ડિરેક્ટર વિજયગિરી બાવાના મોનિટર પાસે સતત રહેતો હતો આ વ્યક્તિનો ફોટો

22 August, 2019 11:22 AM IST  |  મુંબઈ

ડિરેક્ટર વિજયગિરી બાવાના મોનિટર પાસે સતત રહેતો હતો આ વ્યક્તિનો ફોટો

શૂટિંગમાં સતત સામે રહેતો હતો ઘનશ્યામ પટેલનો ફોટો

વિજયગિરી બાવાની ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' શુક્રવારે એટલે કે 23 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ગીતો અને ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવ્યું છે, તો ડાઈલોગ પ્રોમોને પણ લોકો વખાણી રહ્યા છે. આ ફિલ્મ અંગે ઘણી રસપ્રદ વાતો સામે આવી છે. ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે ડિરેક્ટર વિજયગિરી બાવાના મોનિટર પાસે સતત એક વ્યક્તિનો ફોટો રહેતો હતો. ઉપરના ફોટામાં પણ તમે વિજયગિરી બાવાના મોનિટરની સામે એક ફોટો જોઈ શકો છો, જેમાં લખ્યું છે,'હું જે કઉં સું, એ હાંભર પહેલા'. તમામ લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે આ ફોટો કોનો છો ?

ડિરેક્ટર વિજયગિરી બાવાને જ અમે આ સવાલ પૂછ્યો. વિજયગિરી બાવાએ કહ્યું કે,'આ ફોટો ઘનાબાપા ઉર્ફે ઘનશ્યામ પટેલનો છે. જેઓ મારા માટે ફાધર ફિગર હતા. મારી કરિયરમાં ઘનાબાપાનો ખૂબ મોટો ફાળો છે. વિજયગિરી ફિલ્મોઝની સ્થાપના પાછળ પણ તેમનો મોટો હાથ છે. પ્રેમજી ધ રાઈઝ ઓફ વૉરિયર બની અને મોન્ટુની બિટ્ટુ બની એમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. રામે જ્યારે મને પહેલીવાર વાર્તા સંભળાવી ત્યારે સૌપહેલા ઘનાબાપાએ જ કહ્યું હતું કે વિજય આના પર ફિલ્મ બને.' વિજયગિરી બાવા કહે છે કે એમના આશીર્વાદ વગર આ ફિલ્મ ન બની હોત. આ સવાલનો જવાબ આપવા દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા. વિજયગિરી બાવાની સામે સતત રહેતા આ ફોટામાં લવ યુ બાપ્પા પણ લખેલું છે.

ઘનશ્યામ પટેલ

ઘનશ્યામ પટેલનું વિજયગિરી બાવાના જીવનમાં ખૂબ જ મહત્વ છે. વિજય કહે છે કે,'ફિલ્મનું શૂટિંગ શરૂ થવાને 4-5 દિવસ જ બાકી હતા, અને ઘનાબાપાનું અવસાન થયું. ત્યારે ફિલ્મના શૂટિંગને લઈ બધું જ લૉક હતું. પણ મારા જીવનમાં તેમનું એટલું મહત્વ હતું કે હું એકદમ સૂન્ન થઈ ગયો હતો. મને કંઈ સુજતુ નહોતું. એક સમયે તો ફિલ્મ પાછી ઠેલાય એવી પણ શક્યતા હતી. પણ જ્યારે ઘનાબાપાના અંતિમ સંસ્કાર થયા ત્યારે મને એવી વાઈબ્સ આવી કે જે વ્યક્તિએ આ ફિલ્મ કરવા સૌથી પહેલા કહ્યું હતું, જે વ્યક્તિએ ફ્લોર પર જિંદગી કાઢી છે, એમનું સાચું તર્પણ તો ફિલ્મ બનાવીને જ થઈ શકે. અને એટલે જ આ ફિલ્મ મેં ઘનાબાપાને સમર્પિત કરી છે. દિલીપ દવેએ પણ મને આ જ સલાહ આપી હતી. પછી રૂટિન શૂટિંગ શરૂ થયું'

આ પણ જુઓઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ પટેલ જાણીતા ગુજરાતી આર્ટ ડિરેક્ટર છે. આર્ટ ડિરેક્ટર ઘનશ્યામ પટેલ શ્યામ બેનેગલ જેવા દિગ્ગજો સાથે પણ કામ કરી ચૂક્યા છે. તમે તેમને એક્ટિંગ કરતા પણ જોયા હશે. પ્રેમજી રાઈઝ ઓપ વૉરિયરમાં પણ સરપંચના રોલમાં ઘનાબાપા દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે મોન્ટુની બિટ્ટુમાં ગીત 'પાક્કી અમદાવાદી' લખનાર દિલીપ દવે પણ તેમની સાથે કામ કરી ચૂક્યા છે.

dhollywood news gujarati film