા નરબંકા કે મૃચ્છકટિકમ્ કે શાહજહાં જેવા લેજેન્ડરી નાટકો વિષે અધધધ વખાણ હજી લોકો કરે છે.  દિગ્દર્શક તરીકે ની તમારી પ્રયોગશીલતા અને આધુનિકતા તમારી પછીની પેઢીઓ માટે દીવાદાંડી સમાન છે.

મેં, મારી જિંદગીમાં જે કંઈ અર્થ સંકોર્યો હોય, તે બધો તમારી આસપાસ વિખરાયેલી તમારી પ્રતિભા અને પ્રકૃતિને આભારી છે. હા, એમાં છંદ કુછંદો ય ખરા. તમારી જેમ જ હું હજી અસ્ખલિત ને જરૂર પૂરતું અલંકૃત સંભાષણ ચારેક ભાષાઓ માં કરી શકું છું, ક્યારેક લોકોને બોર કરું છું, ક્યારેક શંઢો અને મુર્ખાઓ સામે ત ત પ પ થઈ પિત્તો ગુમાવી બેસું છું, ક્ષણાર્ધ માં વજ્રાદપિ કઠોરાણિ થી કુસુમ જેવો મૃદુ થઈ જાઉં છું. ઊંચા માહ્યલો શરાબ ગમે છે, ધુમ્રપાન તમારી જેમ જ કરી જોયું, છોડી દીધું, પણ હા, બ્રિજ રમતાં ન આવડ્યું તે ન જ આવડ્યું. મને યાદ છે ત્યાં સુધી તમને પણ ખાસ આવડતું નહોતું; લીલા ફેલ્ટ જડિત કાર્ડ ટેબલ પર કે જીવન માં, તમે તમારી બાજી ના પાના સાવ છતાં કરીને જ રમતાં; અને મોટે ભાગે હસીને હારતા.

તમારી જેમ સ્કૂટર ચલાવતા ન શીખ્યો. ભાટિયા હોસ્પિટલની અકસ્માત પછીની તમારી લાંબી પથારી અને એને કારણે કાયમ રહી ગયેલી ચાલવામાં મુશ્કેલી - કદાચ એના જવાબદાર છે. મને યાદ છે, સ્કૂલેથી સીધો દફતર ને યુનિફોર્મ માં હું તમને મળવા, અને ખાસ કરીને તમારો સાંજનો નાસ્તો ઝાપટવા આવતો. પણ ત્યાં જ તમારી સાથે એ ડબલ બેડ ના રૂમ માં સારવાર લઈ રહેલા હરીન્દ્ર દવે ને પહેલી વાર જોયાં. એમને મળવા આવતા સાહિત્ય સર્જકો સાથે તમારા ગપ્પાંગોષ્ટી સાંભળતો. હરીન્દ્ર ભાઈ પોતે મિતભાષી. પણ એમના દોસ્તો ની મંડળી, એમની સાથેની ચર્ચાઓ, આ બધું મારે માટે અમૃત સમાન હતું. ત્યારે મને તમારા વિશાળ વાંચન નો પરિચય થયો. સમજાયું કે શાળાની વકતૃત્વ સ્પર્ધામાં કે કવિતા પઠન ની હરીફાઈમાં હું પહેલું ઈનામ કોની તિજોરીમાંથી ઉઠાવું છું.

આ પણ વાંચો : અમુક ઉંમર પછી શરીરનો અવાજ સાંભળવાની આદત કેળવો

ગમે એટલા ઝનૂનથી કે તીવ્ર મનોમંથન થી વલોવાતાં પાત્ર‌એ બોલેલા ડાયલોગ કઈ રીતે સ્પષ્ટ પણે છેલ્લી હરોળમાં બેઠેલા પ્રેક્ષક સુધી પહોંચાડ‌વા, એ તમારા થી વધારે સારું કોઈએ મને શીખવ્યું નથી. હજી અત્યારે એક બ્રિટિશ ટીવી શો માં, મારા હમઉમ્ર કલાકારો મારા enunciation બિરદાવે છે, ત્યારે મારામાં અડિંગો જમાવીને બેઠેલા તમને તૃપ્ત થતાં અનુભવું છું. મોજ મને એ દિવસે પડી, જ્યારે નેશનલ એવોર્ડ મેળવી પોરસાતો હું, તમને એ જણાવવા આવ્યો ત્યારે પથારીવશ તમે ઇશારાથી મને પૂછ્યું, સરસ, હવે ઓસ્કાર ક્યારે? માળું, અત્યારે વિચારું છું , કે તમને પાછો મળું એ પહેલાં એ વ્યવસ્થા પણ કરવી તો પડશે જ. 

જીવનના સંધ્યાકાળે અફસોસનાં પડછાયાં લાંબા થતાં હોય છે. એવું શા માટે અને ક‌ઇ રીતે ના થવા દેવું, એ પણ હું તમારી પાસેથી શીખ્યો ત્યારે હું એકાવનનો હતો, તમે નેવું ના. લગભગ પા સદી બાદ, માત્ર પાંચ અઠવાડિયા તમે મારી અને અનુ સાથે રહ્યાં. જીવનનું એ આનંદ પર્વ આપણે બંને એ ઉજવ્યું. ત્યાર બાદ બે વર્ષમાં તમે લીલા સંકેલી.

આ પણ વાંચો : ગાંધીજીએ દર્શન જરીવાલામાં કેવું પરિવર્તન લાવી દીધું છે?

લીલા! લીલા જરીવાલા અને પ્રતાપ ઓઝા નું મૌન યુગલગાન હવામાં તરતી સુગંધ-શું હતું. અકથ્ય, અકબંધ, ગહન અને ગોપિત. સ્પર્શતાં જ ભસ્મ કરી નાખે એવી તમારી ધગધગતી ચેતના ને સંકોરી  શીતળ પ્રકાશમય કરવામાં મારી માની સાલસ મીઠાશ સરસ કામ આવી.

જ્યાં સુધી મારો સવાલ છે, ત્યાં સુધી હું એમ કહી શકું કે ભલે વીર્યનો નથી, પણ આપણો લોહીનો સંબંધ છે.

એક નામ વિનાનો સંબંધ.

એ જ,

તમારો

દર્શન.

 તા. ક.     આવતી કાલે તમે સો વરસનાં થશો. તમારા જન્મ શતાબ્દી વર્ષને ઉજવવું છે. નાટયઘરો જડબેસલાક બંધ છે. પણ આવી તો કંઈ કેટલી નિરાશાઓ વચ્ચે તમે નાટક જીવતું રાખ્યું છે. અને આ સમય તો - તમે બર્થ ડે કેક પર ટમટમતી મીણબત્તીઓ એકીશ્વાસે બુઝાવી દો - ત્યાં સુધીમાં આમ  જશે. Cheers બટુક ભાઈ!!

(જન્મભૂમિ પ્રવાસીમાંથી સાભાર)

gujarati film dhollywood news Darshan Jariwala